CCTV:અમદાવાદના બાપુનગરમાં ભંગારના કારખાનાના ગેટ બહારથી 5 સેકન્ડમાં 12.92 લાખ ભરેલી બેગની લૂંટ કરી બે શખ્સ ફરાર

અમદાવાદ4 મહિનો પહેલા
લૂંટની ઘટનાના સીસીટીવીની તસવીર
  • કર્મચારી આંગડિયામાંથી રૂપિયા લઈને કારખાના પર પહોંચ્યો હતો
  • દવા ભરેલી થેલી લેવા જતા લૂંટારૂ પૈસા ભરેલી બેગ હાથમાંથી ઝૂંટવીને ફરાર થઈ ગયા

બાપુનગરમાં આંગડિયા પેઢીમાંથી રૂ.12.92 લાખ ઉપાડીને લઈને જતા કર્મચારીના હાથમાંથી પૈસા ભરેલું પર્સ લૂંટીને 2 બાઈક સવાર ફરાર થઇ ગયા હતા. શાહીબાગમાં રહેતા અવિનાશ નાઈક (47) બાપુનગરમાં ગુજરાત બોટલિંગ પાસેની ઈકારી એન્ટરપ્રાઈઝ નામના ભંગારના કારખાનામાં નોકરી કરે છે. અવિનાશના કારખાનાના માલિક ઈનામુલ હક ઈરાકીના દીકરા ઈબરાર હકની દવા લેવા શનિવારે નરોડા-દહેગામ રોડ પર આવેલા પુષ્પક આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં ગયા હતા.

દરમિયાન સાંજે 4 વાગે મેનેજર હબીબુલ્લા અંસારીએ અવિનાશને ફોન કરીને 2 આંગડિયા પેઢીમાંથી પૈસા લઈ આવવા કહ્યું હતું, જેથી અવિનાશ ત્યાંથી એક્ટિવા લઈને સાંજે 4.45 વાગ્યે બાપુનગર આંગડિયા બજારમાં આવેલી એનઆર આંગડિયા પેઢીમાંથી રૂ.2.92 લાખ અને રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીમાંથી રૂ.10 લાખ મળીને રૂ.12.92 લાખ એક્ટિવાની ડેકીમાં પર્સ મૂકીને જતા હતા. એક્ટિવાની ડેકીમાંથી પર્સ કાઢીને તે સીટ પર મૂકીને બીજા હાથથી હુકમાં ભરાવેલી દવાની થેલી કાઢતા હતા ત્યારે બાઈક પર 2 લુટારુએ તેમની પાસે આવી પાછળ બેઠેલા લુટારુએ બાઈક પરથી નીચે ઊતરીને અવિનાશ પાસે આવી તેમના હાથમાંથી રૂ.12.92 લાખ ભરેલું પર્સ લૂંટી બાઈકની પાછળ બેસીને બંને ભાગી ગયા હતા.

આ અંગે અવિનાશની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે લૂંટનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં લૂંટની ઘટના કેદ થઈ હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. બંને લુટારુ આંગડિયા પેઢીની ઓફિસેથી જ અવિનાશનો પીછો કરતા હોવાની શંકા પોલીસે નકારી નથી.

ગુજરાત બોટલિંગ પાસે લૂંટ
શાહીબાગ કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા અને બાપુનગર ગુજરાત બોટલિંગ પાસે મણિયાર ગલીમાં ઈરાકી એન્ટરપ્રાઈઝ નામના ભંગારના કારખાનામાં અવિનાશ નાઈક નોકરી કરે છે. તેઓ પૈસાની ઉઘરાણી કરવાનું કામ કરે છે. શનિવારે સવારે તેઓ રાબેતા મુજબ બાપુનગર ખાતે નોકરીએ ગયા હતા. બપોરે ત્રણ વાગ્યે તેમના શેઠના દીકરાએ ફોન કરી અવિનાશને કહ્યું હતું કે નરોડા- દહેગામ રોડ પર આવેલી દવાની દુકાન પરથી દવા લઈ આવો જેથી તેઓ એકિટવા લઇ દવા લેવા ગયા હતા. શેઠના દીકરાને ફોન પર દવાની દુકાન પર વાત કરાવી દવા લઇ પરત ફરતા હતા. દરમ્યાનમાં કારખાનાના મેનેજર હબીબુલા અન્સારીએ ફોન કરી કહ્યું હતું કે, બાપુનગર આંગડિયા બજારમાંથી બે પેઢીમાંથી પૈસા લઈને આવજો.

બાપુનગર પોલીસ સ્ટેશનની તસવીર
બાપુનગર પોલીસ સ્ટેશનની તસવીર

12.92 લાખ ભરેલી થેલી હાથમાંથી ઝૂંટવી લૂંટારૂ ફરાર
જેથી અવિનાશ આંગડિયા બજારમાં આવેલી બે પેઢીમાંથી કુલ રૂ. 12.92 લાખ લઇ અને બેગમાં મૂકી અને ગુજરાત બોટલિંગ રોડ પર કારખાનાના ગેટ પાસે પહોંચ્યા હતા. તેઓએ રૂ. 12.92 લાખ ભરેલી બેગ સીટ પર મૂકી હતી. બેગ મૂકી અને હાથ રાખી તેઓ એક્ટિવાના હુકમાં ભરાવેલી દવાની થેલી લેવા ગયા.

બાઈક પર આવેલા લૂંટારૂઓની તસવીર
બાઈક પર આવેલા લૂંટારૂઓની તસવીર

પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
એટલામાં જ બાઇક પર આવેલા બે શખ્સ નજીક આવી અને રૂપિયા ભરેલી બેગ લઈ અને ફરાર થઈ ગયા હતા. જેથી અવિનાશભાઈ તેમની પાછળ દોડ્યા હતા. બુમાબુમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

લુટારુઓએ બાઈક 30 મીટર દૂર ઊભું રાખ્યું હતું
બંને લુટારુઓ અવિનાશના એક્ટિવાની પાછળ જ બાઈક લઈને આવ્યા હતા. અવિનાશે કારખાનાની બહાર એક્ટિવા પાર્ક કર્યું ત્યારે લુટારુએ 30 મીટર દૂર રોડની સામેની બાજુએ બાઈક ઉભું રાખ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા લુટારુએ ચાલતા અવિનાશ પાસે આવી પૈસા ભરેલું પર્સ લૂંટી બાઈક પાછળ બેસીને બંને ભાગી ગયા હતા.