સમગ્ર દેશમાં અમદાવાદ મકાન ખરીદવા માટે સૌથી સસ્તું માર્કેટ બની ગયું છે જ્યારે મુંબઈ આ મામલામાં સૌથી મોંઘું છે. સંપત્તિ વિશે પરામર્શ આપનારી નાઇટ ફ્રેન્ક ઈન્ડિયાએ અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 2021 જાહેર કર્યો છે. તે મુજબ અમદાવાદ સતત બીજા વર્ષે મકાન ખરીદવા માટે સૌથી સસ્તું બજાર છે. નાઇટ ફ્રેન્ક તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ, ભારતીય બજાર સસ્તા મકાનના મામલામાં દશકની સોથી સારી સ્થિતિમાં છે. ઘરોની કિંમતોમાં થયેલો ઘટાડો અને હોમ લોન પર વ્યાજ દર ઘટવાના કારણે વર્ષ 2021માં ઘરો સસ્તા થવાનું પ્રમાણ વધ્યું છે.
અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 2021 દર્શાવે છે કે કોઈ શહેરમાં રહેનારને આવકની તુલનામાં કેટલી રકમ માસિક હપ્તા તરીકે આપવી પડે છે. ઉદાહરણ રૂપે જો રેશિયો 40% હોય તો તેનો અર્થ છે કે તે શહરેના એક પરિવારને પોતાની આવકનો 40% હિસ્સો માસિક હપ્તા રૂપે ચૂકવવો પડશે. આ ઇન્ડેક્સના નિર્ધારણમાં 50%થી વધુ આવક અને હપ્તાના રેશિયો હોવા પર તે શહેરને રહેવાના હિસાબથી સસ્તું નથી માનવામાં આવતું. નાઇટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ, દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રેશિયો સૌથી વધુ સુધર્યો છે.
અમદાવાદમાં અફોર્ડેબિલિટી રેશિયો એક વર્ષમાં 4% ઘટ્યો
આ યાદીમાં અમદાવાદ સૌથી સસ્તા હાઉસિંગ માર્કેટ તરીકે સામે આવ્યું છે. અહીં એક પરિવારને પોતાની માસિક આવકના માત્ર 20% જ ઘરના હપ્તા કે હોમ લોનના રૂપમાં ચૂકવવા પડે છે. 2020માં અમદાવાદ આ રેશિયો 24% હતો જેમાં આ વર્ષે 4%નો ઘટાડો નોંધાયો છે. એક દશક પહેલા 2010માં આ રેશિયો 46%નો હતો. અમદાવાદમાં 10 વર્ષમાં આ રેશિયોમાં 26%નો ઘટાડો નોંધાયો છે જેથી મકાન ખરીદવા વધુ સસ્તા થયા છે.
24% સાથે પૂણે સસ્તા હાઉસિંગ માર્કેટમાં બીજા નંબરે
2021ના રિપોર્ટમાં પુણે 24%ની સાથે બીજા સ્થાને છે. બીજી તરફ મુંબઈમાં આવક અને માસિક હપ્તાનો રેશિયો 53% હોવાના કારણે તે સૌથી મોંઘું હાઉસિંગ માર્કેટ બની જાય છે. 2010માં મુંબઈમાં આ રેશિયો 61%નો હતો. હૈદરાબાદમાં 29%, બેંગલુરુમાં 26% અને ચેન્નઈ-કોલકાતામાં 25-25% રેશિયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.