અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીના ભાગરૂપે ‘AHNA Cares નામે એક ખાસ પહેલની શરૂઆત કરી છે, જે અંતર્ગત અમદાવાદના સામાજિક મુદ્દાઓને સ્પર્શવાનો પ્રયત્ન કરવામાં આવશે.
AHNA દ્વારા હાથ ધરવામાં આવનાર આ સામાજિક પહેલમાં ICUમાં દાખલ યુવા દર્દીઓને આર્થિક સહાય, વૃદ્ધાશ્રમો અને પાલક ગૃહોને દત્તક લેવા અને શહેરને હરિયાળું બનાવવા જેવા પર્યાવરણીય મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત “AHNA Cares અંતર્ગત જીવનશૈલી અને તમાકુ સંબંધિત રોગો અંગે પણ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. AHNA Cares' દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ માટેનું ભંડોળ એકત્ર કરવા માટે જાણીતા ચિત્રકાર રમેશ વ્યાસનું પેઈન્ટિંગ્સ ઓફ નેચરસેવ લાઈન્સ' શીર્ષક હેઠળ એક આર્ટ એક્સિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ 1938માં જન્મેલા રમેશ વ્યાસ છેલ્લા 40 વર્ષથી કોઈ પણ પ્રકારના વ્યાવસાયિક હેતુ વિના એ જ ઉત્સાહ સાથે ચિત્રકામ કરી રહ્યા છે. તેઓ પોતાના લેન્ડસ્કેપ પેઈન્ટિંગ્સ દ્વારા સંદેશ આપવા ઈચ્છે છે કે, ‘તમામ સ્વરૂપોમાં પ્રકૃતિ પ્રશંસાને પાત્ર છે.’ આજના સમયમાં જ્યારે આધુનિક કલા વધુ પ્રચલિત છે તેવા સમયમાં તેઓ ક્લાકારોને પ્રકૃતિને અનુભવવા તથા તેમાંથી નવું શીખવા માટે પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે. તેઓ માને છે કે, કુદરત હંમેશા આપતું રહે છે, જે માનવજાતે શીખવાની જરૂર છે.
આ આર્ટ એક્ઝિબિશનનું 26મી માર્ચ 2022 (શનિવાર)ના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અને 27 માર્ચ(રવિવાર) ના રોજ સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી એલિસબ્રિજ જીમખાના ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ‘AHNA Cares અમદાવાદની કલાપ્રેમી જનતાને મોટી સંખ્યામાં આ આર્ટ એક્ઝિબિશનમાં જોડાઈને ઉમદા પ્રયાસમાં પોતાનું યોગદાન આપે તેવી વિનમ્ર અપીલ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.