તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન કેસ:મધરાતે ગરીબ પરિવારને ફૂટપાથ પર ફંગોળનારી કારનો માલિક શૈલેષ શાહ પરિવાર સાથે રાતોરાત ગાયબ, ટ્રાફિક નિયમો ભંગના 10 તો મેમો મળ્યા છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શૈલેષ શાહ અને તેમનો પરિવાર એક જ રાતમાં ગાયબ થઈ ગયા. - Divya Bhaskar
શૈલેષ શાહ અને તેમનો પરિવાર એક જ રાતમાં ગાયબ થઈ ગયા.
  • ગઈકાલે શિવરંજની પાસે હિટ એન્ડ રનમાં એક મહિલાનું મોત થયું હતું, 4 ગંભીર
  • રાજકીય દબાણને કારણે હાલ કોઈની ધરપકડ કરવા આવી નથી એવી પણ ચર્ચા છે
  • શૈલેષ શાહના નામે ટ્રાફિક નિયમ તોડ્યાના 10થી વધુ મેમો ફાટ્યા છે

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે અકસ્માત બાદ કાર માલિક શૈલેષ શાહ અને તેમનો આખો પરિવાર ઘર બંધ કરીને ગાયબ થઈ ગયા છે, જ્યારે સોસાયટીના અન્ય રહીશો પણ શૈલેષ શાહ વિશે કોઈપણ વાતચીત કરવા માટે તૈયાર નથી. એવી પણ ચર્ચા છે કે રાજકીય દબાણને કારણે હાલ કોઈની ધરપકડ કરવા આવી નથી.

પોલીસ મીઠાખળી પાસેના સિદ્ધિગિરિ એપાર્ટમેન્ટમાં આવેલા શૈલેષ શાહના ઘરે પહોંચી હતી, પરંતુ ઘર બંધ હતું.
પોલીસ મીઠાખળી પાસેના સિદ્ધિગિરિ એપાર્ટમેન્ટમાં આવેલા શૈલેષ શાહના ઘરે પહોંચી હતી, પરંતુ ઘર બંધ હતું.

શૈલેષ શાહના ઘરે તાળું, પરિવાર સાથે ફરાર
મોડી રાત્રે વેન્ટો અને i20 કાર વચ્ચે પુરપાટ ઝડપે રેસ લાગી હતી. જેમા અંદાજે 70-80ની સ્પીડે દોડતી i20 કારે અચાનક કાબુ ગુમાવતા ફૂટપાથ પર ચઢી ગઈ હતી. તે સમયે ફૂટપાથ પર એક પરિવાર સૂતો હતો. i20 કાર ડ્રાઈવરે કુલ 5 લોકોને કચડી નાખ્યા હતા. આ કાર શૈલેષ શાહ નામના વ્યક્તિના નામે રજીસ્ટર છે. ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી દીધી હતી.પોલીસ ​​મીઠાખળી પાસેના સિદ્ધિગિરિ એપાર્ટમેન્ટમાં આવેલા શૈલેષ શાહ ઘરે પહોંચી હતી. પરંતુ શૈલેષ શાહનું ઘર બંધ હતું. શૈલેષ શાહ અને તેમનો પરિવાર એક જ રાતમાં ગાયબ થઈ ગયા હતા. પોલીસે આસપાસના લોકોને પરિવાર વિશે પુછપરછ પણ કરી જોકે કોઈએ પણ તેમના વિશે કોઈ જાણકારી આપી ન હતી.

શૈલેષ શાહના નામે 10થી વધુ મેમો.
શૈલેષ શાહના નામે 10થી વધુ મેમો.

શૈલેષ શાહના નામે ટ્રાફિક નિયમ ભંગના 9 મેમો ફાટ્યા છે
શૈલેષ શાહના નામે રજિસ્ટર GJ-01-RU-8964 નંબરની i20 કાર પર ટ્રાફિક નિયમ તોડ્યાના 10થી વધુ મેમો ફાટ્યા છે, જેમાં BRTS રૂટ પર જોખમભર્યું ડ્રાઈવિંગનો એક, જ્યારે રેડ લાઈટ નિયમના ઉલ્લંઘનના 9 મેમો ફાટ્યા છે. શૈલેષ શાહને આ 10 મેમાની કુલ રૂપિયા 5300ની રકમ ભરવાની બાકી છે. આ ઉપરથી એવું કહી શકાય કે શૈલેષ શાહ પહેલેથી જ ટ્રાફિક નિયમ ભંગ તેમજ પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો, જેને કારણે રોડ પર પસાર થતાં અન્ય વાહનો મુશ્કેલીમાં મુકાય છે. દિવ્ય ભાસ્કરે શૈલેષ શાહના નામે ફાટેલા મેમોની તમામ માહિતી www.payahmedabadechallan.org પરથી પ્રાપ્ત કરી છે.

વિસ્મય શાહની ફાઇલ તસવીર.
વિસ્મય શાહની ફાઇલ તસવીર.

વિસ્મય શાહ પણ ફરાર થઈ ગયો હતો
24 ફેબ્રુઆરી 2013ના રોજ BMW લઈને જઈ રહેલા વિસ્મયે જજીસ બંગલો રોડ પર બે બાઇકસવારને અડફેટે લીધા હતા. શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારનાં મોત થયાં હતાં. ત્યાર બાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી. 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ-શિવમનાં માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.