તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:મુંબઈ અને પૂણેમાં રોજના સરેરાશ 400 સામે અમદાવાદમાં કોરોનાના માત્ર 4 કેસ આવે છે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કેરળના થીરુવનંથપુરમમાં તો રોજના 1800થી વધુ કેસ આવે છે
  • 47 દિવસથી શહેરમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી, તેમજ 41 દિવસથી રોજિંદા કેસ 10થી પણ ઓછા નોંધાયા છે
  • 1 ઓગસ્ટથી અત્યાર સુધી શહેરમાં કોરોનાના માત્ર 146 કેસ: હજુ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સલાહ

અમદાવાદ સહિત ગુજરાતમાંથી કોરોનાના કેસમાં સતત અને નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 1 મહિનાે અને 3 દિવસમાં માત્ર 146 કેસ નોંધાયા છે જે રોજ સરેરાશ 4 કેસ હોવાનું દર્શાવે છે. બીજી તરફ મુંબઈ અને પુણેમાં છેલ્લા 1 મહિનાથી રોજના 400થી વધુ કેસ નોંધાય છે જ્યારે કેરળના થીરુવનંથપુરમમાં તો રોજ 1800 કેસ આવે છે.

છેલ્લા 47 દિવસથી અમદાવાદમાં કોરોનાથી એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. આ ઉપરાંત છેલ્લા 41 દિવસથી શહેરમાં કોરોનાના કેસનો આંકડો 10ને પાર ગયો નથી. જૂનમાં શહેરમાં રોજ નોંધાતા કેસ કરતા પણ ઓગસ્ટ 2021માં નોંધાયેલા કેસ ઓછા છે. છેલ્લા 41 દિવસમાં કોરોનાના 231 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમદાવાદની વાત કરીએ તો 24 જુલાઈએ 10 કેસ નોંધાયા હતા. એ પછી આંકડો ક્યારેય ડબલ ફિગરમાં ગયો નથી. એ જ રીતે કોરોનાથી શહેરમાં ગત 18 જુલાઈએ એક દર્દીનું મૃત્યુ થયું હતું. એ પછી કોઈ મૃત્યુ નોંધાયું નથી.

41 દિવસમાંથી 25 દિવસ તો એવા છે જેમાં અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 5થી પણ નીચે રહ્યો છે. બે દિવસ એવા છે જ્યારે કોરોનાનો માત્ર 1-1 કેસ નોેંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન પણ શહેરમાં કોરોનાના માત્ર 4 નવા કેસ નોંધાયા હતા. જોકે ડૉક્ટરો હજુ પણ સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અને જરૂર વગર ભીડમાં ન જવાની સલાહ આપે છે.

ઓગસ્ટથી કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં માત્ર 4 નવા કેસ
અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 4 નવા કેસ નોંધાયા હતા. દોઢ મહિનાથી વધુ સમયથી કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. ઓગસ્ટના પ્રારંભથી શહેરમાં કોરોનાના કેસમાં જોવા મળેલો ઘટાડો સતત જળવાઈ રહ્યો છે. એક સમયે કોરોનાના દર્દીઓથી છલકાતી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હવે કોરોના સિવાયની ઓપીડી પણ ચાલુ થઈ ગઈ છે.

129 સ્લમ વિસ્તારમાં 8 હજાર સહિત 38 હજારને રસી મુકાઈ
સ્લમ વિસ્તારમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું છે જેના ભાગરૂપે શુક્રવારે શહેરના સ્લમ વિસ્તારોની કુલ 129 જેટલી સાઈટ ઉપર 8,269 લોકોને રસી મૂકવામાં આવી હતી. આ સહિત શહેરમાં કુલ 38,198 લોકોએ રસી લીધી હતી. 18થી 44 વયજૂથના 28,931 જ્યારે 45 વર્ષ કરતા મોટી ઉંમરના 7,533 લોકોને રસી મૂકવામાં આવી હતી.

કેરળથી અમદાવાદ આવેલા 800ના RTPCR ટેસ્ટ થયા
કેરળથી અમદાવાદ આવતી ટ્રેનમાં ખાસ તપાસ હાથ ધરવામાં આવે છે. આ ટ્રેનમાં આવતા મહત્તમ લોકોના આરટપીસીઆર ટેસ્ટ થાય છે. શુક્રવારે પણ કેરળથી આવેલી ટ્રેનમાં 800 પેસેન્જર આવ્યા હતા. જેમના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે મ્યુનિ. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર હજુ સુધી આ ટ્રેનમાં કોઇ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...