સ્માર્ટ સિટી તરીકે અમદાવાદ શહેરને ઓળખવામાં આવે છે. જોકે અમદાવાદ હજી સુધી ટેક્નોલોજીમાં ક્યાંકને ક્યાંક પાછળ હોય તેવું લાગી રહ્યું છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના તમામ ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ હતી.
સ્માર્ટ સિટી અંતર્ગત રૂ 950 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 16 પ્રોજેક્ટ હાલમાં અમલ છે, ત્યારે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 6000થી વધુ કેમેરા લાગેલા છે, પરંતુ સાબરમતી રિવરફ્રન્ટ પર જ એક પણ કેમેરા લાગેલા નથી. કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં સીસીટીવી કેમેરા જ નથી. જેના કારણે જો કોઈ ગુનાખોરી થાય અથવા તો અસામાજિક તત્વોને પકડી શકાતા નથી.
સાબરમતી રિવરફ્રન્ટ એ સંવેદનશીલ વિસ્તાર બન્યો
એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયર રહી ચૂકેલા અમિત શાહ પણ આ બેઠકમાં હાજર હતા. તેઓએ પ્રિન્સિપલ કમિશનર સહિતના અધિકારીઓને સૂચન કર્યું હતું કે, શહેરમાં અનેક જગ્યાએ સ્માર્ટ સિટી અંતર્ગત કેમેરા લાગેલા છે. પરંતુ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને છેડા પર ક્યાંય પણ સીસીટીવી કેમેરા લાગેલા નથી. કોઈપણ જગ્યાએ રિવરફ્રન્ટ પર નીચેની જગ્યાએ અથવા ઉપર ક્યાંય કેમેરા લગાવવામાં આવ્યા નથી. હવે સાબરમતી રિવરફ્રન્ટ એ સંવેદનશીલ વિસ્તાર બની ગયો છે. ત્યારે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી છે. શહેરમાં લાગેલા 6,000 કેમેરામાંથી 386 જેટલા કેમેરા બંધ છે.
અમદાવાદમાં પ્રદૂષણ વધશે તો મુશ્કેલીનો સામનો કરવો પડશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. પ્રદૂષણ જે રીતે વધી રહ્યું છે. તેને લઈ અને વિચારવું જરૂરી છે કારણ કે, દિલ્હીમાં જે રીતે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે તે જ રીતે જો અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધશે. તો મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેથી અમદાવાદ એ દિલ્હી જેવું ન બની જાય તેના માટે થઈને વિચારવું જોઈએ. કાળા સિસ્ટમ અંગે પણ કેટલીક ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં કેટલી ટાંકી ભરાય છે, તે ઓનલાઈન કોર્પોરેશનના અધિકારીઓ અને વોટર સપ્લાય કમિટીના સભ્યો જોઈ શકે છે. પરંતુ આ આ સિસ્ટમ હજી વધુ આગળ લઈ જઈ અને સારી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તે બાબતે પણ જણાવ્યું હતું.
ગટરની સાફસફાઈ માટે વેક્યુમ સિસ્ટમ વાપરવા સૂચન
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બેઠકમાં ગટર ઉભરાવવાની સમસ્યાને લઈ અને ચર્ચા કરવામાં આવી હતી. જે પણ ગરીબ અને ચાલી ઝૂંપડપટ્ટીના વિસ્તારો છે. ત્યાં ગટરો ઉભરાય છે, તેને સાફ કરવા માટે થઈ અને વેક્યુમ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તે બાબતે પણ અધિકારીઓને સૂચન કર્યું હતું. સિટી પ્રોજેક્ટ અંતર્ગત આજે મળેલી મિટિંગમાં અમદાવાદ શહેરના ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.