અમદાવાદમાં વિદ્યાર્થિનીનું રેગિંગ:2 વિદ્યાર્થી નેતા સહિત 4 સામે રેગિંગની GLS કોલેજની વિદ્યાર્થિનીની અરજી, ABVPએ કહ્યું- વ્યક્તિગત મામલો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિનીએ કહ્યું- મારા ફ્રેન્ડ મારાથી ફ્રેન્ડશીપ નથી રાખતા તેમને ડર કે તેઓ હેરાન કરશે
  • ચારેય ક્યારેક કોઈનો ફોન લઈ લે છે અને પૈસા માગે તો ક્યારેક હેન્ડ્સ ફ્રી લઈ લે છે: વિદ્યાર્થિની
  • ABVPના પ્રદેશ સહમંત્રીએ કહ્યું- અરજી મામલે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેવી અમારી માગ

અમદાવાદની GLS કોલેજમાં આજે ફરી અગાઉના વિવાદિત ABVPના નેતાઓ દ્વારા જ એક વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરીને રેગિંગ કરવામાં આવી રહ્યું છે. જે મામલે વિદ્યાર્થિનીએ GLS યુનિવર્સિટીમાં અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ અરજી કરી છે. ત્યારે ABVP દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલો વ્યક્તિગત છે. ઉલ્લેખનીય છે કે, GLS કોલેજમાં 2021ના અંતે 23મી ડિસેમ્બરે ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું.

ડરના કારણે કોઈ ફરિયાદ કે રજૂઆત નથી કરતા: વિદ્યાર્થિની
અરજી કરનાર વિદ્યાર્થિનીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હવે મારા ફ્રેન્ડ મારી સાથે ફ્રેન્ડશીપ નથી રાખી રહ્યા. કારણ કે, તેમને ડર છે કે તેમને હેરાન કરીને મારવામાં આવશે.વંશિકા અને તેના ત્રણ સાથીઓ ક્યારેક ફોન લઈ લે અને પૈસા માંગે તો ક્યારેક હેન્ડ ફ્રી લઈ લે. આમ વારંવાર કોલેજમાં બધાને પરેશાન કરે છે. બધા આ લોકોના ડરના કારણે ફરિયાદ કે રજૂઆત કરતા નથી. મારે અત્યારે પરીક્ષા ચાલે છે અને આ લોકોના કારણે હું સ્ટ્રેસમાં આવી ગઈ છું, જેથી આજે હું ફરિયાદ કરી રહી છું.

કાર્યકરની ભૂલ હશે તો ABVP સંગઠનાત્મક પગલાં ભરશે
ABVPના પ્રદેશ સહમંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, આ વ્યક્તિગત મામલો છે. આ મામલે જે અરજી થઈ છે, તેમાં પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેવી અમારી માંગણી છે. જે પણ તથ્ય હોય તે તપાસમાં સામે આવશે. પોલીસ પગલાં ભરે તેવી અમને આશા છે અને વિદ્યાર્થી પરિષદના નેતાઓ કે કાર્યકરની ભૂલ હશે, તો ABVP પણ આ મામલે સંગઠનાત્મક પગલાં ભરશે.

વિદ્યાર્થિનીનું કહેવું છે કે, GLS યુનિવર્સિટીમાં તે સુરક્ષિત નથી
GLS કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને GLS કોલેજના જ ABVPના નેતા ચાહત ઠાકોર, પાર્થ ચૌહાણ તથા અન્ય મુસકાન અને વંશિકા પંચાલ નામની યુવતી દ્વારા કોલેજ કેમ્પસમાં હેરાન કરવામાં આવે છે. વિદ્યાર્થિનીએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, હું GLS યુનિવર્સિટીમાં સુરક્ષિત મહેસુસ કરતી નથી. કારણ કે વંશિકા નામની યુવતી બીજી કોલેજમાં ભણે છે, પરંતુ તેના મિત્રો GLSમાં ABVPમાં હોવાથી તે અહીંયા આવે છે. છોકરાઓ પણ ના બોલે તેવી બિભત્સ ભાષામાં તે મારી સાથે વાત કરી રહી છે.કરણ વિના મને હેરાન કરે છે અને કહે છે કે અમે તને હજુ વધારે હેરાન કરીશું તારે જે કરવું હોય તે કર.વંશિકા પાર્કિંગમાં ઉભી હતી જેથી મેં મારું એક્ટિવા લેવા મારા ફ્રેન્ડને મોકલ્યો હતો ત્યારે ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણે મારા મિત્ર ક્રિષ્નાને ખૂબ માર્યો હતો.વંશીકાને અમારી કોલેજની મુસકાન પણ મદદ કરી રહી છે.મને મારી એક ફ્રેન્ડે પણ કહ્યું કે હું આ લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરીશ તો તે લોકો મને વધારે હેરાન કરશે.

ચાહતની રાજકીય વગ બે ઘટના છતાં ફરિયાદ લેવાઈ નહીં
યુવતીએ અરજીમાં 2 યુવકના નામ આપ્યા તે પૈકીનો ચાહત ઠાકોર અગાઉ GLS કોલેજમાં રેગિંગની ઘટનામાં સામેલ હતો. ઉપરાંત તલવાર વડે કોલેજની બહાર કેક કાપવા મામલે પણ તેની સામે ફરિયાદ થઈ હતી. અને તે સમયે પણ રેગિંગનો ભોગ બનેલ બંને વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. પરંતુ તેમની ફરિયાદ લેવાઈ ન હતી. ચાહત ઠાકોર રાજકીય વગ ધરાવતો હોવાથી તથા ABVPમાં નેતા હોવાથી પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. આજે બીજી પણ રેગિંગની ઘટના બની છે, જેમાં વિદ્યાર્થિનીએ અરજી કરી છે. પરંતુ આ અરજી મામલે યોગ્ય તપાસ થાય તેવી શક્યતા નહીંવત છે.

વિદ્યાર્થીને જય શ્રી રામના નારા લગાવવા દબાણ કરાયું
2021ના અંતમાં ABVP દ્વારા GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાન ચાલતું હતું, જેમાં કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે ABVP જબરજસ્તી કરીને નારા લગાવડાવી રહ્યાં હતા. વિદ્યાર્થીઓ પાસે ABVP દ્વારા NSUIના પોસ્ટર ફાળવામાં આવ્યા હતા, જેથી મામલો વધુ બીચક્યો હતો અને NSUIના નેતાઓ GLS કોલેજ પહોંચ્યા હતા. ત્યાં રજીસ્ટારને ઉગ્ર રજૂઆત કરીને સમગ્ર મામલે પગલાં લેવાની માંગણી કરી હતી. તો બીજી તરફ NSUI પહોંચતા જ ABVP ના નેતાઓ કોલેજથી નાસી ગયા હતા. બીકોમ અને બીબીએ સહિતની વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને બળજબરીથી કેસરિયો ખેસ પહેરાવીને, જય શ્રીરામનો નારો બોલાવવા માટેની ફરજ પડાઈ હોવાનો આરોપ લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...