અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને પોતાની સગી ફોઈના દીકરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતી તેના પ્રેમી સાથે હિંમતનગરમાં ભાડે રહેતી હતી અને બંને લગ્ન કરવા માંગતા હતા. જો કે યુવતીની માતા પણ અગાઉ પ્રેમી સાથે ભાગી જતા તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ બીજી મમ્મી અવાર નવાર યુવતીને હેરાન કરી બંનેને લગ્ન નહીં કરવા દે તેમ કહીને ત્રાસ આપતી હતી. જેથી યુવતીને ઘરમાં રહેવું ન હોવાથી મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ માંગી હતી. 181ની ટીમે યુવતીનું કાઉન્સેલીંગ કરીને તેને નારી ગૃહમાં રહેવા માટે મોકલી આપી મામલો થાળે પાડ્યો હતો.
યુવતીએ નવી માતાથી કંટાળી અભયમની મદદ માગી
પાલડી વિસ્તારમાંથી 19 વર્ષીય યુવતીએ અભય મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગી હતી. જેથી અભય મહિલાની ટીમ ઘટના સ્થળે પહોંચી પુછપરછ કરી ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે, યુવતી ધોરણ-4માં અભ્યાસ કરતી હતી ત્યારે તેની માતા બીજા યુવક સાથે ભાગી ગઈ હતી. જેથી યુવતીના પિતાએ નવા લગ્ન કર્યા હતા. બાદમાં નવી મમ્મી અવાર નવાર યુવતીને હેરાન કરતી હતી.
મદદ દરમિયાન ફોઈના દીકરા સાથે પ્રેમમાં પડી
યુવતીને તેના ફોઈના દીકરા અવારનવાર દરેક રીતે મદદ કરતા હતા અને નોકરી પણ અપાવી હતી. તેની સાથે મનમેળ થઈ જતા રોજબરોજ વાતો કરવા લાગી અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જોકે યુવકની ઉંમર પણ 19 વર્ષની હોવાથી લગ્ન કરી શક્યા ન હતા જેથી લીવ ઈનમાં રહેવા લાગ્યા હતા. જો કે નવી મમ્મી અવાર નવાર હેરાન કરતી અને તારા લગ્ન નહીં કરવા દઉં તેમ કહીને ત્રાસ આપવા લાગી હતા.
યુવતીને અભયમની ટીમે નારી ગૃહમાં મોકલી આપી
જેથી યુવતી તેના ઘરે રહેવા માંગતી ન હતી અને પોતે નારી ગૃહમાં રહેવા માટે અને નોકરી કરવા માટે અભયની ટીમને જણાવ્યું હતું તથા વધુમાં જણાવ્યું હતું કે, પોતે અને તેનો પ્રેમી 21 વર્ષનો થઈ જાય તે પછી બંને એક બીજા સાથે લગ્ન કરી લેશે, જેથી તે નારી ગૃહમાં રહેવા માંગે છે. જો તે ઘરે રહેશે તો તેની નવી મમ્મી અવાર નવાર ત્રાસ આપીને લગ્ન નહીં કરાવે. આ સાંભળીને અભયની ટીમે યુવતીને સમજાવી હતી. જો કે યુવતીને નારી ગૃહમાં રહેવું હોય અને નોકરી કરવી હોવાથી અભયની ટીમે યુવતીને નારી ગૃહમાં મોકલી આપીને યુવતીની સમસ્યા દૂર કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.