અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી ગરમીમાં થોડી રાહત મળી હતી, ત્યારે હવે ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 19 અને 20 સુધી શહેરમાં હિટવેવની આગાહી જાહેર કરી છે. ગરમીનો પારો શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. જેના કારણે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે.
પવનની પેટર્ન બદલાતાં ફરી ગરમી
ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.
ગુજરાતમાં મંગળવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર | ગરમી |
રાજકોટ | 42 |
અમદાવાદ | 41.6 |
ગાંધીનગર | 40.3 |
વડોદરા | 40.1 |
ડીસા | 39.6 |
પાટણ | 39.6 |
ભૂજ | 39.5 |
ભાવનગર | 36.4 |
સુરત | 34.2 |
ગરમી સામે શું કાળજી રાખવી
* વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું
* લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં
* ઠંડકવાળાં સ્થળો પર સમયાંતરે આરામ કરવો
* નાનાં બાળકો-વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું
* અતિશય ગરમીના લીધે લૂ (હીટ સ્ટ્રોક) લાગવાનાં લક્ષણો
ગરમીની અસર
* ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
* માથામાં દુખાવો, ચક્કર આવવા
* ચામડી લાલ - સૂકી અને ગરમ થઇ જવી
* સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી
* ઉબકા અને ઊલટી થવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.