શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. હાલમાં ઉનાળાની સીઝનમાં બફારાથી ત્રસ્ત ઘણા પરિવારો રાત્રે ધાબા પર સૂવા માટે જતા હોય છે ત્યારે ફોન તથા ઘરની ચાવી સહિતની વસ્તુઓ ઓશિકા નીચે જ મૂકી દેતા હોય છે. ત્યારે આવા લોકો માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના ઈસનપુરમાં ઘરની બાલ્કનીમાં સૂતેલા એક પરિવારના પાંચ સ્માર્ટફોન, તથા ઓશિકા નીચેથી ચાવી લઈને ચોર ઘરની તિજોરીમાંથી સોનાની ચેઈન તથા રોકડ રકમ મળીને કુલ 1.74 લાખ રૂપિયાની મતા ચોરી ગયો.
ઘરમાં ગરમી લાગતા બાલ્કનીમાં સૂતો હતો પરિવાર
શહેરના ઈસનપુર વિસ્તારમાં ઘોડાસર તળાવ પાસે વિનોદભાઈ જૈન તેમના માતા-પિતા, દાદી બે બહેન તથા બનેવી સાથે રહે છે અને સી.જી રોડ પરની એક ઓફિસમાં નોકરી કરે છે. ગત 27મી મેના રોજ ઘરમાં ગરમી લાગતી હોવાથી પરિવાર રાત્રે સાડા અગિયાર વાગ્યે ઘરને તાળુ મારીને બાલ્કનીમાં સૂતો હતો. રાત્રે 3 વાગ્યે વિનોદભાઈના માતાને તરસ લાગતા તેઓ પાણી પીવા જાગ્યા હતા. ઘરનું તાળું ખોલવા ચાવી માટે તેમણે ઓશિકા નીચેથી હાથ નાખતા તે મળી નહીં. ઉઠીને જોયું તો મકાનનો દરવાજો પણ ખુલ્લો હતો.
ઘરમાં ચોરી થયાની શંકા થતા તેમણે પરિવારના અન્ય સભ્યોને જગાડ્યા અને અંદર જઈને જોતા તિજોરી ખુલ્લી હતી. જેમાં ઘરમાં મૂકેલા 43 હજાર રોકડ તથા બીજા રૂમની તિજોરીમાંથી સોનાની ચેઈન અને બે વીંટી મળીને 70 હજારની મતાની ચોરી થઈ હતી.
પરિવારના પાંચ સ્માર્ટફોન પણ ચોરી થયા
આ બાદ વિનોદભાઈના બે બહેન તથા બનેવી અને માતા-પિતાએ તેમના ઓશિકા નીચે મૂકેલા ફોન લેવા જતા તે પણ ત્યાં નહોતા. ઘરમાંથી હાથફેરો કરનારી વ્યક્તિએ બાલ્કનીમાં સૂતેલા પરિવારના ઓશિકા નીચેથી એક-બે નહીં પાંચ-પાંચ ફોન પણ ચોરી કરી લીધા હતા. ચોરીની આ ઘટના બાદ પરિવારે અજાણ્યા ચોર સામે ઈનસપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.