75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:અમદાવાદના સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને જીલ્લા કલેક્ટરે શાલ ઓઢાડી સન્માન કર્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મણભાઈ ચૌહાણની તસવીર - Divya Bhaskar
સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મણભાઈ ચૌહાણની તસવીર
  • નાદુરસ્ત તબિયતના કારણે ધ્વજ વંદન સ્થળે ઉપસ્થિત ન રહી શકે તેવા વીર સપૂતોનું સન્માન
  • જીલ્લા કલેક્ટરે સુતરની આંટી અને ચિહ્નરૂપે ચરખાની પ્રતિકૃતિ આપી

દેશભરમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી થઈ રહી છે. ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનાર વીર સપૂતોનું સન્માન કરવું તે આપણી ભારતીય પરંપરા છે. આપણો દેશ 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે એ સ્વતંત્રતા મેળવવા માટે અનેક ક્રાંતિકારીઓ, નામી-અનામી શહીદોએ બ્રિટિશરો સામે અવિરત સંઘર્ષ કરીને, જેલવાસ ભોગવીને આપણને આ મહામૂલી આઝાદી અપાવી છે.

સ્વાતંત્ર્ય સેનાની નાદુરસ્ત તબિયતના કારણે ધ્વજ વંદન સ્થળે ઉપસ્થિત નહીં રહે
નરોડા સંજયનગરના રહેવાસી 98 વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ અને ઉસ્માનપુરાના ઈશ્વરલાલ દવે સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માનીય વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. તેમની પ્રતિકૂળ તબિયતના કારણે તેઓ આવતીકાલે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સ્થળે ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાથી જિલ્લા કલેકટર સંદિપ સાગલેએ તેમના ઘેર જઈને તેમનું સૂતરની આંટી પહેરાવીને, શાલ ઓઢાડીને અને પ્રતિકાત્મક ચિહ્નરૂપે ચરખાની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું.

સ્વાતંત્ર્ય સેનાની ઈશ્વરલાલ દવેની તસવીર
સ્વાતંત્ર્ય સેનાની ઈશ્વરલાલ દવેની તસવીર

જિલ્લા કલેક્ટરે સ્વાતંત્ર્ય સેનાનીની તકલીફ એક ફોનથી દૂર કરી
અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલે જ્યારે લક્ષ્મણભાઈના ઘરની મુલાકાત લઈને તેમનું સન્માન કર્યુ ત્યારે પરિવારજનોએ વાચીતમાં જણાવ્યું કે, નાદુરસ્ત તબિયતાના કારણે હવે તેમને સાંભળવાની ખુબ મોટી તકલીફ થઈ છે અને જો તેમને સાંભળવાનું મશીન એટલે કે હિયરિંગ એઈડ કાનમાં બેસાડવામાં આવે તો તેમની તકલીફ દૂર થઈ શકે તેમ છે. આ વાત સાંભળીને કલેકટર સંદિપ સાગલેએ તરત જ અસારવા સિવિલ હોસ્પિટલમા ફોન જોડ્યો અને સંલગ્ન ડોકટર સાથે વાત કરી અને તુંરત જ અહીં આવીને કાર્યવાહી કરવા જણાવ્યું. જિલ્લા કલેકટરના ફોન બાદ ગણતરીના કલાકોમાં જ સિવિલના તબીબો દ્વારા લક્ષ્મણભાઈ ચૌહાણના ઘેર જઈને ડિજિટલ હિયરિંગ એઇડ મશીન તેમના કાનમાં ફીટ કરવામાં આવ્યું.

ઉજવણીમાં ભાગ ન લઈ શકનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઘરે જઈ સન્માન
અમદાવાદ શહેરમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરતા જીલ્લા કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું કે "દરેક રાષ્ટ્રીય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને હાજર રાખીને સ્ટેજ પર તેમનું સન્માન કરવાની આપણી ગૌરવવંતી પરંપરા છે. પરંતુ ઘણીવાર શારીરિક અશક્તતા અને મોટી ઉંમરના કારણે તેઓ કાર્યક્રમ સ્થળ સુધી આવી શકતા નથી, તેથી આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના પાવન પર્વે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નવતર વિચારના ભાગરૂપે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘેર જઈને તેઓને સન્માનિત કરવાનો અવસર સાંપડ્યો."

જિલ્લા કલેક્ટરે ઘરે જઈ સન્માન કર્યું
જિલ્લા કલેક્ટરે ઘરે જઈ સન્માન કર્યું

'સ્વાતંત્ર્ય સેનાઓના કારણે જ આપણે આઝાદ થયા'
ભારતની આઝાદીની લડતમાં પોતાની વીરતા બતાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને કારણે જ આપણે આજે આ આઝાદીનો દિવસ ઉજવી રહ્યા છીએ તેમ જણાવતા જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતાની લડતમાં જેલવાસ ભોગવનાર અને પરિવારથી દૂર રહેનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માન કરતા હું આભાર અને ધન્યતાની લાગણી અનુભવું છુ. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર પરિમલભાઇ પંડયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો હાજર રહ્યા હતા.