અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે સંપૂર્ણપણે દિવ્યાંગતા ધરાવતા અરજદારો માટે મહત્વપૂર્ણ અભિગમ અપનાવતા હકારાત્મક પહેલ કરી છે. જિલ્લા કલેકટર દ્વારા જે વ્યક્તિ સંપૂર્ણ રીતે દિવ્યાંગ ધરાવતા હોય અથવા હલન ચલન પણ કરી શકતા ન હોય તેમના ઘરે જઈને આધારકાર્ડ ઈશ્યુ કરવાની કામગીરીની શરૂઆત કરાઈ છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે અત્યાર સુધી કુલ 46 જેટલા દિવ્યાંગજનોની વિગતો એકત્ર કરી છે. જેમાં 75 થી 90% દિવ્યાંગતા ધરાવતા હોય તેમનો સમાવેશ થાય છે.
દિવ્યાંગો માટે જિલ્લા કલેક્ટરનો હકારાત્મક અભિગમ
સામાન્ય વ્યક્તિને આધાર કાર્ડ મેળવવા માટે સરકારી કચેરી અથવા પોસ્ટ ઓફિસમાં જઇને પ્રક્રિયા કરવી પડે છે. પરંતુ દિવ્યાંગોના કિસ્સામાં તેમના માટે આધારકાર્ડ મેળવવું તે મોટો પડકાર હોય છે. તેવામાં અમદાવાદ જિલ્લા કલેક્ટરે આ દિવ્યાંગજનો માટે હકારાત્મક અભિગમ દર્શાવતા તેમના ઘરે જઈને આધારકાર્ડ ઈશ્યુ કરવાની પહેલ હાથ ધરી છે.
સર્વે કરી દિવ્યાંગજનોની યાદી તૈયાર કરાઈ
જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ, દેત્રોજ, ધોળકા અને દસ્ક્રોઈ તાલુકામાં ખાસ સર્વે કરીને મહત્તમ દિવ્યાંગતા ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. કુલ 46 લોકોની યાદીમાંથી 14 લોકોના આધારકાર્ડ ઈશ્યૂ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવનાર દિવસોમાં તેમને આધાર કાર્ડ પણ મળી જશે. જે દિવ્યાંગજનો કે જેઓ સંપૂર્ણપણે દિવ્યંગતા ધરાવે છે અને આધારકાર્ડ મેળવવા માટે બહાર નથી જઈ શકતા, તેઓ જિલ્લા કલેકટર કચેરીનો સંપર્ક સાધી આ સેવાનો લાભ લઇ શકે છે.
અગાઉ ખાનગી બેંકે દિવ્યાંગ બાળકીને આધાર કાર્ડ નહોતું આપ્યું
આ અંગે વાત કરતા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની એક દિવ્યાંગ બાળકીને એક ખાનગી બેંક દ્વારા આધાર કાર્ડ આપવાનો ઈનકાર કરાયો હતો. જે બાબત ધ્યાને આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ બાળકીના ઘરે ટીમ મોકલી આધારકાર્ડ ઈશ્યુ કરવાની કામગીરી કરાઈ હતી. આ અભિગમને આગળ વધારતા જિલ્લાના સંપુર્ણ દિવ્યાંગ લોકોને ઘરે જઈને આધારકાર્ડ કાઢી આપવાની કવાયત હાથ ધરવામાં આવી. જે દિવ્યાંગજનો ઘરની બહાર પણ નથી નીકળી શકતા કે સમાન્ય હલનચલન પણ નથી કરી શકતા તેવા લોકોને કોઈ પણ સરકારી કાર્ડ કે અન્ય પ્રક્રિયા માટે બહાર ન જવું પડે તે માટે આ અભિગમ અપનાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.