હાલાકી:અમદાવાદ-દિલ્હી ટ્રેક ડબલિંગની કામગીરી લાંબા સમયથી અટવાઈ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 65 કિલોમીટર રૂટના પ્લાનની મંજૂરીમાં વિલંબને કારણે કામગીરી મોડી પડી

અમદાવાદ-દિલ્હીના 960 કિ.મી. લાંબા રૂટ પર 45થી વધુ ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. તેમાંય દર વર્ષે ટ્રેનોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદ-દિલ્હી વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનો મોડી પડતી હતી. તેના કારણે રેલવેએ અમદાવાદ-દિલ્હી રૂટ પર ટ્રેક ડબલિંગ અને ઈલેક્ટ્રિફિકેશન કામગીરી શરૂ કરી હતી, પરંતુ આ રૂટ પર મહેસાણાથી પાલનપુર સુધીના રૂટ પર ટ્રેક ડબલિંગના પ્લાનને સમયસર મંજૂરી ન મળતા 65 કિ.મી.નો ટ્રેક હજુ સુધી નાખી ન શકાયો હોવાથી જૂન 2020માં પૂર્ણ થનાર આ પ્રોજેક્ટ આગામી વર્ષે પૂર્ણ થાય તેવી શક્યતા છે.

અમદાવાદ-દિલ્હી રૂટ પરની સમસ્યા દૂર થાય તે માટે રેલવેએ અમદાવાદ-દિલ્હીના રૂટ પર ટ્રેક ડબલિંગની કામગીરી શરૂ કરી હતી. તેમાં દિલ્હીથી જયપુર થઈ પાલનપુર સુધી ટ્રેક ડબલિંગની કામગીરી પૂરી થઇ છે. એ જ રીતે અમદાવાદથી મહેસાણા સુધી ટ્રેક ડબલિંગની કામગીરી પૂર્ણ થતા આ રૂટને ટ્રેનો માટે ખોલી દેવાયો છે, પરંતુ મહેસાણાથી પાલનપુર વચ્ચે ટ્રેક ડબલ ન હોવાથી રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોને પણ ઘડીવાર અટકાવી દેવાતા મોડી પડે છે. જો કે હાલમાં અમદાવાદથી મહેસાણા સુધી અને પાલનપુરથી દિલ્હી સુધી બંને ટ્રેકનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. ત્યારે ટૂંક સમયમાં મહેસાણા-પાલનપુર વચ્ચેની કામગીરી શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.

માર્ચ 2022 સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે
મહેસાણા-પાલનપુર વચ્ચેના 65 કિ.મી. લાંબા રૂટ પર ટ્રેકના પ્લાનને ઉચ્ચકક્ષાએ મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે અને માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. તેની સાથે જ ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરાતા આ રૂટ પર અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનોની ઝડપ વધવાની સાથે લોકોનો 2-3 કલાકનો સમય બચશે.> તરુણ જૈન, ડીઆરએમ અમદાવાદ ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...