રોકડ ઈનામ:સાઈબર ફ્રોડની માહિતી આપનારને રોકડમાં ઈનામ આપવાની યોજના અમદાવાદ સાઈબર ક્રાઈમે બનાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગુનાના પ્રકાર અને ગંભીરતા મુજબ બાતમી આપનારાને રોકડ ઈનામ નક્કી થશે

સાઈબર ક્રાઈમના વિવિધ પ્રકારના ગુનાના વધતા જતા પ્રમાણને ધ્યાને લઈને પોલીસે હવે નાગરિકોને પણ આ કામમાં સામેલ કરી સાયબર ક્રાઈમને લગતી માહિતી પૂરી પાડવામાં આવે તો ગુનાના પ્રકાર અનુસાર લોકોને રોકડ પુરસ્કાર આપવાની યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

સાઈબર ક્રાઈમ આજના સમયમાં સૌથી વધુ ઝડપથી વધી રહેલી ગુનાખોરીમાં સામેલ છે. મોટાભાગના નાગરિકો ખરીદી કે નાણાકીય વ્યવહાર ઓનલાઈન કરતા હોઈ સાઈબર માફીયા તેનો લાભ લઈને લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરે છે. બીજી બાજુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટનો ફેલાવો, કોલ સેન્ટર હેકિંગ કરી ખંડણીના ગંભીર ગુના દિનપ્રતિદિન વધી રહ્યા છે. પહેલાંના સમયમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સ્થાનિક લેવલે બાતમીદારોનું નેટવર્ક ઉભું કરતી, જેની બાતમીના આધારે કામગીરી સરળ બની રહેતી અને ગુનેગારો સુધી પોલીસ ઝડપથી પહોંચી શકતી હતી. સાઈબર માફીયાને પકડવા એટલા સરળ નથી કેમકે આ વર્ચ્યુઅલ નેટવર્કમાં કોણ ક્યાંથી શું કરે છે? તેની બાતમી મળવી મુશ્કેલ છે.

આ દિશામાં કોઈ એવી કામગીરી કરતું હોય તો તેની બાતમી મળે તો પોલીસ કામગીરી કરી શકે તેવા આશયથી અમદાવાદ પોલીસે સાઈબર ક્રાઈમની બાતમી નાગરિકો આપે તો રોકડ પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.

2020માં અમદાવાદમાં 421 ગુના નોંધાયા હતા
એનસીઆરબી ના અહેવાલ અનુસાર અમદાવાદમાં 2020માં સાયબર ક્રાઈમના કુલ 421 ગુના દાખલ થયા હતા જેમાં ઓનલાઈન છેતરપિંડીના 309, અંગત અદાવતમાં હેરાનીના 2, ગુસ્સામાં આવીને સાઈબર ક્રાઈમ કરવાના 9 અને સોશિયલ મીડિયામાં ફોટા વાયરલની ધમકી-ખંડણીના 9 તેમજ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી કરેલા 52 અને ખોટા નામે ફોન કરી ઓનલાઈન પૈસા પડાવવાના 13 ગુના નોંધાયા હતા. આ સિવાય અન્ય ગુના મળી કુલ 421 ગુના નોંધાયા હતા.

માહિતી આપનારાનું નામ પણ ગુપ્ત રખાશે
સાઈબર ક્રાઈમના ડીસીપી અજીત રાજીયાણ અનુસાર, જો કોઈ નાગરિકની બાતમીથી ગુનો ડિટેક્ટ થશે તો ગુનાના પ્રકાર અને ગંભીરતા મુજબ પોલીસ રોકડ પુરસ્કાર આપશે. આ બાતમી આપનારનું નામ ગુપ્ત રખાશે, સાઈબર ક્રાઈમના આવા કિસ્સાની જાણ સાઈબર ક્રાઈમ પોલીસને 079-22861917 નંબર પર કરવા અપીલ છે.

અન્ય સમાચારો પણ છે...