રાજ્યમા ગ્રાન્ટેડ કોલેજ હવે ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે એટલે કે ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરવામાં આવશે.આ નિર્ણય સામે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સી.યુ.શાહ કોલેજમાં અધ્યાપકો દ્વારા કાળી પટ્ટી લગાવી ખાનગીકરણ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો.
કોલેજનું સંચાલન ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે
આ અંગે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પંકજ શ્રીમાળીએ જણાવ્યું હતું કે અનેક ગ્રાન્ટેડ કોલેજ ખાનગી યુનિવર્સિટીના સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણય ખોટો છે.નિર્ણયથી પ્રોફેસર,વિદ્યાર્થીઓનો અને વાલીઓને નુકસાન થશે.ખાનગીકરણના કારણે કોલેજનો સરકારી રીતે ઉપયોગ નહીં થઈ શકે. કોલેજનું સંચાલન ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે જેથી વિદ્યાર્થીઓને જે કોર્ષ 1800થી 2000 રૂપિયા સુધીમાં ભણાવવામાં આવે છે તે કોર્ષ માટે પણ હવે 50-55 હાજર ફી ખર્ચવી પડશે.
સરકારનો બોજ ઘટશે પરંતુ વિદ્યાર્થીઓને બોજ વધશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણના કારણે અધ્યાપકોને મળતા પેન્શન અને અન્ય લાભ બંધ થશે. ગ્રાન્ટેડ કોલેજમાં જે જાતી આધારિત પ્રવેશ આપવામાં આવે છે તે પણ નહિ અપાય. વિદ્યાર્થિનીઓની ફી લેવામાં આવતી નથી તે ફી પણ લેવામાં આવશે.આમ ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીઓને સોંપવામાં આવશે તો સરકારનો બોજ ઘટશે પરંતુ વિદ્યાર્થીઓને બોજ વધશે.
પ્રાઈવેટ યુનિ.એક્ટ 2009માં તાજેતરમાં સુધારો કરાયો
રાજ્ય સરકારે પ્રાઈવેટ યુનિ.એક્ટ 2009માં તાજેતરમાં સુધારો કરીને ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઈવેટ યુનિ.માં ન જોડાવાની જોગવાઈ રદ કરી દીધી છે ત્યારે તેનો લાભ લઈને પ્રાઈવેટ યુનિ.ઓના ટ્રસ્ટ પોતાની ગ્રાન્ટેડ કોલેજોને સરકારી યુનિ.ઓમાંથી છુટી કરીને પ્રાઈવેટ યુનિ.ઓમાં જોડી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાત યુનિ.થી માંડી જીટીયુ અને ગુજરાત યુનિ.અને એસપી યુનિ.સહિતની સરકારી યુનિ.ઓમાંથી 10થી વધુ ગ્રાન્ટેડ કોલેજો છુટી પડી રહી છે અને ખાનગી યુનિ.ઓમાં જોડાઈ રહી છે.
ઘણી ગ્રાન્ટેડ કોલેજોને છુટી કરવા માટે અરજીઓ થઈ છે
રાજ્યની સૌથી બે મોટી સરકારી યુનિ.ઓ એવી ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુમાં ખાનગી યુનિ.ઓએ પોતાના ટ્રસ્ટની ગ્રાન્ટેડ કોલેજોને છુટી કરવા માટે પ્રક્રિયા શરૃ કરી દેતા અરજીઓ પણ કરી દીધી છે.જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઘણી ગ્રાન્ટેડ કોલેજોને છુટી કરવા માટે અરજીઓ થઈ છે.આગામી એક-બે વર્ષમાં લગભગ તમામ ગ્રાન્ટેડ કોલેજો સરકારી યુનિ.ઓમાથી છુટી પડશે અને જે તે પ્રાઈવેટ યુનિ.ઓમાં જોડાઈ જશે.
અધ્યાપક મંડળની રાજ્ય સરકારને અનેક રજૂઆતો
આ મુદ્દે અધ્યાપક મંડળે રાજ્યપાલથી માંડી રાજ્ય સરકારને રજૂઆતો પણ કરી છે.સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને નુકશાન ન થાય રીતે ગ્રાન્ટ આપવા સહિતના લાભો ચાલુ રખાશે તેવી બાયંધરી અપાય છે પરંતુ સરકાર દ્વારા લેખિત કોઈ પણ સ્પષ્ટતા કરાઈ નથી. ગ્રાન્ટેડ કોલેજો પ્રાઈવેટ યુનિ.ઓમાં જોડાતા ફી પણ વધી શકે છે અને વિદ્યાર્થીઓને નુકશાન પણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.