અમદાવાદ શહેરમાં એક પરિણીતાએ પતિ સહિતના 5 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પત્નીએ કહ્યું કે, બીમારુ છું તો નાસ્તો મમ્મી પાસે બનાવડાવી દો, આટલું કહેતા જ પતિએ માર માર્યો હતો. તો સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા વૃદ્ધ પુત્રવધૂને અન્ય યુવક સાથે જોતાં પૂછ્યું કે, તમારા વચ્ચે શું સબંધ છે, તો પુત્રવધૂ અને અન્ય યુવકે સાથે મળીને વૃદ્ધનો કોલર પકડીને લાફા મારી દીધા હતા. વૃદ્ધે આ મામલે પુત્રવધૂ વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
33 વર્ષીય પરિણીતાએ વેજલપુરમાં ફરિયાદ નોંધાવી
વેજલપુર પોલીસ સ્ટેશનમાં 33 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ યુવતીના લગ્ન બાદ પતિ તથા સાસુ વાંક કાઢીને ગાળો આપીને માર મારતા હતા. નાની-નાની બાબતે મહેણાંટોણાં મારતા હતા. ઘર ખર્ચ અને દવા માટે યુવતી પતિ પાસે પૈસા માંગતી હતી, તો પણ પતિ ગંદી ગાળો બોલીને મારઝૂડ કરતો હતો. પતિને સાસુ-સસરા તથા નણંદ-નંણદોઈ ચઢાવતા હતા. જેથી પતિ ઉશ્કેરાઈને અનેક વખત પત્નીને ગાળો આપીને માર મારતો હતો.
12 એપ્રિલે સવારે યુવતીના પતિએ તેને નાસ્તો બનાવવા માટે ઉઠાડી હતી, ત્યારે યુવતીએ કહ્યું, મારી તબિયત સારી નથી. આજે જેથી મમ્મી પાસે નાસ્તો બનાવી દેવડાવો. આટલું કહેતા પતિએ પત્નીને ફરીથી ગડદા-પાટુનો માર માર્યો હતો. આ દરમિયાન જ સાસુ આવી જતા સાસુએ પણ પતિને ઉશ્કેરાયો હતો, જેથી પતિએ ફરીથી લાફા મારી દીધા હતા. યુવતીના માતા-પિતા આવીને તેમના ઘરે લઇ ગયા હતા. પતિના મારને કારણે દુઃખાવો થતો હોવાથી યુવતીએ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધાવ્યો છે.
અન્ય યુવક સાથે જોઈને પૂછતાં પુત્રવધૂએ સસરાને લાફા મારી દીધા
ખાનગી કંપનીમાં.સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા 53 વર્ષના વૃદ્ધના દીકરાની વહુ ખાનગી હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન નોકરી કરે છે. બાળકોને સારી રીતે રાખતી ના હોવાથી સસરાને પુત્રવધૂ પર વહેમ હતો. 12 એપ્રિલે સસરા નોકરીથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ સિદ્ધિ વિનાયક હોસ્પિટલ પાસે ઉભા હતા. ત્યાં તેમની પુત્રવધૂ એક યુવકની બાઇક પર બેસીને આવી હતી. ત્યારે સસરા પુત્રવધૂ પાસે ગયા અને કહ્યું કે, તમારા વચ્ચે શું સબંધ છે. જેથી પુત્રવધૂ અને યુવકે ઉશ્કેરાઈને ગાળો આપી તથા સસરાનો કોલર પકડીને બંનેએ ત્રણ ચાર લાફા મારી દીધા હતા. જેથી વૃદ્ધે ગભરાઈને બુમો પાડી ત્યારે તેમનો દીકરો અને પત્ની આવી ગયા હતા. આ સમગ્ર બાબતે વૃદ્ધે પુત્રવધૂ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
મારા પર ગટરનું પાણી કેમ ઉડાવ્યું કહીને કારચાલકને માર મારીને ખભે બચકું ભરી દીધુ
ભાર્ગવ પટેલ નામના વ્યક્તિ પોતાની કાર લઈને ઇસ્કોન આવ્યા હતા જ્યાં કાર પાર્ક કરી હતી તે બાદ તેઓ ઉભા હતા. ત્યારે અજાણ્યો યુવક ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, હું ભુદેવ છું, તમે સિંધુ ભવનથી પસાર થતા હતા, ત્યારે તમે તમારી કારથી મારા પર ગટરનું પાણી કેમ ઉડાડ્યું. એટલું કહીને યુવકે ભાર્ગવભાઈને બિભત્સ ગાળો આપીને માર મારવા લાગ્યો અને બાદમાં તેમના ડાબા ખભા પર બચકું ભરી દીધું હતું, જેથી ભાર્ગવભાઈને લોહી નીકળવા લાગ્યું અને આસપાસ લોકો ભેગા થતા યુવક ભાગી ગયો હતો.
ભાર્ગવભાઈ કાર લઈને યુવકની પાછળ ગયા ત્યારે તે સિંધુ ભવન પાસે એક ગલ્લા પર ઉભો હતો. ભાર્ગવભાઈ અને અન્ય લોકોએ યુવકને પકડી લીધો અને તને પોલીસ પાસે લઈ જઈએ તેમ કહેતા યુવકે હાથમાં ઇટ લઈને ભાર્ગવભાઈની કારનો કાચ તોડી નાખ્યો હતો અને લોકોને ધમકી આપી કે જાનથી મારી નાખીશ. પાંચ લોકોએ સાથે મળીને યુવકને પકડી રાખ્યો અને પોલીસને બોલાવી હતી. સમગ્ર મામલે ભાર્ગવભાઈએ યુવક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.