તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોર ઝડપાયો:વડોદરામાં સોનીની કારની ડેકીમાંથી 2. 35 કરોડના દાગીના ચોરનાર ગેંગના મેમ્બરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

અમદાવાદ, વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ટોળકીના એક સભ્યને મુદ્દામાલ સાથે દબોચી લીધો - Divya Bhaskar
ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ટોળકીના એક સભ્યને મુદ્દામાલ સાથે દબોચી લીધો
  • અમિત નામના આરોપી પાસેથી 26 લાખથી વધુનું સોનુ પોલીસે કબ્જે કર્યું
  • આરોપી અગાઉ અમદાવાદ અને સુરત ચોરીના કેસમાં ઝડપાયેલો છે

વડોદરામાં છાણી જકાતનાકા આગળ આવેલા એક કોમ્પ્લેક્સમાં રાજકોટનો સોની પરિવાર તેમના અંગત કામ માટે ગયો હતો. ત્યારે તેમની પાસે સોનું હતું. જેને તેએ પોતાની ગાડીની ડેકીમાં પાછળના ભાગે મૂક્યું હતું અને ગાડી પાર્ક કરી કોમ્પ્લેક્સમાં ગયા હતા. દરમિયાન એક ગેંગે રેકી કરીને 2 કરોડ 35 લાખના સોનાના દાગીના ચોરીને ફિલ્મી સ્ટાઈલમાં નાસી ગયા હતા. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તસ્કર ટોળકીના એક સભ્યને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. હવે ગેંગના અન્ય છ સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

રેકી કરીને સોનું ભરેલું બેગ તફડાવી હતી
આ ગેંગે અગાઉ આ આરોપીએ રેકી કરીને ફિલ્મી ઢબે પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં તેઓ 2 ટુ વ્હીલર અને 1 ફોર વ્હીલર લઈને આ ગાડી આગળ પહોંચ્યા હતા. તેઓ ગાડી આજુબાજુ કોઈ ન હોવાથી તેનો લાભ લઈને ગાડીનો કાચ તોડી અને અંદરથી ડેકી ખોલી હતી. ત્યારબાદ કારની ડેકીમાં રાખેલું સોનું ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે આ બનાવના થોડા સમય બાદ વેપારીને જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટના સોનીનું સોનું ચોરનાર ગેંગનો એક આરોપી અમદાવાદનો રહેવાસી હતો.

પોલીસે 502 ગ્રામ સોનું જપ્ત કર્યુ
પોલીસે 502 ગ્રામ સોનું જપ્ત કર્યુ

26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પોલીસને બાતમી મળી હતી કે, આ આરોપી અમદાવાદમાં છે. જેથી પોલીસે તેની વોચ ગોઠવી અને શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી માંડવી પોળના નાકેથી તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે 502 ગ્રામ સોનું એટલે 26 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે આ અમિત નામના આરોપી એ આ ગુના ની કબૂલાત કરી છે તે આરોપી કુબેરનગર વિસ્તારમાં ના છારાનગર નો રહેવાસી છે અગાઉ પણ અમદાવાદ અનવ સુરત મા ચોરીના ગુનામાં ઝડપાયેલો છે.હાલ પોલીસ એ આરોપી ની ધરપકડ કરી અન્ય આરોપી ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પકડેલો શખસ સહિતના કાચ તોડી ચોરી કરવાના માહિર
શહેરના છાણી જકાતનાકા પાસે તા.18 જૂનના રોજ સવારે રાજકોટના જ્વેલર્સની કારનો કાચ તોડી ડેકી ખોલી રૂપિયા 2.35 કરોડના સોનાના દાગીના ભરેલો થેલો ચોરી જનાર ટોળકીના સુત્રધાર અમદાવાદના અમિત રાકેશ અભવેકર (છારા)ની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી વડોદરા ફતેગંજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાચે ઝડપી પાડેલો આરોપી અને તેના સાગરીતો કારના કાચ તોડી કારમાંથી ચોરી કરવામાં માહિર છે.

સવારે ચોરી થયા બાદ સાંજે પોલીસને જાણ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા
સવારે ચોરી થયા બાદ સાંજે પોલીસને જાણ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા

6 સાથી સાથે મળીને સોનાની ચોરી કરી
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમિત અભવેકર (છારા)ની કરવામાં આવેલી ઘનિષ્ઠ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તા.18-6-021ના રોજ તેનાજ વિસ્તાર છારા નગરમાં રહેતા તેના છ સાગરીતો મનોજ કનૈયાલાલ સિંધી, ઉત્તમ આત્મારામ છારા, વિશાલ વિક્રમ તમંચે, બોબી બળવંત રાઠોડ અને સન્ની સુરેન્દ્ર તમંચે સાથે ટોળકીના મનોજ સિંધીની કાર તેમજ એક એક્સેસ અને એક મોટર સાઇકલ ઉપર વડોદરા ગયા હતા. અને છાણી જકાતનાકા પાસેના એક કોમ્પ્લેક્ષ નજીક પાર્ક કરેલી કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડી ડેકી ખોલી તેમાંથી સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.

સુરતની લાજપોર જેલમાંથી પાસામાંથી છૂટ્યો હતો
ક્રાઇમ બ્રાંચની વધુ તપાસમાં આરોપી અમિત અભવેકર (છારા) દોઢ માસ પહેલાં જ સુરત લાજપોર જેલમાંથી પાસામાંથી છૂટીને બહાર આવ્યો હતો. તેની સામે વર્ષ-2016માં નિકોલ, વર્ષ-2017માં શહેર કોટડા, વર્ષ-2017માં ઓઢવ, વર્ષ-2018માં સરદારનગર, વર્ષ-2020માં મુંબઇના મલાડ (વેસ્ટ), ડીંડોસી, તથા કુરાર પોલીસ મથકમાં કારની ડેકીમાંથી ચોરી કરવાના બનાવો નોંધાયા છે.

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાઈ હતી
વર્ષ-2020માં પાસા હેઠળ સુરત લાજપોર જેલમાં ચાર માસ રહ્યો હતો. દોઢ માસ પહેલાં જ તે પાસામાંથી બહાર આવ્યો હતો. અને તેની ટોળકી સાથે મળીને વડોદરામાં સોનાના દાગીના વેચવા માટે આવેલા રાજકોટના વેપારીની કારના કાચ તોડી ડીકી ખોલીને રૂપિયા 2.35 કરોડના સોનાના દાગીનાની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ વડોદરા ફતેગંજ પોલીસ મથકમાં નોંધાઇ હતી. આરોપી અમિત રાકેશ અભવેકર (છારા)ને વડોદરા ફતેગંજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગેંગે જ્વેલર્સની કારનો કાચ તોડી ડેકીમાંથી દાગીનાની ચોરી કરી હતી
ગેંગે જ્વેલર્સની કારનો કાચ તોડી ડેકીમાંથી દાગીનાની ચોરી કરી હતી

રાજકોટના જ્વેલર્સના માલિકનો ભાઈ ઘરેણા વેચવા આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, રાજકોટની વી.રસીકલાલ જ્વેલર્સના માલિકના ભાઈ વિપુલ રસીકલાલ ઢકાણ (ઉ.વ.49,રહે-મારૂતી મેનોર એપાર્ટમેન્ટ,સાધુ વાસવાણી રોડ,રાજકોટ) તેમના કર્મચારી જલ્પેશ દિનેશભાઈ લાઢીગરા (ઉ.વ.47,રહે-રઘુવીર ટાવર,રાજકોટ) અને ડ્રાઈવર પ્રફુલ રવજીભાઈ ડાંગર (ઉ.વ.33,રહે-રામનગર,રાજકોટ) સોનાના ઘરેણા લઈને જૂન-2021માં વડોદરા આવ્યા હતા. અને અલકાપુરીની પંચશીલ હોટલમાં રોકાયા હતાં. 2 દિવસમાં શહેરના 4 સોનીને ત્યાં ઘરેણા વેચવા માર્કેટિંગ કર્યું હતું.

18 જૂને કારનો કાચ તોડીને દાગીનાની ચોરી કરાઈ હતી
તા.18 જૂનના રોજ સવારે 11:30 વાગે ત્રણેય વાયા આણંદ થઇ રાજકોટ જવા નિકળ્યાં હતાં. તે પહેલા ત્રણેય છાણી જકાતનાકા સર્કલ પાસે નાસ્તો કરવા ઉતરતા બાઈક પર આવેલા બે વ્યક્તિઓમાંના એકે ડ્રાઈવર સાઈડનો કાચ તોડી ડેકી ખોલી 2.35 કરોડના દાગીના ભરેલી બેગ ચોરી ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે રૂપિયા 2.35 કરોડના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી હતી. પરંતુ, વડોદરા પોલીસને સફળતા મળવાને બદલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે.