ઝડપી કામગીરી:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા હત્યા કેસના આરોપીને 24 કલાકમાં જ ઝડપી લીધો, સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ હતી

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રવિણને સુભાષબ્રિજ સર્કલ પાસેથી ઝડપી લીધો
  • બાતમીદારોની મારફતે અમદાવાદ શહેર વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ શરૂ થયું હતું

શહેરના બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગઈકાલે બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમા એક યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને અન્ય યુવકને પેટની ડાબી બાજુ છરીના ઘા મારી દીધા હતા. જેમા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક જ દિવસમાં આરોપીની ધરપકડ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે ખોડીયારનગર બહેરામપુરા પાસે આરોપી પ્રવિણ અને બુધ્ધીલાલા નામના યુવક સાથે કોઇ કારણસર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મોટો ઝઘડો થતા પ્રવિણે પેટની ડાબી બાજુ છરીનો જીવલેણ ઘા મારતા બુધ્ધીલાલાનું મોત નીપજ્યું હતું. જેથી આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકે ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ ઇસમને ઝડપથી શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

બાતમીદારોની મદદથી આરોપી ઝડપાયો
જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.દેસાઇ તથા પો.સ.ઈ. આઇ.એસ.રબારી તથા પો.સ.ઇ. જે.વાય.પઠાણએ પોતાની ટીમના માણસો સાથે ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ને શોધી કાઢવા સારૂ ખાનગી બાતમીદારો મારફતે પ્રયાસ હાથ ધર્યા હતા.આઇ.એસ.રબારીના સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન આજે મળેલ બાતમી હકીકત આધારે આરોપી પ્રવિણને સુભાષબ્રિજ સર્કલ પાસેથી ઝડપી લીધો છે.​​​​​​​

ગાળાગાળી કર્યા બાદ ચપ્પુના ઘા મારી દીધા
પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં જણાવેલ કે, ગઇકાલે ખોડીયારનગરમાં જ રહેતા બુધ્ધીલાલા ઉર્ફે મુન્ના શર્મા નામના માણસ સાથે સામાન્ય બોલાચાલી અને ગાળા ગાળી થતાં પોતાની પાસે છુપાવી રાખેલ ચપ્પુથી બુધ્ધીલાલા ઉર્ફે મુન્ના શર્માના શરીરે ઘા મારીને નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ.જેથી સદર આરોપીને ઝડપી લઇ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા સારુ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...