ચોર ગેંગ ઝડપાઈ:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 5 મિનિટમાં કોઈપણ ગાડીની ચાવી બનાવી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી, 100 કાર ચોરીનો હતો ટાર્ગેટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
41 પ્લેન ચાવી પણ ક્રાઈમ બ્રાંચે કબ્જે કરી છે - Divya Bhaskar
41 પ્લેન ચાવી પણ ક્રાઈમ બ્રાંચે કબ્જે કરી છે

માત્ર પાંચ જ મિનિટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ચોરીને અંજામ આપતા હતા. આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે આ ગેંગ માત્ર 5 મિનિટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતા હતા. જે માટે વપરાતી 41 જેટલી પ્લેન ચાવી પણ કબ્જે કરવામાં આવી છે. આરોપી રાજ્યમાં 100 કાર ચોરીનો ટાર્ગેટ લઈને આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

રાજસ્થાનમાં 30 હજારથી લઈ 50 હજારમાં વેચતા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડેલા આરોપીમાં જાવેદ ઉર્ફે બબલુ કુરેશી, સુરેન્દ્ર યાદવ અને મનોજ ઉર્ફે મહેતાજી જોશીનો સમાવેશ થાય છે. આરોપીની ધરપકડ વાહનચોરીના ગુનામાં કરવામાં આવી છે. આરોપી ની પૂછપરછ કરતા 15 જેટલી 4 વ્હિલરની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. જેમાં અમદાવાદ, વડોદરા તથા ભરૂચમાંથી પણ ચોરી કરી હતી. ચોરી કરેલી ગાડીઓ મુખ્ય આરોપી મનોજ રાજસ્થાનમાં 30 હજારથી લઈ 50 હજારમાં ડોક્યુમેન્ટ વિના વેચતો હતો.

જેલમાં આંતરરાજ્ય કાર ચોરી ગેંગ સાથે થયો હતો પરિચય
ચોરીના ગુનામાં ઝડપાયેલા 3 આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે અગાઉ આ ગેંગમાં 9 આરોપી સામેલ હતા. જેમણે માત્ર મહારાષ્ટ્રમાંથી જ 170 જેટલી ગાડીઓની ચોરી કરી હતી. જ્યારે ગુજરાતમાં 100 ગાડીની ચોરીનો ટાર્ગેટ કરીને આવ્યા હતા. આરોપીઓ મુંબઈથી અલગ અલગ કંપનીની પ્લેન ચાવી ખરીદી લેતા અને બાદમાં ગાડી ટાર્ગેટ કરી 5 મિનિટમાં બનાવટી ચાવી બનાવી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા. જે માટે વપરાતી 41 પ્લેન ચાવી પણ ક્રાઈમ બ્રાંચે કબ્જે કરી છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી જાવેદ અગાઉ હત્યાનો પ્રયાસ, વાહન ચોરી, લૂંટ, હથિયાર ધારા, હત્યા સહીતના 14 જેટલા ગુનામાં જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. જોકે જેલમાથી તેનો આંતરરાજ્ય કાર ચોરી કરતી ગેંગ સાથે પરિચય થયો અને બાદમાં કાર ચોરી કરવા લાગ્યો હતો. પોલીસને આશા છે કે આરોપીના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા વધુ ગુનાનો પણ ભેદ ઉકેલાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...