ફેક ગેંગરેપનો ઘટસ્ફોટ:સરસપુરમાં વેપારીઓને ગેંગરેપમાં ફસાવનાર ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો, રૂ. 500માં સ્પર્મ ખરીદી યુવતીના કપડાં પર બતાવ્યું હતું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર
  • સરસપુરમાં કાપડના બે વેપારીઓએ દુકાનમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી હતી

સરસપુર વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓને ગેંગરેપના કેસમાં ફસાવી દેનાર ટોળકીનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. ટોળકીના સૂત્રધારે વેપારીઓને ફસાવવા માટે રૂમમાં કપડાં પર સ્પર્મ બતાવવા માટે ત્રણ લોકો પાસેથી રૂ 500 આપી સ્પર્મ લીધું હતું. બાદમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે પણ સવાલ ઊભા થતા ક્રાઈમ બ્રાન્ચના જેસીપીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં બળાત્કારની ખોટી ફરિયાદ આપી કેસ ઉભો કરવામા આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમબ્રાન્ચે તપાસ કરી ગેંગરેપના આ ખોટા ગુનામાં પ્રોસિક્યુશન વિથ બી સમરી ભરી રિપોર્ટ કોર્ટમાં ફાઈલ કર્યો છે. યુવતી સહિતના તમામ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં દુકાનમાં બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ મહિલાએ નોઁધાવી હતી
નવેમ્બર માસમાં ગોમતીપુર વિસ્તારમાં સરસપુરમાં કાપડના વેપાર કરતા બે વેપારીઓએ દુકાનમાં આવી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી હતી. જેમાં ફરિયાદમાં શંકા ઉપજી હતી અને પોલીસની કામગીરી શંકાસ્પદ લાગતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગેંગરેપ મામલે તટસ્થ તપાસ થાય તે માટે ક્રાઈમબ્રાન્ચને તપાસનો હુકમ કર્યો હતો. આ મામલે ક્રાઈમબ્રાન્ચ એસીપી ડી પી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડી.બી.બારડે તપાસ સંભાળી હતી.

બે શખસો યુવતીને ઊભી કરી ખોટી ફરિયાદ કરાવી હતી
તપાસમાં દરમ્યાન જાણવા મળ્યું હતું કે રાજકુમાર બુદરાની અને સુશીલ બજાજ વિરૂદ્ધ ગેંગરેપની ખોટી ફરિયાદ ઇરફાન અન્સારી અને અજય કોડવાનીએ યુવતીને ઊભી કરી ખોટી રીતે કરાવી હતી. ઇરફાન અને અજય વિરુદ્ધ ઠગાઈની ફરિયાદો 2019માં નોંધાઇ તેમાં બન્નેને 40 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. જે બાબતે બન્નેએ રાજકુમાર અને સુશીલ પ્રત્યે વેર રાખી બન્નેને જેલમાં પુરાવવા ગેંગરેપની ખોટી ફરિયાદ કરવા પ્લાન ઘડ્યો હતો. ઇરફાને પહેલા તેના મિત્ર નિરજ ગુપ્તાના નામે ગોમતીપુર સુન્ની મુસ્લિમની ચાલીમાં દુકાન ભાડે લીધી હતી. તે પછી ગેંગરેપની ખોટી ફરિયાદ કરવા યુવતીની જરૂર હોવાનું પોતાના પરિચિત ફઝલુ રહેમાન અંસારીને જણાવ્યું હતું.

એક લાખ રૂપિયા આપીને વિજયવાડાની યુવતી પાસે ગેંગરેપની ખોટી ફરિયાદ કરાવી
બળાત્કારની ફરિયાદ માટે યુવતીની જરૂર હોવાથી આંધ્રપ્રદેશના વિજયવાડાની યુવતીને 1 લાખ આપી ગેંગરેપની ખોટી ફરિયાદ કરવા માટે સહપરિવાર અમદાવાદ લઈ આવ્યા હતા. સરસપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રાખી હતી. યુવતીને નિરજ ગુપ્તાને ત્યાં અને તેના પતિને રેલ્વે સ્ટેશન પર નોકરી અપાવી હતી. ગેંગરેપની ફરિયાદ સાચી સાબિત થાય તેમજ રાજકુમાર અને સુશીલ તેની દુકાને રૂ. 1 લાખની ઉઘરાણી માટે આવતા હોવાની વાત ઉપજાવી હતી. બીજી તરફ ઇરફાન પોતાની પર થયેલા કેસના સમાધાન રાજકુમાર અને સુશીલને નિરજની દુકાને બોલાવતો હતો. ત્યારે લોકો સમજતા કે, બન્ને નિરજ પાસે પૈસા લેવા આવે છે. ઉઘરાણી દરમિયાન બન્નેએ મહિલા પર રેપ કર્યો હશે તેવું પોલીસ પણ માની લે. તે માટે લાખ રૂપિયા આપવાની વાત નિરજએ ઉપજાવી હતી.

કાવતરાખોરે દુકાનના ત્રણ કારીગરોના સ્પર્મની ખરીદી કરી
ઈરફાને રેપના ગુનાના આરોપી કે પોલીસ અધિકારી પાસેથી માર્ગદર્શન લઈ ષડયંત્ર રચ્યું હોય તેવી ઉંડાણપૂર્વકની બાબતો તેણે ગેંગરેપની ખોટી ફરિયાદ કરવા ધ્યાને રાખી હતી. ઇરફાને ખોટી ફરિયાદ કરવાના આગલા દિવસે તેના ત્રણ કારીગરો પાસેથી 500 રૂપિયામાં તેમનું સ્પર્મ ખરીદી લીધું બાદમાં કાચની બંગડીઓની ખરીદી કરી હતી. પ્લાન મુજબ રાજકુમાર અને સુશીલને સમાધાન માટે નિરજની દુકાને બોલાવી વાત કરી રોકી રાખ્યા હતા. બાદમાં દુકાનનો પાછળ આવેલી રૂમમાં ખૂણામાં ચાદર પાથરીને તેની સીમન છાંટ્યું અને કાચની બંગડીના ટુકડા વિખરી નાખ્યા હતાં. યોજના મુજબ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીને ગેંગરેપની ખોટી ફરિયાદ કરવા મોકલી હતી. પોલીસે પણ આ કેસમાં મહિલા પીઆઈએ ફરિયાદ તપાસ વગર જ સીધી નોંધી દીધી હતી જે બાબત જ શંકાસ્પદ રહી હતી.

યુવતીના વસ્ત્રો પરનું સ્પર્મ વેપારીઓના સ્પર્મ સાથે મેચ થયું ન હતું
કપડાં મળેલું વીર્ય ગેંગરેપમાં જેણે આરોપી બતાવ્યા એવા રાજકુમાર અને સુશીલના સ્પર્મ જોડે મેચ થતું ન હતું. નિરજ ગુપ્તાએ તેના મિત્ર મનોજને રાજકુમાર અને સુશીલને નિરજ પાસે રૂ. 1 લાખ લેવાના હોવાનું નિવેદન પોલીસને આપવા તૈયાર કર્યો અને રૂ. 1 લાખ આપવાનું કહ્યું હતું. ઇરફાને પોલીસ તપાસમાં તેનું નામ ન આપવા સાક્ષીઓને જણાવ્યું હતું. ક્રાઈમબ્રાન્ચે મનોજ ગુપ્તાનું નિવેદન લેતા તેણે નિરજે પૈસા આપવાનું કહી ખોટું બોલવા જણાવ્યું હોવાનું લખાવ્યું હતું. તેમજ બનાવ વખતે ગેંગરેપનો ભોગ બનેલી યુવતીની કોઈ બુમો સાંભળી ન હતી. આમ સમગ્ર ફરિયાદ ખોટી હોવાનું ખુલ્યું હતું.