ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રગ્સકાંડો થઈ રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, ટીનએજર્સ પણ હવે ડ્રગ્સના રવાડે ચડી રહ્યાં છે. ડ્રગ્સનું આખા રેકેટમાં હાઇપ્રોફાઇલ લોકોથી લઈ નાના વ્યક્તિઓની એક આખી ચેઈન છે. મોથા માથાંઓ સામાન્ય લોકો પાસે ડ્રગ્સનું વેચાણ કરાવતા હોવાના કિસ્સાઓ પણ ઘણીવાર સામે આવે છે, ત્યારે આજે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમદ અલ્તાફ ઇકબાલભાઇ શેરૂ શેખ નામના પાથરણાવાળાને ડ્રગ્સ વેચતા ઝડપી લીધો છે.
ડ્રગ્સ વેચવા કોણે મજબૂર કર્યો?
આ અંગે પોલીસે જણાવ્યા અનુસાર આરોપી પહેલા પાથરણા બજારમાં કામ કરતો હતો પણ તેનો ધંધો બંધ થઈ જતા તે ડ્રગ્સ વેચવા લાગ્યો હતો. પકડાયેલા આરોપી પાછળ તેના આકાઓ પણ સંડોવાયેલા હોવાનું નક્કી છે. ક્રાઇમ બ્રાન્ચ આ વ્યક્તિને ડ્રગ્સ વેચવા મજબૂર કર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
ડ્રગ્સ માટે બદનામ પટવા શેરીમાં વોચ ગોઠવી હતી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શહેરના કોટ વિસ્તારમાં કેટલાક લોકો એમ.ડી.ડ્રગ્સ વેચી રહ્યા છે. જેની બાતમીના આધારે પોલીસે અગાઉથી ડ્રગ્સ માટે બદનામ ગણાતી પટવા શેરીમાં વોચ ગોઠવીને જી.પી.ઓ. રોડ, અરબ ગલી, સ્પેક્ટ્રમ કોમ્પલેક્ષ સામે, પ્રિન્સ પાન પાર્લર પાસેથી મોહમદ અલ્તાફ ઇકબાલભાઇ શેરૂ શેખ( ઉ.વ.30, રહે., મૌદીનની ચાલી, પટવા શેરી, રીલીફ રોડ)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી 23 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત રૂ.2.32 લાખ જેટલી થાય છે. તેની પાસેથી એફેડ્રોનનો જથ્થો, પારદર્શક પ્લાસ્ટિકની જીપરની થેલીઓ તેમજ અન્ય વસ્તુઓ મળીને 2.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ત્રણેક મહિનાથી તૌસિફ પાસેથી ડ્રગ્સ લઈ વેચાણ કરતો
અમદાવાદ આરોપીની પૂછપરછ કરતાં પોતે પાલિકા બજાર પાસે બુટ ચપ્પલનો પથારો રાખી વેપાર ધંધો કરતો હતો. તેનો આ ધંધો છ મહિનાથી બંધ થઇ ગયો હતો. ચોરી છુપીથી એમ.ડી. ડ્રગ્સનો વેપાર ધંધો શરૂ કર્યો હતો. છેલ્લા ત્રણેક મહિનાથી દરિયાપુર ચારવાડ, માઢના મહોલ્લામાં રહેતાં તૌસિફ શેખ નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદી પોતાના છૂટક ગ્રાહકોને આશ્રમ રોડ તથા કારંજ વિસ્તારની ગલીઓમાં બોલાવી વેચતો હોવાની વિગત સામે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.