મહિલા ડોક્ટર સાથે ગેરવર્તનનો મામલો:અમદાવાદના કોર્પોરેટર વિપુલ પટેલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો, પૂછ્યું તમને સસ્પેન્ડ કેમ ન કરવા?

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ. - Divya Bhaskar
ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ.

અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ સામે નરોડા અર્બન હેલ્થ સેન્ટરની મહિલા ડોકટર સાથે ગેરવર્તણૂંક કરવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે કોર્પોરેટર વિપુલ પટેલ પાસે ખુલાસો માંગ્યોછે. નરોડા અર્બન હેલ્થ સેન્ટરના મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરવાના આક્ષેપ થવાથી ભાજપની છબિ ખરડાય છે. જેથી તમારી સામે શિક્ષાત્મક પગલાં કેમ ન કરવા ? સસ્પેન્ડ કેમ ન કરવા ? તેનો એક દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.

ઘટના પર પડદો પાડવા બે કલાક મિટિંગ યોજી
નરોડા અર્બન હેલ્થ સેન્ટર પર કોર્પોરેટર વિપુલ પટેલ દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થતાં ભાજપ શહેર પ્રમુખ અને કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહની આગેવાનીમાં તમામ પદાધિકારીઓની અગત્યની બેઠક મળી હતી. બે કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં સમગ્ર બાબત ઉપર ભાજપના સત્તાધીશો દ્વારા પડદો પાડવા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ સમગ્ર ઘટના મામલે તપાસ કરી અને જે પણ રિપોર્ટ આપશે, તેના આધારે ભાજપના કોર્પોરેટર સામે પગલાં લેવા કે કેમ તે નક્કી કરવામાં આવશે તેમ પ્રભારી ધર્મેન્દ્ર શાહે જણાવ્યું હતું.

વિપુલ પટેલને બે કલાક બહાર બેસાડ્યા
ભાજપના કોર્પોરેટર સામે આક્ષેપ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શહેર પ્રમુખ, કોર્પોરેશન પ્રભારી ધર્મેન્દ્ર સહિત ભાજપના તમામ પદાધિકારીઓની બેઠક મળી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ પ્રવીણ ચૌધરી, AMC ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીને પણ હાજર રાખવામાં આવ્યા હતા. ફરિયાદ કરનાર ડોક્ટરને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સમગ્ર માહિતી મેળવવામાં આવી હતી. કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જોકે તેઓને બેઠકમાં બોલાવવાની જગ્યાએ બહાર બેસાડવામાં આવ્યા હતા બે કલાક સુધી બેસાડ્યા બાદ બેઠક પૂર્ણ થઈ હતી અને બે મિનિટ માટે કોર્પોરેટરને બોલાવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓ ભોગ બનનાર ડોક્ટર અને કોર્પોરેટરો પાછલા બારણેથી રવાના થઈ ગયા હતા.

ફરિયાદ પાછી ખેંચવા મહિલા અધિકારી પર દબાણ
કોર્પોરેટર સોમ પટેલ અને તેમના સાથીઓના વર્તનથી ડરી ગયેલી બે મહિલા આરોગ્ય અધિકારી 15 દિવસની રજા ઉપર ઉતરી ગયા છે. ફરિયાદ પાછી ખેંચવા મહિલા અધિકારી ઉપર સ્થાનિક લોકોનું દબાણ છે. ધમકીના કારણે મહિલા આરોગ્ય અધિકારીઓએ હેલ્થ સેન્ટર બદલવા મ્યુનિ. ને વિનંતી કરી છે.

કોર્પોરેટરને એક મંત્રીના આશીર્વાદ હોવાની ચર્ચા
ભાજપના કાર્યકરોનું કહેવું છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સોમ પટેલ પર ભાજપના એક મંત્રીના ચાર હાથ છે માટે તેમની વિરૂદ્ધ કોઈ પગલા નહીં લેવાય. મ્યુનિ. ના એક હોદ્દેદારે તપાસ કમિટીના એક સભ્યને ફોન કરી નમતુ જોખવા માટેની પણ ભલામણ કરી હતી. આ બાબતે શહેર ભાજપના એક હોદ્દેદારે મ્યુનિ. ના હોદ્દેદારને ખખડાવ્યા હોવાની મ્યુનિ. વર્તુળમાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...