પ્રજાસેવક ભાન ભૂલ્યા:અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો RTI એક્ટિવિસ્ટોને ગાળાગાળી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

અમદાવાદ15 દિવસ પહેલા
MLA ઈમરાન ખેડાવાલાના વીડિયોનો સ્ક્રીનશોટ
  • RTI એક્ટિવિસ્ટ પ્રોટેક્શન મની માગે છે આ યુપી-બિહાર થોડી છે તો પ્રોટેક્શન મની હોય: ખેડાવાલા

અમદાવાદના જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો ગાળાગાળી કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા માહિતી માગી અને તોડબાજી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડાવાલા દ્વારા વીડિયોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોને ગાળાગાળી કરી અને કહે છે કે, આ લોકો બોગસ માણસો છે અને RTI કરી અને ફેક્ટરીવાળાને હેરાન કરે છે. 50 હજાર, લાખ અને 5 લાખ રૂપિયા માગે છે. તેઓ વીડિયોમાં આગળ કહે છે કે, હું એમની સામે ખંડણીનો કેસ કરવાનો છું. આ લોકો ફેકટરીઓ અને ઈન્ડસ્ટ્રીઝવાળાને હેરાન કરે છે.

RTI એક્ટિવિસ્ટ સામે ઈમરાન ખેડાવાલાનો વીડિયો
ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ Divyabhaskar સાથેની વાતચીત જણાવ્યું હતું કે, RTI એક્ટિવિસ્ટ લોકો પ્રોટેક્શન મની માગે છે. આ યુપી બિહાર થોડી છે તો પ્રોટેક્શન મની હોય આ ગુજરાત છે. RTI એક્ટિવિસ્ટો ફેકટરી માલિકોને ત્રાસ આપવાનું કામ કરે છે. કાલનો વીડિયો વાઇરલ થયો છે. મારા વિધાનસભા વિસ્તારમાં બહેરામપુરા વિસ્તારમાં ચેપી રોગ હોસ્પિટલ પાસે આવેલી ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝની ફેકટરીઓ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ છેલ્લા 10 દિવસથી બંધ છે.

એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ RTI કરી માહિતી મેળવનાર લોકો ખોટી રીતે ત્યાં ટોળા લઈ અને ફેકટરીઓ ચાલુ છે એમ કહી ત્યાં લઈ જાય છે. ગઈકાલે પણ આ જ રીતે બધા RTIવાળા ત્યાં હાજર હતા અને અધિકારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યા.

RTI કરી તોડબાજી કરાતી હોવાનો આક્ષેપ
આ લોકો RTI કરી અને તોડબાજી કરે છે. તેઓ પ્રોટેક્શન મની માગે છે. આ ગુજરાત છે અને ગુજરાતમાં તો વેપારી ધંધો કરે છે પરંતુ આવા લોકો માનસિક ત્રાસ આપે છે. આ મોટું ષડયંત્ર છે અને RTIના નામે પૈસા ઉઘરાવે છે. કોઈપણ વ્યક્તિ બિલ્ડીંગ બનાવતો હોય, બાંધકામ કરતો હોય તેની માહિતી માગે છે. RTI કાયદો એના માટે બનાવ્યો છે કે તમારું કોઈ સાંભળતું ન હોય તો તમે RTI કરી અને માહિતી માંગી શકો છો. રહેતા અન્ય જગ્યાએ હોય અને બીજે જગ્યાની માહિતી માગે છે. આ આખું કૌભાંડ ચાલે છે.

RTI એક્ટિવિસ્ટ કરશે વિરોધ
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના અભદ્ર ભાષાના વિડિયોના વિરોધમાં આવતીકાલે દક્ષિણ ઝોનની કચેરી મણિનગર ખાતે સવારે 11:00 કલાકે મોટી સંખ્યામાં RTI એક્ટિવિસ્ટો હાજર થઈને લોકશાહી ઢબે તેમજ કોરોના મહામારીની ગાઈડલાઈન મુજબ તેનો વિરોધ કરવામાં આવશે.

વીડિયોના વિરોધમાં RTI એક્ટિવિસ્ટ રોષે ભરાયા
ઓલ ઇન્ડિયા આરટીઆઈ એન્ડ સોશિઅલ એકટીવિસ્ટ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ આકાશ સરકારે જમાલપુર વિધાનસભાનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો સોશિયલ મીડિયામાં આરટીઆઇ એક્ટિવિસ્ટને ગાળો ભાંડતા વિડિયોના સંદર્ભે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામ કરતાં ભુ માફિયા અને સરકારી જમીનો પર કબજો કરતાં અસામાજિક તત્વોને અને ગેરકાયદેસર ઈન્ડસ્ટ્રીઝ ચલાવતાં લોકોની પડખે ઉભા રહે છે પ્રજાનાં હીતની વાત કેમ નથી'કરતાં?

ધારાસભ્ય સામે કર્યા આક્ષેપ
તેમણે ઉમેર્યું કે, હમણાં થોડાં સમય પહેલાં હાઈકોર્ટેનાં હુકમથી મધ્ય ઝોનમાં ગેરકાયદેસર ફ્લેટની સ્કીમો એસ્ટેટ ખાતાનાં અધિકારીઓ તોડી રહ્યા હતાં. ત્યારે પણ ભુમાફિયાની પડખે ઉભા રહીને એસ્ટેટ ખાતાનાં અધિકારીઓનાં વિરોધમાં ગયા હતાં. તેમણે તો RTI એક્ટિવિસ્ટો અને સામાજીક કાર્યકર્તાઓનો આભાર માનવો જોઈએ કે તેમનું કામ આ લોકો કરે છે. ધારાસભ્ય શું પ્રજાનો સંપર્ક છોડી ભુમાફિયા અને ગેરકાયદેસર ઈન્ડસ્ટ્રીઝનાં માલિકોનાં સમ્પર્કમાં વધુ છે?