ધાંધિયા:અમદાવાદ કલેક્ટર ઓફિસે કોરોનાના ડેથ સર્ટિફિકેટના ફોર્મના વિતરણ વ્યવસ્થાનો અભાવ, જિલ્લા પંચાયતે કેટલા ફોર્મ આવ્યા તેની માહિતી નહીં

અમદાવાદ13 દિવસ પહેલા
કલેક્ટર કચેરીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે હજુ ફોર્મ વિતરણ વ્યવસ્થા નથી કરી
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં હજુ ફોર્મ વિતરણ વ્યવસ્થા કરાઈ નથી
  • 15 નવેમ્બરથી ફોર્મ વિતરણની શરૂઆત છતાં અરજદારોને રોજના ઘક્કા
  • તાલુકા સ્તરે ફોર્મ સ્વીકારાતા હોવાનું કહી કુલ ફોર્મનો આંકડો ન હોવાનું કલેક્ટર જણાવ્યું

કોરોના દરમિયાન મૃત્યુ પામનાર લોકોને સહાય સંદર્ભે ડેથ સર્ટી માટેના ફોર્મ વિતરણની વ્યવસ્થા અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં સંકલનમાં સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. હજુ સુધી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ વ્યવસ્થા નથી કરાઈ. તો બીજી તરફ કલેક્ટર દ્વારા જિલ્લા પંચાયતમાં ફોર્મ સ્વીકારવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાં હજુ કેટલા ફોર્મ આવ્યા તેની જાણ પણ નથી.

ગયા સપ્તાહે પણ ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ થઈ ન હતી
દિવ્યભાસ્કરે ગયા સપ્તાહે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કોરોના મૃત્યુ પામનાર લોકોને સહાય માટેના ડેથ સર્ટીમાં સુધારા માટે ફોર્મ વિતરણ અંગે શું વ્યવસ્થા છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ આ પ્રકારની કામગીરી સંભાળતું હોય છે. તે સમયે કલેક્ટર મારફતે ફોર્મ વિતરણ અંગેની કાર્યવાહી શરૂ કરવાની વાત કહી હતી, પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં હજુ ફોર્મ વિતરણ વ્યવસ્થા કરાઈ નથી. 15 નવેમ્બરથી ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી, ત્યારથી રોજ કલેક્ટર કચેરીએ અરજદાર ધક્કા ખાઈ રહ્યા હતા. જોકે હવે પરેશાન થયેલા અરજદારો પણ જોવા નથી મળી રહ્યા.

કલેક્ટર ઓફિસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોના ફોર્મના વિતરણ કરવાનું આયોજન કરાયું છે
કલેક્ટર ઓફિસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોના ફોર્મના વિતરણ કરવાનું આયોજન કરાયું છે

જિલ્લા પંચાયત હેલ્થ અધિકારીને જવાબદારી સોંપાઈ
આ બાબતે અમદાવાદ કલેક્ટર સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયતના CDHO એટલે કે હેલ્થ અધિકારીને આ અંગેની જવાબદારી સોંપાઈ છે. જોકે જિલ્લાના આરોગ્ય અધિકારીને કેટલા ફોર્મ આવ્યા તે અંગે પૂછવામાં આવતા, તેમણે જણાવ્યું કે તાલુકા સ્તરે ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે, હું તેમની પાસે કુલ ફોર્મ અંગેનો આંકડો નથી.

સહાય માટે પરિવારજનોએ મૃત્યુનું કારણ કોરોના હોવાના સર્ટિફિકેટ મેળવવું પડશે
કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્યો હતો કે, ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવશે. 15 નવેમ્બરથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

હવે પરેશાન થયેલા અરજદારો પણ કલેક્ટર કચેરીએ જોવા નથી મળી રહ્યા
હવે પરેશાન થયેલા અરજદારો પણ કલેક્ટર કચેરીએ જોવા નથી મળી રહ્યા

50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું
કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ જારી કરવામાં આવ્યો છે.જેના ફોર્મની પ્રક્રિયા 15મીથી શરૂ થશે, જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી હોય તે તબીબ મૃત્યુનું કારણ જણાવી શકે છે. આવામાં મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો ફોર્મ નંબર-4 અને એ સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર 4-A પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે.

પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર અપાશે
ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનાં પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા અને એ સિવાય જિલ્લા વિસ્તારમાં મૃત્યુવિષયક ખાતરી સમિતિની આરોગ્ય વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે. જેમના પરિવારના સભ્યનું કોરોનાથી મૃત્યુ થયું હોય, પરંતુ સર્ટિફિકેટમાં એનો ઉલ્લેખ ના થયો હોય તેઓ અરજી કરી શકશે. સર્ટિફિકેટ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. જેમના મૃત્યુનું કારણ સર્ટિફિકેટમાં સ્પષ્ટ થાય એ સહિતની કાર્યપદ્ધતિ નક્કી કરવા જણાવ્યું હતું.