પાણી પહેલા પાળ:કોરોનાની ત્રીજી લહેર પહેલા અમદાવાદ કલેક્ટરે તૈયારીઓ શરૂ કરી, સોલા સિવિલમાં 100 પીડિયાટ્રિક બેડ ઊભા કરાશે

4 મહિનો પહેલા
સોલા સિવિલ હોસ્પિટલ
  • નિષ્ણાતો ડૉક્ટરના અનુમાન મુજબ ત્રીજી લહેરમાં બાળકો અસરગ્રસ્ત થવાની શક્યતાને લઈને કરાઈ તૈયારીઓ
  • જિલ્લાના રૂરલ એરિયાની હોસ્પિટલમાં 250 જેટલા બેડ બાળકો માટે ઉભા કરાશે
  • ત્રીજી લહેર માં બાળકો માટે અલગ પીડિયાટ્રિક વોર્ડ તૈયાર કરાશે

રાજ્યમાં કોરોનાના કેસ હવે ઘટી રહ્યા છે, પરંતુ કોરોના હજી ગયો નથી. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે લોકોના મૃત્યુ થયા છે. હવે કોરોનાની ત્રીજી લહેર પણ આવશે એવા નિષ્ણાત ડોક્ટરના અનુમાનને લઈને તંત્ર અલર્ટ થઈ ગયું છે. કારણ કે અગાઉ બીજી લહેરમાં જે સ્થિતિ સર્જાઈ હતી, એ ફરી ન સર્જાય. જેમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને સારવાર માટે ના ઇન્જેક્શન ખૂટી પડ્યા હતા. એટલે હવે તંત્ર દ્વારા આ તમામ બાબતો ને ધ્યાનમાં રાખી ને ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે અત્યારથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

સોલા અને સિંગરવામાં ઓક્સિજનના PSA પ્લાન્ટ શરૂ
અમદાવાદ જિલ્લામાં પણ કોઈ સુવિધાઓ નો અભાવ ન રહે તે માટે જિલ્લા કલેક્ટરે અગાઉથી વ્યવસ્થા કરી છે. ઓક્સિજનનો પુરતો સપ્લાય, દવાઓ-ઇન્જેક્શનનો સપ્લાય અને હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાને લઇને સમીક્ષા કરી હતી. જેમાં અત્યાર સુધી સોલા અને સિંગરવા એમ 2 જગ્યાએ ઓક્સિજનના PSA પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે અને અન્ય જગ્યાએ પણ આ પ્લાન્ટ લગાવવાની કામગીરી ચાલી રહી છે.

સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, હાલ પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. પરંતુ કેટલાક નિષ્ણાતો અને ડોક્ટર દ્વારા ત્રીજી લહેર આવશે તેવી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી વધારે બાળકો અસરગ્રસ્ત થાય તેવી પણ વાત કહેવામાં આવી છે, જેને લઈને અમે આ ત્રીજી લહેરનો સામનો કરવા માટે સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ કરી લીધી છે. બીજી લહેરમાં જે ખામી સર્જાઈ હોય તો તેના માટેની વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે.

ડોક્ટરને તમામ મેડિકલ સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવી
સાંગલેએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સોલા સિવિલ હોસ્પિટલમાં 100 બેડ સાથેનો પીડિયાટ્રિક બેડ તૈયાર કરવામાં આવશે. જેથી બાળકોને કાઈ તકલીફ પડે તો ઝડપથી સારવાર મળી રહે. સાથે અમે અમદાવાદ જિલ્લામાં 20 પીડિયાટ્રિક ડોક્ટરને પણ આ વેવને પહોંચી વળવા માટે જરૂરી તમામ મેડિકલ સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે. જિલ્લાના રૂરલ એરિયાની હોસ્પિટલમાં 250 બેડ ઉભા કરવામાં આવશે. આ તમામ હોસ્પિટલમાં ઓક્સિજનથી લઇને વેન્ટિલેટર સુધીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ડોક્ટર અને મેડિકલ સ્ટાફ કઈ રીતે વધારી શકાય તે માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...