તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:અમદાવાદ સિવિલની ઓપીડી ખાલીખમ, દવા લેવા આવેલી મહિલાને વાહન ન મળતાં ત્રણ કલાક બેસવું પડ્યું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહન ન મળતાં બેસી રહેવું પડ્યું. - Divya Bhaskar
વાહન ન મળતાં બેસી રહેવું પડ્યું.
  • સરકારી-ખાનગી હોસ્પિટલ્સ, અર્બન હેલ્થ સેન્ટર, હિજરત કરતા શ્રમજીવીઓ, રિટેલ સ્ટોર્સ સંબંધિત ચાર રિપોર્ટ
  • પ્રાઇવેટમાં ઇમર્જન્સી ચાલુ, OPD માટે ડોક્ટર ઓન કોલની સુવિધા

અમદાવાદ: નારણપુરા, ઘાટલોડિયા, ગુરુકુળ વિસ્તારમાં મે ફ્લાવર અને સન ફ્લાવર, લેડી કેર જેવી સ્ત્રીરોગની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા જોવા મળી હતી. જ્યારે નારણપુરાની સોલાર હોસ્પિલમાં સ્ટાફ હાજર હતો. અહીં ડોક્ટરો કોઈ ઇમર્જન્સી કેસ હોય તો હોસ્પિટલ આવે છે. બાકી કોઈને તબીબી સલાહની જરૂર હોય તો હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટરો સાથે ફોન પર વાત કરાવે છે.
નારણપુરા એઇસી પાસે આવેલી લેડીકેર હોસ્પિટલમાં મહિલા દર્દીની હાજરી જોવા મળી હતી તેવી જ રીતે હેલ્મેટ ચાર રસ્તા પાસેની મે ફ્લાવર અને સન ફ્લાવર હોસ્પિટલમાં પણ પ્રસૂતિ અને ઇમરજન્સીને લગતી સેવા ચાલુ હતી. જ્યારે આ વિસ્તારનાં બેથી ત્રણ હોસ્પિટલ પર તાળાં લટકતાં જોવા મળ્યાં હતાં. ડોક્ટરોએ જણાવ્યું કે, ઓપીડીમાં વિવિધ બીમારીનાં દર્દી આવતાં હોય છે ત્યારે જો કોઈ શંકાસ્પદ દર્દી હોય તો તેને લીધે કોરોનાનો ચેપ એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરતો હોવાથી અમે હાલ પૂરતી હોસ્પિટલ બંધ રાખી છે, પણ નિયમિત સારવાર લેતાં દર્દી ફોન દ્વારા સંપર્ક કરીને સલાહ લે છે. 
સિવિલ અને ઘર વચ્ચે વાહનની વ્યવસ્થા ગોઠવવા લોકોની માગ
સિવિલમાં ધમધમતી ઓપીડી લોકડાઉનને પગલે ખાલી જોવા મળી રહી છે, પરંતુ બીપી, ડાયાબિટીસની નિયમિત દવા લેવા માટે કેટલાક સિનિયર સિટીઝન્સ આવતા હોય છે. તેમણે હોસ્પિટલ અને ઘર વચ્ચે વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગ કરી છે. સોમવારે વાડજની એક મહિલાએ વાહન ન મળતા 3 કલાક બેસી રહેવું પડ્યું હતું.
‘બપોરે 12થી 3 સુધી વાહન ન મળતાં બેસી રહેવું પડ્યું’
અમે વાહન કરીને દવા લેવા આવ્યા હતા.સિવિલમાંથી વાહન મળી જશે તેવું માનીને અમે તેમને પાછા મોકલી દીધા હતા. ઘરે જવા અમારે બપોરે 12થી 3 સુધી વાહન ન મળતાં બેસી રહેવું પડ્યું હતું.- સીતાબેન, નવા વાડજ
ટ્રાન્સપોર્ટ માલિકે વ્યક્તિદીઠ 2000 રૂપિયા લઈને ટ્રકમાં બેસાડ્યા
લૉકડાઉનને પગલે શ્રમજીવીઓની હિજરત હજુ પણ ચાલુ છે અને તેમની મજબૂરીનો લાભ લઈ કેટલાક ટ્રાન્સપોર્ટરો તેમની પાસેથી 1800થી 2000 રૂપિયા વસૂલી રહ્યા છે. તો કેટલાક શ્રમજીવીઓ બાઇક પર જ પોતાના વતન જવા નીકળ્યા છે. સોમવારે ઓઢવ રિંગરોડ પાસે, દાસ્તાન સર્કલ પાસે હિજરત કરી રહેલા લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. લૉકડાઉનને કારણે ધંધો-રોજગાર બંધ હોવાથી ઘર તરફની વાટ પકડનારા ઘણા શ્રમજીવીઓ પાસે કોઈ વાહનનો વિકલ્પ ન હોય તો પગપાળા જઈ રહ્યા છે. સોમવારે ઘણા શ્રમિક યુવકો હૈદરાબાદ, મુંબઈથી વાયા અમદાવાદ થઈ પોતાના વતન તરફ જતા જોવા મળ્યા હતા. 
અમદાવાદથી ગ્વાલિયર, આગ્રા સહિત મધ્યપ્રદેશનાં કેટલાંક શહેરોમાં ટ્રાન્સપોર્ટર તરીકે ધંધો કરતી વ્યક્તિએ ગ્વાલિયર સહિત મધ્યપ્રદેશના અન્ય જિલ્લામાં જવા લોકો પાસેથી વ્યક્તિદીઠ 1800થી 2000થી વસૂલ કરી ટ્રકમાં બેસાડ્યા હતા. ટ્રકમાં બેઠેલા રાજુ વાઘેલાએ કહ્યું હતું કે, પોલીસે ટ્રક અટકાવી તમામને ઘરે પરત મોકલી આપ્યા હતા. જ્યારે બીજી ટ્રક વડોદરાથી આવી હતી, જેમાં 40 લોકો હતા. આ લોકોમાં હૈદરાબાદ, સુરત, વલસાડ તેમ જ મહારાષ્ટ્રનાં અન્ય શહેરના લોકો હતા, જેઓ ચાલતા કે અન્ય કોઈ વાહન દ્વારા વડોદરા પહોંચ્યા હતા.
હૈદરાબાદથી આવેલા યુવકોને અટકાવાયા
હૈદરાબાદમાં સુથારી કામ કરતા રાજસ્થાનના જોધપુર, બાલોતરાના 10 યુવકો સોમવારે બપોરે બાઈક પર નિકોલ રિંગરોડ પહોંચ્યા હતા, જ્યાંથી તેમને પોલીસે પરત મોકલ્યા હતા, જેથી તેઓ દાસ્તાન ફાર્મ પાસે ઝાડ નીચે બેસી ગયા હતા અને તક મળે આગળ નીકળવાની રાહ જોતા હતા. એક યુવકે મોહન સુથારે કહ્યું કે, તેમના શેઠે કારખાનું બંધ કરતા 28 માર્ચે નીકળ્યા હતા.
મુંબઈથી આવેલા યુવકોને શેલ્ટર હોમ મોકલાયા
મુંબઈમાં ચાની દુકાનમાં નોકરી કરતા રાજસ્થાનના જાલોર જિલ્લાના બે યુવકો ચાર દિવસ પહેલા મુંબઈથી ચાલતા ગામડે જવા નીકળ્યા હતા. સોમવારે સવારે તેઓ ઓઢવ રિંગરોડ પહોંચ્યાં હતા, ત્યાંથી પોલીસે ગાડીમાં બેસાડી શેલ્ટર હોમમાં મોકલી આપ્યા હતા.
ફોન કરીને ઘરનો દરવાજો ખુલ્લો કરાવવામાં આવે છે
ઘરે ઘરે ફરીને લોકોના આરોગ્યની તપાસ કરતાં અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી, મહિલા નર્સ, આંગણવાડી કાર્યકર તથા મેલેરિયા હેલ્થવર્કર સોમવારે બપોરે માધુુપુરા ભીલવાસમાં સરવેની કામગીરી કરી રહ્યા હતા. તેમને પૂછ્યું કે, લોકોના આરોગ્યની ચિંતા કરો છો, પણ તમે તમારું આરોગ્ય કઇ રીતે જાળવો છો? તેમણે જવાબ આપ્યો કે, અમે ઘરનો દરવાજો ખખડાવતાં નથી, ફોન કરી ઘરની વ્યક્તિને દરવાજો ખોલવા કહીએ છીએ. ઘરમાં પ્રવેશવાની સાથે પહેલું કામ બાથરૂમમાં જઈને નહાવાનું કરીએ છીએ. અમારાં કપડાં ઉકળતાં પાણીમાં બોળી દઈ પર્સ, મોબાઇલ સેનિટાઇઝ કરી લઇએ છીએ. જેથી ચેપ અમારા સુધી પહોંચે નહીં. ભીલવાસ ખાતે ડો. વર્ષાબેન,  મઘુબાલાબેન સહિતના તમામ કર્મચારી ઘરે ઘરે ફરીને લોકોના આરોગ્યની તપાસ કરે છે.
સ્ટોર બંધ, ઓનલાઇન હોમ ડિલિવરી શરૂ
કોર્પોરેશનના નિર્ણય બાદ તમામ વીમાર્ટ સ્ટોર બંધ કરાયાં છે. બાપુનગરમાં આવેલું વીમાર્ટ પણ ગ્રાહકો માટે બંધ કરાયું છે. વીમાર્ટ દ્વારા ઓનલાઇન હોમ ડિલિવરી મોકલાય છે. સ્ટાફને વારાફરતી બોલાવાય છે. તેમાં કોરોનાથી બચવાના સલામતીના તમામ સાધનોની પૂરતી તૈયારી કરાઈ છે.
નારણપુરા ઓસિયામાં ગ્રાહકો અટવાયા
નારણપુરામાં આવેલી ઓસિયા માર્કેટ સોમવાર સવારથી બંધ કરી દેવાતા ખરીદી કરવા આવેલા લોકો અટવાયા હતા. મોટા ભાગના લોકોએ ઓનલાઇન વસ્તુ ખરીદતા નહિ આવડતું હોવાની ફરિયાદ કરી હતી. સ્ટોર ખુલ્લો હતો, પરંતુ ગ્રાહકોને અંદર જવાની મનાઈ કરાઈ હતી.
નારણપુરા રિલાયન્સ ફ્રેશની હોમ ડિલિવરી શરૂ
નારણપુરાનો રિલાયન્સ ફ્રેશ બંધ કરી દેવાયો છે. સ્ટાફ ઓનલાઇન હોમ ડિલિવરી આપી રહ્યો છે. સ્ટોરની બહાર લગાવાયેલા બોર્ડ પર કસ્ટમર માટે નંબર લખવામાં આવ્યો છે. તે સિવાય તેમની વેબસાઇટ પર જરૂરિયાતની વસ્તુઓની યાદી લખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...