તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેડિકલ સાયન્સ એક એવો વિષય છે કે જે હંમેશા નવા પડકારો અને અચરજોથી ભરેલો રહે છે. કેટલાક જવલ્લે જ સર્જાતા કિસ્સા તો એવા હોય છે કે જે સામાન્ય માનવી કરતાંય ડોક્ટર્સ માટે પણ નવો પડકાર સર્જે છે. કોઇ પણ નવો દુર્લભ પડકાર હોય તેને નાથીને સિદ્ધિની નવી સીમા પ્રસ્થાપિત કરવી એ અમદાવાદ સિવિલના તબીબોની તો કાયમની પરંપરા જ રહી છે. તાજેતરમા જ બનેલા એક ઘટનાક્રમે આ પરંપરાને વધુ પુષ્ટ કરી છે.આ ઘટનામાં 3.5 વર્ષની મિતવાના પેટમાંથી વજન 4.5 કિલોની ગાંઠ કઢાઈ હતી. આ લાખમાં માંડ એક વ્યક્તિમાં જોવા મળતો ઇન્ટ્રા એબ્ડોમિનલ માસ વિથ સિસ્ટિક ડિસ્ટેન્શનનો અતિ દુર્લભ કિસ્સો હતો. જેના પર તબીબોએ સર્જરી કરીને માસૂમ બાળકીને હસતી રમતી કરી છે.
પહેલાં ખાનગી હોસ્પિટલમાં પેટના ટીબીની સારવાર થઈ હતી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રસિકભાઈ લખતરીયા સ્થાનિક દૂધની ડેરીમાં નોકરી કરે છે અને તેમના પત્ની દક્ષાબહેન ગૃહિણી છે. આ ગરીબ દંપતીની 3.5 વર્ષની દિકરી મિતવાની વર્ષ 2019માં ખાનગી હોસ્પિટલમાં એબ્ડોમિનલ ટ્યુબરક્યુલોસિસ (પેટના ટીબી)ની સારવાર થઈ હતી. પરંતુ ડિસ્ટેન્શન (અંદરના દબાણથી ફૂલવું તે,ઉપસાટ)ના કારણે પેટ સતત ફૂલતું જતું હતું. બાળકીને અવારનવાર પેટમાં દુખાવો પણ થતો હતો. જાન્યુઆરી 2021માં મિતવાનો વધુ એક સીટી સ્કેન કરવામાં આવ્યો જેમાં ઇન્ટ્રાપેરિટોનિઅલ લિમ્ફૅન્જિઓમા જોવા મળ્યું. હવે મિતવાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાઈ.
22 જાન્યુઆરીએ સિવિલમાં સારવાર લાવવામાં આવી
22 જાન્યુઆરી, 2021ના દિવસે મિતવાને પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરાઈ. તમામ પ્રાથમિક ચકાસણીઓ કરવામાં આવી અને પેટના સીટી સ્કેનનો પણ રિવ્યૂ કરવામાં આવ્યો. તબીબોએ પછીના જ દિવસે મિતવાનું ઑપરેશન કરવાનો નિર્ણય કર્યો. પીડિયાટ્રિક સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. જયશ્રી રામજીની દેખરેખ નીચે સર્જરી કરવામાં આવી, જ્યારે ડો. ભાવના રાવલના વડપણ હેઠળ એનેસ્થેસિયા ટીમ ઓપરેશનમાં ખડે પગે રહી હતી.
ડૉક્ટરોએ મિતવાના શરીરમાંથી આ ગાંઠને આખી કાઢી નાખી
પેટના ભાગે ઓમેન્ટમ (પેટ અને અન્ય અવયવોને આવરી લેતા જઠર પરનું ચામડીનું પાતળું પડ પેરિટોનિયમ કહેવાય છે અને પેરિટોનિયમના પાતળા પડોને ઓમેન્ટમ કહેવાય છે)માં ઘણું મોટું કહી શકાય એવું ઇન્ટ્રાએબ્ડોમિનલ સિસ્ટિક લેઝન હતું, લગભગ આખા પેટને આવરી લે એવડું મોટું હતું. બાકીનું પેટ સામાન્ય હતું. આમાં જે ગાંઠ (શરીરમાં પ્રવાહી સ્રાવ, રસીથી ભરેલી કોથળી) હતી તેનું વજન આશરે 4.5 લિટર હતું. ડૉક્ટરોએ મિતવાના શરીરમાંથી આ ગાંઠને આખી કાઢી નાખી.
મિતવાનું વજન 14.5 કિલોથી ઘટીને 10.5 કિલો થઈ ગયું
ઓપરેશન પછી મિતવા ઝડપભેર સામાન્ય જીવનમાં પરત ફરી. ઑપરેશન પછીના બીજા દિવસે તેણે મોઢેથી ખોરાક લેવાનો શરૂ કર્યો. તેનું પેટ પુન: સામાન્ય આકારમાં આવ્યું. મિતવાના શરીરને જે ગાંઠનું વજન શક્તિહીન અને નિર્બળ બનાવી રહ્યું હતું તે ગાંઠ હવે નીકળી જતા મિતવાનું વજન 14.5 કિલોથી ઘટીને 10.5 કિલો થઈ ગયું. શરીર હળવું થઈ જવાના કારણે દાખલ થયા પછી પહેલી જ વખત મિતવાના મુખ પર મુસ્કાન રેલાઈ હતી.
એબ્ડોમિનલ લિમ્ફેન્જિયોમા એક દુર્લભ સમસ્યા છે
કહેવાય છે કે એબ્ડોમિનલ લિમ્ફેન્જિયોમા એક દુર્લભ સમસ્યા છે જે એક લાખ લોકો પૈકી માંડ એકાદ વ્યક્તિમાં જોવા મળે છે. એબ્ડોમિનલ લિમ્ફેન્જિયોમા એક દુર્લભ બિનાઇન ટ્યુમર છે જે બાળકોમાં થાય છે. સામાન્ય રીતે આ સમસ્યાની દુર્લભતા, વિવિધ પ્રકારના ગેરમાર્ગે દોરનારા ક્લિનિકલ પ્રેઝન્ટેન્શન્સ તથા અન્ય ઇન્ટ્રા-એબ્ડોમિનલ ગાંઠ તરીકે ભળતું નિદાન થઈ જવા જેવી સમસ્યાઓના કારણે એબ્ડોમિનલ લિમ્ફૅન્જિયોમાનું ઓપરેશન પૂર્વે નિદાન થવું મુશ્કેલ હોય છે. આ ગાંઠના કોમ્પ્લિકેશન્સ નિવારવા અને તેના પુનઃ સર્જાવાના જોખમને નિવારવા માટે તેને સર્જરી કરીને સંપૂર્ણપણે કાઢી નાખવી એ જ સૌથી ઉત્તમ સારવારનો વિકલ્પ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.