લગભગ 23 વર્ષના લાંબા ગાળા પછી ‘તાઉતે’ વાવાઝોડું અમદાવાદને સ્પર્શીને પસાર થયું છે. વાવાઝોડાની અસરથી શહેરમાં મેમાં ઈતિહાસનો સૌથી વધુ 142 મિમી (અંદાજે 6 ઈંચ) વરસાદ થયો હતો. પવનની ગતિ પણ કલાકના 40થી 80 કિલોમીટર સુધીની રહી હતી. અગાઉ 1998માં લક્ષદ્વીપથી ઉદભવેલું વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થયું હતું. વાવાઝોડું પસાર થતાં બુધવારથી એની અસરો ઘટશે અને બપોર પછી ઉઘાડ નીકળવાની શક્યતા છે.
શહેરમાં સાંજે 5થી 7ના ગાળા દરમિયાન સૌથી વધુ ઝડપી પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત દિવસભર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. વરસાદને પગલે વાસણા બેરેજ ખાતે લેવલ ઘટાડાયું હતું. ગેટ નં.20 ફૂટ, ગેટ નં.23 1.6 ફૂટ, ગેટ નં.26, 27, 28, 30 ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. પવન અને વરસાદથી 15 મકાન તૂટી પડ્યાં હતાં.
છેલ્લાં 10 વર્ષમાં શહેરમાં મે મહિનામાં પા ઈંચ વરસાદ પણ થયો ન હતો
વર્ષ | વરસાદ (મિમી) |
1982 | 138.3 |
2011 | 0 |
2012 | છાંટા |
2013 | 0 |
2014 | 0.4 |
2015 | 6.7 |
2016 | 1 |
2017 | 2.2 |
2018 | 0 |
2019 | 0 |
2020 | 0 |
2021 | 102 |
ઝોન પ્રમાણે વરસાદ
ઝોન | વરસાદ ઈંચમાં |
મધ્ય | 12 |
ઉ. પશ્ચિમ | 6 |
દક્ષિણ-પશ્ચિમ | 5.5 |
પૂર્વ | 5.7 |
પશ્ચિમ | 5.7 |
દક્ષિણ | 4.5 |
ઉત્તર | 4.5 |
આ વાવાઝોડું શહેર નજીક હતું
70 વિસ્તારમાં પાણી ભરાયાં, અનેક ઘરમાં પાણી ફરી વળ્યાં
શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં 70 વિસ્તારમાં પાણી ભરાયા હતા. તમામ વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી કરી હોવાથી એક કલાકમાં જ પાણી ઊતરી ગયાં હતાં. વટવામાં લક્ષ્મી તળાવામાં પાણી છલોછલ ભરાતાં ત્યાં પણ વરુણ ગોઠવીને પાણી ઉલેચાયું હતું. ગોતા, નારણપુરા, વેજલપુર, દાણીલીમડા, વિરાટનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં.
તાપમાન 9.4 ડીગ્રી ગગડ્યું
પવન અને વરસાદને લીધે શહેરનું મહત્તમ તાપમાન 9.4 ડીગ્રી ગગડીને 25.8 ડીગ્રી થઈ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.