ભાજપનું સ્નેહમિલન:સીએમના ભાષણ વચ્ચે જ જમણવાર શરૂ કરી દેતા લોકોની પડાપડી, ડિશમાં જેને જેટલું આવ્યું એટલું લઈ જમવા બેસી ગયા

અમદાવાદ2 મહિનો પહેલા
આ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીથી લઇ નાનામાં નાના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું
  • સ્નેહમિલન કાર્યક્રમના જમણવારમાં ઊંધીયુ, પુરી, કઢી, ભાત, જલેબી, ભજીયા અને ભૂંગળા પીરસવામાં આવ્યા હતા.
  • બધા દાદા દાદા બુમો પાડી શકે તો દાદા કુટુંબ માટે શું કરી શકે એ કરવાની તૈયારી છે: સીએમ
  • નાનામાં નાના કાર્યકર્તાને કયાંય જરૂર પડે તેના માટે દાદા બનવા તૈયાર: ભૂપેન્દ્ર પટેલ

નવા વર્ષમાં રાજ્યમાં દરેક મહાનગરોમાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ ભાજપ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. આજે અમદાવાદ શહેર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ નહિં પણ અમદાવાદ શહેર ભાજપનું શક્તિ પ્રદર્શન હતું. શહેર ભાજપ યુવા મોરચા દ્વારા 2000 બાઇક સાથે રેલી યોજાઈ હતી. આ બાઇક રેલી રિવરફ્રન્ટ વલ્લભસદનથી ઈવેન્ટ સેન્ટર સુધી યોજાઈ હતી. તેમજ અંદાજે 5000 જેટલા કાર્યકરો આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદબોધન કરી રહ્યા હતા ત્યારે જ જમણવાર ચાલુ થઈ જતા પડાપડી થઈ હતી.

સારા કાર્યકર્તા સારો નેતા બની શકે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે સાબરમતી નદીના કિનારે સ્નેહનો દરિયો ઉભરાયો છે. કેટલાય સમય પછી બધાને બહાર નીકળવાનો મોકો મળ્યો છે. આજે બધાનો ઉત્સાહ જોઈ સીએમ સાહેબનો વટ પાડ્યો છે. બધા દાદા દાદા બુમો પાડી શકે તો દાદા કુટુંબ માટે શું કરી શકે એ કરવાની તૈયારી છે. નાનામાં નાના કાર્યકર્તાને કયાંય જરૂર પડે તેના માટે દાદા બનવા તૈયાર. સારા કાર્યકર્તા સારો નેતા બની શકે છે. સાથે કામ કર્યું અને સાથે આગળ કઈ રીતે આગળ લઈ જઈએ તેનો સંકલ્પ કરવાનો છે. આપણે કયાંય ને ક્યાંય બધું તૈયાર કહીએ બધું આપીએ પરંતુ છેલ્લે ખબર પડે કેટલી તકલીફ પડે. આપણે પ્રજાની વચ્ચે રહી કાર્ય કરવાનું છે.

તેઓએ વધુમાં કહ્યું, ખૂબ સારા કામ થયા અને કરવાના છે. અમદાવાદમાં સ્ટેન્ડિગ ચેરમેન હતું અને પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે ફૂલગુલાબી બજેટની બુમો આવતી હતી. વિકાસનું એકપણ કામ અટક્યું નથી. ખૂબ સારી રીતે સરકાર કામ કરી રહી છે. આજે અને આવતીકાલ ભાજપની જ સરકાર રહેશે. જે બેસે એ ભાજપનો કાર્યકર્તા છે. કુટુંબ સાચવવાનું હોય ત્યારે વડીલ હોય ત્યારે બધાએ ગમો અને અણગમો હોય ત્યાં સહન કરતા હોય ત્યારે ભેગા રહી શકાય.

જમણવાર ચાલુ થતા જ પડાપડી થઈ
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદબોધન કરી રહ્યા હતા ત્યારે જ જમણવાર ચાલુ થઈ જતા પડાપડી થઈ હતી. સ્નેહમિલન કાર્યક્રમના જમણવારમાં ઊંધીયુ, પુરી, કઢી, ભાત, જલેબી, ભજીયા અને ભૂંગળા પીરસવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હાજર કાર્યકર્તાઓની જમણવારના ટેબલ પર ભીડ જામી હતી. લોકો જમવાની ડીશો ઉંચી કરીને લઈ જતા નજરે ચડ્યાં હતા. 10થી વધુ કાઉન્ટરો હોવા છતાં ભીડ બેકાબુ બની હતી. ડિશમાં જેને જેટલું આવ્યું એટલું જમવાનું લઈ લોકો બેસી ગયા હતા.પીરસવાના કાઉન્ટર પર માણસો ન હોવા છતાં લોકોએ જાતે લઈ જમવાનું શરૂ કરી દીધું હતું.

રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં બાઇકો સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાજપના ઝંડા સાથે આવી પહોંચ્યા હતા. ડી જે સાથે બાઇક રેલી રિવરફ્રન્ટ વલ્લભસદનથી ઈવેન્ટ સેન્ટર સુધી ગઈ હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીથી લઇ નાનામાં નાના કાર્યકર્તાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 5000 જેટલા કાર્યકર્તાઓ આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાયા હતા.

બાઈક રેલીમાં નીકળેલા યુવા મોરચાના કાર્યકરો
બાઈક રેલીમાં નીકળેલા યુવા મોરચાના કાર્યકરો

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર સહિત અનેક આગેવાનો સામેલ થયા હતા.

રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં બાઇકો સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાજપના ઝંડા સાથે આવી પહોંચ્યા
રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં બાઇકો સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાજપના ઝંડા સાથે આવી પહોંચ્યા

નેતાઓ અને કાર્યકરોએ મોડી રાત સુધી તૈયારીઓને આખરી ઓપ આપ્યો
આજે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડમાં અમદાવાદ શહેર ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાવાનો છે. જેની મોટાભાગની તૈયારીઓ ભાજપ દ્વારા પુરી કરી દેવામાં આવી છે. શનિવારે રાતે શહેર ભાજપ અધ્યક્ષ અમિત પી. શાહ સહિતના શહેરના હોદ્દેદારો અને નેતાઓએ મોડી રાત સુધી ઈવેન્ટ સેન્ટર પર રહી સમારંભની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. શહેર પ્રમુખ અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમથી ભાજપના સૌ કાર્યકરોને સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણ પણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ માટે તૈયાર કરાયેલી ખુલ્લી જીપ
મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ માટે તૈયાર કરાયેલી ખુલ્લી જીપ

તમામ 48 વોર્ડમાંથી યુવા મોરચાના કાર્યકરો બાઇક લઈને આવશે
અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પણ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ 48 વોર્ડમાંથી યુવા મોરચાના કાર્યકરો બાઇક લઈ સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતેથી 6 વાગ્યે બાઇક રેલી ઈવેન્ટ સેન્ટર ખાતે ગઈ હતી. રવિવારે સાંજે 5 વાગ્યાથી સાબરમતી રિવરફ્રન્ટ ભાજપના જ કાર્યકર્તાઓથી ભરાયું હતું.