છેતરપિંડી:અમદાવાદના બિલ્ડરે CA પાસેથી બાનાખતના 40 લાખ લઈ તેનો ફ્લેટ બીજા વ્યક્તિને બારોબાર વેચી માર્યો, દસ્તાવેજ માંગતાં ભાંડો ફૂટ્યો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફ્લેટમાં ભાડુઆત રહેતો હોવાની જાણ થતાં રજિસ્ટ્રી કચેરીએ તપાસ કરતાં જાણ થઈ
  • બિલ્ડરે પૈસા પરત નહીં કરતાં ફ્લેટ ધારકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • 2018માં પણ છેતરપિંડીના કેસમાં બિલ્ડર મિહિર દેસાઈની ધરપકડ કરાઈ હતી

અમદાવાદમાં રહેણાંક સ્કીમોમાં થયેલી છેતરપિંડીના અનેક કેસ નોંધાયા છે. એક જ ફ્લેટ એકથી વધુ લોકોને વેચ્યો હોવાના કેસો પણ નોંધાયા છે. ત્યારે શહેરમાં કંઈક અલગ પ્રકારે જ ફ્લેટ ધારક સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટે રોકાણ કરવાના અર્થે બિલ્ડર પાસેથી 40 લાખ રૂપિયાનું બાનુ આપીને ફ્લેટ ખરીદ્યો હતો. બિલ્ડરે તેમને એલોટમેન્ટ લેટર આપીને વેચાણ દસ્તાવેજ પછી કરી આપીશ એવો ભરોસો આપ્યો હતો. પરંતુ બિલ્ડરે ફ્લેટ ધારકને દસ્તાવેજ કરી આપવામાં ગલ્લાં તલ્લાં કર્યાં હતાં. ફ્લેટ ધારકે બિલ્ડર પાસે ફ્લેટના દસ્તાવેજની માંગણી કરતાં મકાન બીજાને વેચી દીધું હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ બાબતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બિલ્ડરે રોકાણ કરવાથી ફાયદો થશે તેવો ભરોસો આપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રાંચરડા ગામ પાસે રહેતાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટ ઈસ્કોન આંબલી પાસે પોતાની ઓફિસ ધરાવે છે. પર્લ કોસકેમ પ્રા.લિ નામની કંપની જેની ઓફિસ નરીમાન પોઈન્ટ મુંબઈ ખાતે આવેલી છે. જે કંપનીએ બોર્ડ રિઝોલ્યુશન દ્વારા ફરિયાદી ચાર્ટડ એકાઉન્ટન્ટને ઓથોરાઈઝ કરેલ છે. ચાર્ટડ એકાઉન્ટન્ટને મકાનમાં રોકાણ કરવા માટે વિચાર કર્યો હતો. જેથી તેમને સંભવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. કંપનીના ડાયરેક્ટર સાથે મુલાકાત થઈ હતી અને તેમની સ્કીમમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેવો ભરોસો અપાવ્યો હતો.

ફ્લેટ ધારકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી( ફાઈલ ફોટો)
ફ્લેટ ધારકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી( ફાઈલ ફોટો)

બિલ્ડરે દસ્તાવેજ આપવા ગલ્લા તલ્લાં કર્યાં
જેથી ચાર્ટડ એકાઉન્ટન્ટે જોધપુર ગામ પાસે સ્તવન અવિશા નામની સ્કિમમાં 2012ના વર્ષમાં 40 લાખના બાનાખત હેઠળ ફ્લેટ ખરીદીને રોકાણ કર્યું હતું. બિલ્ડરે તેમને ફ્લેટનો એલોટમેન્ટ લેટર પણ આપ્યો હતો. લેટર મળ્યા બાદ બિલ્ડરને આરટીજીએસ મારફતે 40 લાખ રૂપિયા આપ્યા હતાં. 2015માં આ સ્કીમ તૈયાર થતાં બિલ્ડરે થોડા સમયમાં વેચાણ દસ્તાવેજ કરી આપીશ તેવો ભરોસો આપ્યો હતો. પરંતુ અવારનવાર ધકકા ખાધા બાદ પણ બિલ્ડરે દસ્તાવેજ આપવા ગલ્લા તલ્લાં કર્યાં હતાં.

બિલ્ડરે ફ્લેટ બિજાને વેચ્યો હોવાનો ભાંડો ફૂટ્યો
ફ્લેટ ધારકને 2016માં જાણવા મળ્યું હતું કે તેમનો ફ્લેટ કોઈને ભાડે આપવામાં આવ્યો છે અને તેનું ભાડુ નિલેષ પટેલ નામના વ્યક્તિ ઉઘરાવે છે. આ બાબતે તેમણે બિલ્ડરને પૂછતાં બિલ્ડરે તેમને કહ્યું હતું કે તેમણે તેમનો ફ્લેટ કોઈને વેચ્યો નથી અને બાના તરીકે રૂપિયા પણ લીધેલા નથી. ત્યાર બાદ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જઈને તપાસ કરતાં ચાર્ટડ એકાઉન્ટન્ટને ખબર પડી હતી કે તેમનો ફ્લેટ બિલ્ડરે નિલેષ પટેલ નામના વ્યક્તિને વેચાણ કરી દીધો છે. બાદમાં બિલ્ડર પાસે પૈસા પરત માંગતાં તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. જેથી બિલ્ડર વિરૂદ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

2018માં બિલ્ડર મિહિર દેસાઈની ધરપકડ થઈ હતી
ઓફિસ ગિરવે મુકી 2.85 કરોડની લોન મેળવ્યા બાદ આ ઓફિસ બીજાને વેંચી દઈ છેતરપિંડી કર્યાની ફરિયાદમાં બિલ્ડર સંભવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના ડીરેક્ટર મિહિર દેસાઈની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી હતી. મિહિર દેસાઈ અને તેમના પત્ની તોરલબહેન સામે ફાયનાન્સ કંપનીએ ફરિયાદ નોંધાવી હતી. ફાયનાન્સ કંપનીએ મોર્ગેજ પ્રોપર્ટી અંગે સબ રજીસ્ટ્રાર કચેરીએ તપાસ કરતાં જાણકારી મળી હતી કે, મોર્ગેજ મુકાયેલી બે ઓફિસ પલ કોસ્કેમ પ્રા.લિ.ને તા. 21 જાન્યુઆરી 2016ના રોજ મોર્ગેજ કરી અપાઈ હતી તથા તા. 16 માર્ચ 2016ના રોજ કાનજીભાઈ પટેલ અને વિપુલભાઈ કે. પટેલને કબજા વગરનો બાનાખત કરાર કરી અપાયો હતો.

( આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ)

અન્ય સમાચારો પણ છે...