હુમલો:અમદાવાદના નરોડામાં મિત્ર પાસે પૈસા લેવા ગયેલી મહિલાને બે શખ્સોએ ‘તું અહીં કેમ ઉભી છે’ કહીને ઢોર માર માર્યો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ પ્રતિકાત્મક તસવીર છે. - Divya Bhaskar
આ પ્રતિકાત્મક તસવીર છે.
  • મહિલાએ બચવા માટે મદદ માગતા લોકો ભેગા થઈ જતા બંન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા

અમદાવાદના નરોડા વિસ્તારમાં મિત્ર પાસે પૈસા લેવા ગયેલી મહિલાને બે અજાણ્યા શખ્સોએ તું અહીં કેમ ઉભી છે તેમ કહીને ઢોર માર મારવા લાગ્યા હતા. મારામારીની ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ જતા બંન્ને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાળા કલરની પલ્સર પર બે શખ્સોએ આવી માર માર્યો
અમરાઈવાડીમાં રહેતા ગીતાસિંહ રાજપુત ઘરે હાજર હતા અને તેમના મિત્ર રેખાબેન પાસે પૈસા લેવા માટે ફોન કર્યો હતો. ત્યારે રેખાબેન પૈસા આપવા માટે નરોડા બેઠક ત્રણ રસ્તા પાસે બોલાવ્યા હતા. ગીતાસિંહે પૈસા ગુગલ પે કરી દેવાનું અને હાલ બેઠકમાં આવી શકું તેમ ન હોવાનું જણાવ્યું હતું. રેખાબેન ગુગલ પે વાપરતા ન હોવાથી રૂબરૂ મળીને પૈસા આપવાની વાત કરી હતી. આથી ગીતાસિંહ પૈસા લેવા માટે ગયા હતા અને નરોડા બેઠક પાસેની એક દુકાનમાં ઉભા હતા. ત્યારે એક કાળા કલરની પલ્સર બાઈક પર બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તું કેમ અહીં કેમ ઊભી છે તેમ કહીને ઝઘડો કરીને અચાનક મારઝૂડ કરવા લાગ્યા હતા.

આસપાસમાંથી લોકો ભેગા થતા બંને હુમલાખોર ભાગ્યા
ઈજાગ્રસ્ત મહિલાએ બચવા માટે આસપાસના લોકોની મદદ માંગતા લોકો ભેગા થઈ ગયા હતા. આથી બંન્ને અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં આ અંગે ગીતાસિંહે નરોડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.