ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદના 39% લાઈસન્સ ઓવર સ્પીડિંગ, 22% રોંગ સાઈડ, 5% ડ્રિંક એન્ડ ડ્રાઈવને લીધે સસ્પેન્ડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદીઓના સસ્પેન્ડ થયેલાં લાઈસન્સમાંથી 40 ટકા ફરિયાદ બહારના રાજ્યોની પોલીસે મોકલી હતી
  • એક વર્ષમાં જ 678 ફરિયાદ

ચિરાગ રાવલ
અમદાવાદ સહિત ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં ફરવા અને કામધંધા અર્થે જતાં વાહનચાલકો પોતાનું વાહન નિયમની ઐસીતૈસી કરીને ચલાવતા પકડાય ત્યારે જેતે શહેરના પોલીસ વિભાગ તરફથી વાહન લાઇસન્સના નંબર નોંધીને લાઇસન્સ સસ્પેન્ડ કરવાની અરજી અમદાવાદની સબંધિત આરટીઓને મોકલાય છે. આ પ્રકારના વાહન લાઈસન્સ સસ્પેન્ડ કરવા માટે ગત જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 678 અરજી આવી છે. આમાંથી 500 વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ થયા છે. 39 ટકા લાઈસન્સ ઓવર સ્પીડિંગને લીધે, 22 ટકા લાઈસન્સ રોંગ સાઈડ પર વાહન હંકારવાને લીધે, 8 ટકા હેલમેટ નહીં પહેરવાને લીધે જ્યારે 5 ટકા લાઈસન્સ ડ્રિંક એન્ડ ડ્રાઈવને લીધે સસ્પેન્ડ થયા છે. ગુના બદલ વાહનચાલકોના લાઇસન્સ ત્રણથી છ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે.

અમદાવાદની ત્રણેય આરટીઓ સમક્ષ લાઇસન્સ સસ્પેન્ડ માટે આવતી અરજીના આધારે આરટીઓ કચેરી સબંધિત વાહનચાલક વિરૂદ્ધ નોટિસ કાઢે છે અને પછી સુનાવણી બાદ લાઇસન્સ સસ્પેન્ડનો નિર્ણય કરે છે. બાવળા આરટીઓમાં ગણતરીની અરજી આવે છે. સસ્પેન્ડ કરાયેલા 500 લાઇસન્સમાંથી 40 ટકા એટલેકે 200 અરજી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, દિલ્હી અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં નિયમ વિરૂદ્ધ વાહન ચલાવનાર અમદાવાદીઓની છે. જ્યારે 60 ટકા અરજીઓ સ્થાનિક છે. કુલ સસ્પેન્ડ 500માંથી 350 સુભાષબ્રિજ અને 150 વસ્ત્રાલ આરટીઓ કચેરીના લાઇસન્સ છે.

ટ્રાફિકના વિવિધ ગુના બદલ 1 વર્ષમાં સુભાષબ્રિજ RTOએ 350, વસ્ત્રાલ RTOએ 150 લાઈસન્સ સસ્પેન્ડ કર્યા

સસ્પેન્ડ થયેલા લાઈસન્સમાં 70 ટકા કારચાલકોના છે
અમદાવાદમાં થતાં લાઇસન્સ સસ્પેન્ડના કુલ કેસોમાં 70 ટકા કારચાલકો છે. 30 ટકામાં ટુવ્હિલર સહિત અન્ય વાહનનો સમાવેશ થાય છે. 5 ટકા ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસોમાં પણ કારચાલકોની સંખ્યા વધુ હોય છે. 39 ટકા ઓવર સ્પીડિંગ અને 2 ટકા ટ્રાફિક નિયમના ભંગ કરનાર કેસોમાં પણ કારચાલકોની સંખ્યા વધારે છે. વસ્ત્રાલ આરટીઓમાં પ્રતિવર્ષ 150 વાહન લાઈસન્સ સસ્પેન્ડ કરાય છે.

ફેટલના ગુનામાં પકડાયેલા 20 % લાઇસન્સ રદ

સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓમાં ફેટલના ગુનામાં આવેલા 20 ટકા લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. 39 ટકા ઓવરસ્પીડ, 22 ટકા રોંગ સાઇડ, 20 ટકા ફેટલ, 8 ટકા હેલમેટ વિના, 5 ટકા ડેન્જરસ-ડ્રન્ક એન્ડ ડ્રાઇવ, 2 ટકા મોબાઇલ, 2 ટકા ત્રણથી છ માસ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે.

100 મહિલાના લાઇસન્સ 3થી 6 માસ સસ્પેન્ડ

અમદાવાદ સહિત અન્ય રાજ્યમાં નિયમ તોડીને ડ્રાઇવ કરનાર લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે સબંધિત આરટીઓમાં મોકલવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં અંદાજે 500 વાહન લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. આમાંથી 100 જેટલા લાઇસન્સ મહિલાઓના સસ્પેન્ડ થયા છે. ત્રણથી છ મહિના માટે સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સમાં 40 ટકા લાઇસન્સ અન્ય રાજ્યના ગુનાભંગના છે.

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના બે ગુના તો લાઈસન્સ આજીવન રદ
અમદાવાદ સહિત અન્ય રાજ્યમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં પકડાનારાનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરાય છે. આવા વાહનચાલકો ફરી નશો કરીને ડ્રાઇવ કરતા પકડાય તો તેનું લાઈસન્સ ફરી છ મહિના સસ્પેન્ડ થશે. આ છ મહિના પછી વાહનચાલક લાઇસન્સ માટે આરટીઓમાં ઓનલાઇન કોઇ પ્રોસિજર કરવા જશે તો થઇ શકશે નહીં. એટલે તેનું લાઇસન્સ આજીવન રદ થશે.

અન્ય સમાચારો પણ છે...