રાજકીય હલચલ:આંદોલનકારી પ્રવીણ રામ ‘આપ’માં જોડાઈ શકે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા અટકળો શરૂ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે પ્રવીણ રામ - Divya Bhaskar
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે પ્રવીણ રામ
  • મનીષ સિસોદિયાએ જનઅધિકાર મંચના અધ્યક્ષ પ્રવીણ રામ સાથે પણ મુલાકાત કરી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. સિસોદિયાની ગુજરાત મુલાકાત પહેલા જ હિરા ઉદ્યોગપતિઓ અને અન્ય જાણીતા ચહેરાઓ આપમાં જોડાય એવી ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે આજની આ મુલાકાત બાદ હવે આ ચર્ચાઓ સાચી પડવા લાગી છે. મહેશ સવાણીને આપમાં આવકાર્યા બાદ મનીષ સિસોદિયાએ જનઅધિકાર મંચના અધ્યક્ષ અને આંદોલનકારી એવા પ્રવીણ રામ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત સાથે જ પ્રવીણ રામ આપમાં જોડાવાની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ઈસુદાનથી લઈ મહેશ સવાણી આપમાં
14 જૂને ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને પાર્ટીમાં આવકાર્યા હતા. ઈસુદાન બાદ લોકગાયક વિજય સુવાળા, હિરા ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત ઘણાં સામાજિક આગેવાનો આપમાં જોડાયા છે.

ડાબેથી પ્રવીણ રામ, મનીષ સિસોદિયા, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા
ડાબેથી પ્રવીણ રામ, મનીષ સિસોદિયા, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા

હાર્દિક પટેલ પણ આપમાં જોડાઈ શકે
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ આપમાં જોડાઈ એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. હાર્દિકને આપનો ચેહરો બનાવી પાટીદાર સમાજના મત લેવા લાંબા ગાળાની વ્યૂહરચના ઘડી રહ્યા હોવાનું જાણવા મળે છે. આમ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી સમાજની સાથ સાથે આપમાં જોડાય તો નવાઈ નહીં. આપ પ્રત્યે પાટીદારોએ ઝુકાવ તો બતાવ્યો પણ આપમાં પાટીદારનો કોઈ ચેહરો તો જોઈએ ને, હાલ ગોપાલ ઇટાલિયા આપમાં છે, પણ એનું એટલું વજન પડી શકે તેમ નથી. તેથી પાટીદાર આગેવાનો માટે ફરી એકવાર હાર્દિક પટેલને આપનો ચેહરો બનાવી સમાજને રાજકીય સ્તરે મહત્વ આપાવવાની સાથે ભાજપ અને કોંગ્રેસને બતાવી દેવાની વ્યૂહરચના ગોઠવાઈ રહી હોવાનું જાણવા મળે છે.

આક્રમક યુવાઓને સંગઠનમાં સ્થાન આપવા માટેની રણનીતિ
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં ખૂબ સારી સફળતા મેળવીને વિપક્ષના સ્થાને આવી ગયો છે. જો કે આ અગાઉ આમ આદમી પાર્ટીએ સંગઠન બનાવીને વિધાનસભા 2017ની ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહોતી. આ નિષ્ફળતા અંગે ‘આમ આદમી પાર્ટી’ની કોર કમિટીએ વિચાર વિમર્શ કર્યા બાદ નિષ્ફળતા પાછળ સંગઠનનું માળખું અને કેટલાક ચોક્કસ નેતાઓ જવાબદાર હોવાનું બહાર આવતા અગાઉનું ગુજરાતનું આપનું માળખું સંપૂર્ણપણે વિખેરી નાંખીને આક્રમક યુવાઓને સંગઠનમાં સ્થાન આપવા માટેની રણનીતિ ઘડી છે.

આ રણનીતિના ભાગરૂપે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. ત્યારબાદ આપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થોડી ઘણી સફળતા મળી. ખાસ કરીને ગુજરાતમાં વિવિધ સામાજિક આંદોલનો દરમિયાન નેતાગીરીની ભૂમિકા ભજવી રહેલા યુવાઓને ‘આમ આદમી પાર્ટી’માં જોડાવા માટે સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોમાં જોડાયેલા પણ યોગ્ય હોદ્દા કે સ્થાન ન મળ્યા હોય એવા નારાજ નેતાઓને પણ આપમાં જોડાવા માટે ભલામણો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...