ગુજરાતમાં આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન આપવામાં આવશે. દરરોજ સવા બે લાખ ડોઝ આપવામાં આવશે. ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 લાખ ડોઝ આપવામાં આવશે.
SMS દ્વારા સ્લોટ અને સમયની જાણ કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ રસીકરણ અંતર્ગત દરરોજ આશરે સવા બે લાખ જેટલા યુવાઓને આ રસીકરણ કેન્દ્રો પરથી વિનામૂલ્યે રસીકરણમાં આવરી લેવાશે. 18 થી 44ની વયજૂથના યુવાનો જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને એસ.એમ.એસ. દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે.
રાજ્યમાં 45 થી વધુની વયના લોકોને પણ કોરોના વેક્સિન આપવાની કામગીરીમાં રોજના 75 હજાર લોકોને વેક્સિન અપાશે. આમ, રાજ્યમાં 4 જૂનથી દરરોજ 3 લાખ જેટલા લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન હાથ ધરાશે.
દરરોજ 18થી 44 વય જૂથના 2.25 લાખ લોકોનું વેક્સિનેશન થશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ કે રાજ્યમાં અત્યાર સુધી 10 શહેરોમાં 18 થી 44ની વયજૂથનાં રોજના સવા લાખ યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવતી હતી. યુવાનોમાં વેક્સિનેશન અંગે જોવા મળેલા ઉત્સાહને વેગ આપતાં હવે રાજ્ય સરકાર દ્વારા 4 જૂનથી સવા બે લાખ યુવાઓને દરરોજ 1200 કેન્દ્રો પરથી વિનામૂલ્યે વેક્સિન અપાશે.
3 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો
તેમણે કહ્યું કે, ગુજરાતમાં બે ભાગમાં કોરોનાની રસી આપવામાં આવે છે, જેમાં 45 કે તેથી વધુ વયના નાગરિકો અને બીજા ભાગમાં 18 થી 44 વર્ષના યુવાનોને રસી આપવામાં આવે છે. એટલું જ નહિ, 18 થી 44 વર્ષના યુવાનો માટે રાજ્ય સરકારે 3 કરોડ વેક્સિનના ડોઝ માટે ઓર્ડર આપ્યો છે.
25 ટકા વસતિને 1 જ ડોઝ અને 6 ટકા વસતિને બન્ને ડોઝ લાગ્યા
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1 કરોડ 34 લાખને 9 હજાર 392ને પહેલો ડોઝ જ્યારે 42 લાખ 30 હજાર 281ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ વસતિ 6 કરોડ 94 લાખ વસતિમાંથી માત્ર 6 ટકાનું સંપૂર્ણ વેક્સિનેશન થયું છે. જ્યારે 25 ટકા વસતિને એક જ ડોઝ મળ્યો છે.
હર્ડ ઈમ્યૂનિટી માટે 70 ટકા વસતિને બન્ને ડોઝ લાગી જવા જરૂરી છે. જો દરરોજ 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો અડધી વસતિ એટલે કે 3 કરોડ 50 લાખને વેક્સિન આપવામાં હજુ ત્રણ મહિના લાગી શકે છે. પરંતુ તેમાં 75 ટકા જેટલા લોકોને માત્ર પહેલો ડોઝ જ મળ્યો હશે.
રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો
ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે. જો કે આ વયજૂથના લોકો રોજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તેઓમાં 85 ટકા જેટલાં લોકો ઓછામાં ઓછા રસી લઇ લે તે અપેક્ષિત રહેશે.
16 જાન્યુઆરીએ રસીકરણનો પ્રારંભ થયો હતો
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ પ્રમાણે 2011ની સ્થિતિએ ગુજરાતની વસતિ 6.04 કરોડ છે. ગુજરાતમાં 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યારસુધી(13 મે સુધી) 1.47 કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે.
રાજ્યમાં 1207 નવા કેસ અને 17 દર્દીના મોત
રાજ્યમાં 24 કલાકમાં 1207 નવા કેસ નોંધાયા છે. 50 દિવસ બાદ પહેલીવાર 3 હજાર 18 દર્દી સાજા થયા છે. અગાઉ 15 એપ્રિલે 3 હજાર 23 દર્દી સાજા થયા હતા. તો રાજ્યમાં એક્ટિવ કેસ 25 હજારથી ઘટીને 24 હજાર 404 થયા છે. દૈનિક મૃત્યુઆંક 17 થયો છે. આમ સતત 30મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 95.78 ટકા થયો છે.
8.13 લાખ કેસ અને 9890ના મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 270ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 890 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 78 હજાર 976 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 24 હજાર 404 એક્ટિવ કેસ છે, જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 23 હજાર 975 દર્દીની હાલત સ્થિર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.