હેકર્સના નિશાને બિઝનેસમેન:ગુજરાતના વેપારીઓ સાવધાન, હેકર્સ ખાતું ખાલી કરી નાખશે તો માથે હાથ દઈને રોવાનો વારો આવશે; 1930 હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત

ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણી વિરુદ્ધ મલેશિયા, ઇન્ડોનેશિયાના હેકર્સે ભારતને ટાર્ગેટ કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. જોકે થોડા દિવસ પહેલાં જ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. બંને દેશના સાયબર ગ્રુપે દુનિયાભરના મુસ્લિમ હેકર્સને અપીલ કરી હતી કે તેઓ ભારત પર સાયબર એટેક કરે. મલેશિયાના હેકર ગ્રુપે વેબસાઇટ્સ હેક કરી, પાસપોર્ટ, આધાર-પાન કાર્ડ પણ લીક કર્યાં હતાં, જેને પગલે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં અલગ અલગ વીડિયો અને ભડકાઉ કે વિવાદાસ્પદ ભાષણ પર ભારતની ટોચની તપાસ એજન્સીઓ નજર રાખી રહી છે.

કંપનીઓ સાયબર સિક્યોરિટી અપગ્રેડ કરેઃ સાયબર ક્રાઇમના DCP
ઇન્ડોનેશિયા અને મલેશિયાના હેકર્સે ભારત સામે સાયબર વોર જાહેર કર્યું છે, ત્યારે એની અસર કોર્પોરેટ હાઉસને પર પણ પડે એવી શક્યતા છે. આ સાયબર વોર અંગે દિવ્ય ભાસ્કરે ગુજરાતના ટોચના સાયબર એક્સપર્ટ ગણાતા અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અમિત વસાવા સાથે વાતચીત કરી હતી. એમાં તેમણે મોટા બિઝનેસ હાઉસને એલર્ટ રહેવાની અને પોતાની સાયબર સિક્યોરિટી અપગ્રેડ કરવા તાકીદ કરી છે.

‘સાયબર એટેક અટકાવવા અમારી ખાસ ટીમ કામ કરી રહી છે’
અઠવાડિયા પહેલાં ઇન્ડોનેશિયા અને મલેશિયાના હેકર ગ્રુપે ભારતની સરકારી 80 જેટલી મહત્ત્વની વેબસાઈટ હેક કરી એના પુરાવા પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધા હતા. ત્યાર બાદ તાત્કાલિક દેશની ટોચની એજન્સીઓ અને સાયબર એક્સપર્ટ દ્વારા આ દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાયબર એટેકની શી અસર થશે એ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવ્યું હતું કે અમારી ખાસ ટીમ કામ કરી રહી છે. અમારું રેગ્યુલર કામ છે કે કોઈ ઇન્ટરનેશનલ એટેક થાય તો તરત રિસ્પોન્સ કરવો અને હેકિંગથી બચાવવા પ્રયાસ કરવો. તાજેતરમાં બનેલી હેકિંગની ઘટનાઓ બાદ ઇન્ટરનેશનલ બિઝનેસ કરતા બિઝનેસ હાઉસને એલર્ટ રહેવાની જરૂર છે.

‘1930 હેલ્પલાઇન ચીટરનું એકાઉન્ટ ફ્રીઝ કરી પૈસા પાછા અપાવી શકે’
અમિત વસાવાએ કહ્યું હતું કે જે બિઝનેસ હાઉસ વેબસાઈટનો ઉપયોગ કરે છે એમાં સાયબર એટેક થાય કે હેક કરવાનો પ્રયાસ થાય તો તેમણે તાત્કાલિક પોતાની સાયબર સિક્યોરિટી સિસ્ટમ અપગ્રેડ કરવાની જરૂર છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ જો કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સાયબર એટેકનો ભોગ બને તો તેમણે 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને પોતાની ફરિયાદ કરવી જોઈએ. સાયબર ક્રાઇમ વિભાગ તાત્કાલિક તેમની મદદ કરશે. ફ્રોડ થાય તો તમે તમારું જ ખાતું ફ્રીઝ કરી શકો, પણ 1930 હેલ્પલાઇન સામે વાળાનું એકાઉન્ટ ફ્રીઝ કરીને તમને પૈસા પાછા અપાવી શકે છે.

1930 હેલ્પલાઇન માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશના કોઈપણ ખૂણેથી કમ્પ્લેઇન કરી શકાય છે. આ હેલ્પલાઇનનું મોડલ ગુજરાતના મોડલ પરથી સમગ્ર દેશમાં અપનાવવામાં આવ્યું છે, જેમાં વ્યક્તિગતથી લઈને સંસ્થા સુધીના અને ફાઇનાન્શિયલ ફ્રોડથી લઈને બ્લેકમેઇલિંગ સુધીના બનાવની જાણ કરી શકાશે.

સરકારની નબળી વેબસાઈટો શોધી કઢાઈ
સાયબર ક્રાઇમની ટીમે 80થી વધુ ભારત સરકારની વેબસાઈટોમાં ઘણી નબળાઈઓ પણ શોધી કાઢી છે અને પીએમઓ હેઠળની નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (NCIPC)ને એની જાણ કરી છે.

દેશની 80 વેબસાઇટની ખામી અંગે PMOને જાણ કરી હતી
સાયબર ક્રાઇમની ટીમે 80થી વધુ ભારત સરકારની વેબસાઈટોમાં ઘણી નબળાઈઓ શોધી છે અને પીએમઓ હેઠળની નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટરને તેની જાણ કરી છે.

મલેશિયાના ગ્રુપે 2 હજાર વેબસાઇટ હેક કરી ડિટેઇલ લીક કરી હતી
મલેશિયાના ડ્રેગન ફોર્સીઓ અને ઇન્ડોનેશિયાના ગરુડાના એક્ટિવિસ્ટોએ 2000થી વધુ ભારતીય વેબસાઇટ્સ હેક કરવાનો દાવો કર્યો છે. વેબસાઇટ્સમાંથી ગુપ્ત ડેટા લીક કરાયો છે, જેમાં સરકારી ફાઇલો અને ડેટા, અમુક વ્યક્તિઓનાં આધારકાર્ડ, કેટલાક નાગરિકોનાં પાનકાર્ડ અને પાસપોર્ટની વિગતો, આંધ્રપ્રદેશના પોલીસકર્મીઓની વિગતો, ડિશ ટીવીના ડેટા સહિતની વિગતો લીક કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...