મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અગ્નિપથ યોજનાના વિરોધમાં કોંગ્રેસ કરશે દેખાવો, તિસ્તા અને શ્રીકુમારના 1 જુલાઇ સુધી રિમાન્ડ મંજૂર, કેસની તપાસ માટે SIT બનાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નમસ્કાર,

આજે સોમવાર છે, તારીખ 27 જૂન, જેઠ વદ-ચૌદસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) અગ્નિપથ યોજનાના વિરોધમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ધરણા-વિરોધ પ્રદર્શન

2) અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજે રાત્રે SHEE ટીમના સંયુક્ત ઉપક્રમે 'નાઈટ ફોર રન' યોજાશે

3) કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર આજે ગુજરાતની મુલાકાતે આવશે

4) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6 વાગ્યે એક રેલી કાઢશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) અમદાવાદમાં મિની વાવાઝોડું:શહેરના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ

અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રવિવારે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. શહેરના બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બે દિવસથી શહેરમાં ગરમીનો પ્રમાણ વધ્યું હતું, એવામાં બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. બોપલ-ઘુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વરસાદથી લાઈટો ગુલ થઈ ગઈ હતી. વરસાદને પગલે દાળવડાની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી.

વાંચો સમાચાર વિગતવાર

2) વડોદરા નફીસા આપઘાત કેસ:દુષ્પ્રેરણા આપનાર અમદાવાદના આરોપી રમીઝ શેખની ધરપકડ, 'તારે મરવું હોય તો મરી જા' કહેતા પ્રેમિકાએ ફાંસો ખાધો હતો

વડોદરાના ચકચારી નફીસા આત્મહત્યા કેસમાં અમદાવાદના દાણીલીમડાના આરોપી રમીઝ શેખની પોલીસે ધરપકડ કરી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા શેખે ગત 20 જૂનના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા પ્રેમી રમીઝ શેખે લગ્નનો ઇનકાર કરતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે નફીસાની બહેન સુલતાનાએ રમીઝ શેખ વિરૂદ્ઘ વડોદરાના જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી રમીઝ શેખની ધરપકડ કરી છે.

વાંચો સમાચાર વિગતવાર

3) પાટીદારોની 'અનોખી પહેલ':શ્રીમંત પરિવારો હોવા છતા બાળકોને પ્રાઈવેટ નહીં પણ સરકારી સ્કૂલમાં જ ભણાવે છે, સ્કૂલ પણ છે આધુનિક સુવિધાઓથી સજ્જ

દેશ-વિદેશની જેમ રાજ્યમાં પણ હવે શિક્ષણનું વ્યાપારિકરણ થઈ ગયું હોય તેમ એક-એકથી ચડિયાતી ખાનગી સ્કૂલો અમલમાં આવી ગઈ છે અને તેનું પ્રમાણ શહેરથી લઈ ગ્રામીણ વિસ્તાર સુધી વિસ્તરી ચૂક્યું છે. કારણ છે લોકોનો ખાનગી સ્કૂલ પ્રત્યેનો ક્રેઝ વધ્યો છે. પરંતુ કચ્છનાં નખત્રાણા તાલુકાનું સમૃદ્ધ એવું મોટા ધાવડા ગામ સરકારી સ્કૂલ પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવે છે. ગામમાં મુખત્વે પાટીદાર સમાજનાં લોકો ખેતીવાડી આધારિત વ્યવસાય ધરાવે છે અને મોટા ભાગનાં સુખી સંપન્ન લોકો વસે છે. તેમ છતાં તેઓ સંતાનોનાં અભ્યાસ માટે ખાનગી સ્કૂલના બદલે સરકારી સ્કૂલ પર પસંદગી ઉતારી બાળકોને અભ્યાસ માટે મોકલે છે. હાલ એકથી આઠ સુધીના ધોરણમાં 123 જેટલા છોકરા-છોકરી પ્રાથમિક સ્કૂલનું શિક્ષણ આનંદભેર મેળવી રહ્યા છે અને અભ્યાસ કરી ગયેલા બાળકો ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થઈ આગળ વધી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

4) સેતલવાડને કોર્ટમાં રજૂ કર્યા:તિસ્તા અને આરબી શ્રીકુમારના 1 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર, સમગ્ર કેસની તપાસ માટે પોલીસે SIT બનાવી

મુંબઈથી ગુજરાત એટીએસે (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)તિસ્તાની અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા અને બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે 1 જુલાઈ સુધી જ બન્નેના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે SIT બનાવી છે જે આગળની તપાસ કરવામાં કરશે.

વાંચો સમાચાર વિગતવાર

5) સોમવારે સાંજે 6 વાગ્યે ઉદ્ધવની રેલી, રાઉતનું વિવાદિત નિવેદન- ગુવાહાટીથી 40 ધારાસભ્યોના મૃતદેહ આવશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોમવારે સાંજે 6 વાગ્યે એક રેલી કાઢશે. આ દરમિયાન તેઓ સ્પીચ પણ આપશે. આ વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ સંકટ બે નિવેદનને કારણે વધુ ગરમાયું છે. પહેલું નિવેદન સંજય રાઉતનું છે. જેમને કહ્યું કે ગુવાહાટીથી હવે 40 ધારાસભ્યોના શબ મુંબઈ આવશે, જેને પોસ્ટમોર્ટમ માટે વિધાનસભા મોકલીશું. આ નિવેદન દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના DGP અને મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધારાસભ્યોને યોગ્ય સુરક્ષા આપવામાં આવે.બીજું નિવેદન આદિત્ય ઠાકરેનું છે. જેમને મહારાષ્ટ્ર સરકારને લઈને ખુલાસો કર્યો છે. કહ્યું કે એકનાથ શિંદેને 30 મેનાં રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો. એકનાથ શિંદે સાથે ગયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y પ્લસ સુરક્ષા આપી છે. હવે તેમને CRPFની સિક્યોરિટી આપવામાં આવશે.

વાંચો સમાચાર વિગતવાર

6) યોગીના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયું:1550 ફૂટની ઊંચાઈએ સામેથી અથડાયું; ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું, મોટી દુર્ઘટના ટળી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને રવિવારે સવારે વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જમાવવામાં આવી રહ્યું છે કે 1550 ફૂટની ઊંચાઈએ તેમના ચોપર સાથે પક્ષી અથડાયું હતું. જો કે, પાયલોટની સમજણથી મોટી દુર્ઘટના ટળી હતી.પાયલોટે પક્ષી અથડાયા બાદ સાવચેતી તરીકે હેલિકોપ્ટરને પોલીસ લાઈન ગ્રાઉન્ડ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જેના કારણે સીએમ યોગી આદિત્યનાથને પોલીસ લાઈન ગ્રાઉન્ડથી સર્કિટ હાઉસ પરત ફરવું પડ્યું હતું. આ પછી સીએમ રોડ દ્વારા સર્કિટ હાઉસથી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

7) જર્મનીમાં મોદી: PM 48માં G-7 સમિટમાં ભાગ લેશે, 12થી વધુ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 48માં G-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીમાં છે. આ દરમિયાન મ્યુનિખમાં એખ બવેરિયન બેન્ડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ જર્મનીમાં હાજર ભારતીય સમુદાયના લોકોએ પણ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીની આ મુલાકાત બે દિવસની હશે. અહીં વડાપ્રધાન મોદી 12 થી વધુ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરશે અને 15 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સમિટ 26 થી 28 જૂન સુધી ચાલશે. સમિટમાં ભાગ લીધા બાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પણ મુલાકાત લેશે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજના આગેવાનોએ મંદિરના મહંતને આપ્યો ભગવાનનો ચાંદીનો રથ

2) અમદાવાદીઓ એલર્ટ:30 અને 1લી તારીખે રથયાત્રાના રૂટ પર વાહન પાર્ક કર્યું તો પોલીસ ફરિયાદ થશે

3) રજાની મજા માણવા જતા મોત:સુરતના કુંવરદા ગામના તળાવમાં નહાવા પડેલા પાંચ પૈકી બે બાળકો ડૂબ્યા, સ્થાનિકો દ્વારા શોધખોળ

4) પ્રવેશોત્સવની બબાલ:સુરતમાં 'ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી'ના નારા સાથે AAPનો વિરોધ, ઈટાલિયા સહિતનાની અટકાયત

5) અમિત શાહે જંગલ સફારીની સફર માણી:SOU ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ની અને પૌત્રીને વાઘ બતાવ્યો, 'કેમ છો ભાઈ, કાકા, દાદા કહી' લોકોનું અભિવાદન કર્યું

6) મહીસાગરના રૈયોલીમાં 16.50 કરોડના ખર્ચે વિશ્વના ત્રીજા ફોસિલ પાર્કમાં ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું CMના હસ્તે લોકાર્પણ

7) શિંદે પાસે બહુમતી છે, પરંતુ સત્તાનો માર્ગ મુશ્કેલ; શિંદે જૂથના 20 ધારાસભ્યો રાઉતના સંપર્કમાં; મહારાષ્ટ્રમાં જતાં જ વેરવિખેર થઈ જવાનો ડર

8) જગન્નાથપુરી રથયાત્રાની તૈયારીઓ શરૂ; પુરી માટે 250 સ્પેશિયલ ટ્રેનો દોડશે, રથયાત્રાના કારણે 12 જુલાઈ સુધી શાળા-કોલેજ બંધ

આજનો ઈતિહાસ
27 જૂન, 2008નાં રોજ 1971ની લડાઈમાં ભારતીય સેનાને પાકિસ્તાન વિરૂદ્ધ વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પૂર્વ સેના અધ્યક્ષ સામ માણેકશાનું નિધન.

અને આજનો સુવિચાર
જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરે: સ્વામી વિવેકાનંદ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...