ભરતીમાં સરકારનું 'લીકેજ':88 હજારો બેરોજગારનું ભવિષ્ય બગડ્યું, 2021માં જ 3 પરીક્ષા રદ કરવી પડી, અસિત વોરાના 3 વર્ષના કાર્યકાળમાં 2 પેપર ફૂટ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કેસમાં 10માંથી 6 આરોપીની અટકાયત કરાઈ
 • વર્ષ 2019માં પણ પેપર લીક થવાને કારણે ભરતીપ્રક્રિયા રદ કરી દેવાઈ હતી

રાજ્યમાં કોરોનાની મહામારી આવ્યાના લાંબા સમય બાદ સરકારી ભરતીપ્રક્રિયા શરૂ થઈ શકી છે. જોકે સરકારી ભરતીમાં ગેરરીતિ થવાનો સિલસિલો હજુ અટક્યો નથી. ગત રવિવારે 12 ડિસેમ્બરે રાજ્યનાં 6 શહેરમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે કબૂલ્યું છે. આ પરીક્ષા આપનારા 88 હજાર ઉમેદવારનું ભવિષ્ય અંધારામાં સપડાયું છે. ત્યારે સરકારી નોકરીનું સપનું જોનારા હજારો બેરોજગાર યુવાઓની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ પહેલાં 2019માં પણ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પેપર લીક થયું હતું, એવામાં ભરતી બોર્ડની છબિ ફરી એકવાર ખરડાઈ છે. છેલ્લાં 9 વર્ષની ભરતીપ્રક્રિયા પર એક નજર કરીએ તો આ 10મી વખત સરકારી ભરતીમાં પેપર લીક થવાનો બનાવ બન્યો છે. સરકારે અગાઉની ઘટનાઓથી પણ કોઈ બોધપાઠ ન લીધો, જેની કિંમત હવે યુવાઓને ચૂકવવી પડી રહી છે.

ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીક કેસમાં ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા. આ વિશે હર્ષ સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ કરાઈ છે. 24થી વધારે પોલીસની ટીમ કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

હર્ષ સંઘવીની ફાઈલ તસવીર.
હર્ષ સંઘવીની ફાઈલ તસવીર.

186 જગ્યા પર ભરતી યોજાઈ હતી
કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.

2019માં કેવી રીતે પેપર લીક થયું હતું
બિનસચિવાલય પેપર લીક કાંડમાં આરોપીઓ પ્રવીણદાન ગઢવી, એમએસ સ્કૂલના પ્રિન્સિપાલ વિજેન્દ્રસિંહ વાઘેલા, ફકરુદ્દીન ઘડિયારી, મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, દીપક જોષી, રામભાઈ ગઢવી અને લખવિંદર સિંહ છે. પેપર લીકનું આખું ષડયંત્ર દાણીલીમડાની એમએસ સ્કૂલમાં ઘડાયું હતું. આ સ્કૂલમાંથી પેપર લીક થયું હતું. લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર હતો. ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ એ સમયે જણાવ્યું હતું કે પ્રવીણદાન ગઢવી પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર હતો. વ્હોટ્સએપ અને ટેલિગ્રામ પર પેપર મોકલવામાં આવ્યું હતું તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની પણ સંડોવણી હતી. સ્કૂલ-સંચાલકો મારફત આખું કૌભાંડ થયું હતું અને આજ સ્કૂલના ફકરુદ્દીને કટર વડે પેપર કાઢ્યું હતું. ફારુકે પેપરનું સીલ તોડ્યું હતું અને પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. આ પછી પ્રવીણદાને પેપરના ફોટા પાડીને પાછું સીલ કરી દીધું હતું.

9 વર્ષમાં 10 પરીક્ષામાં પેપર ફૂટ્યાં
સરકારી ભરતીપ્રક્રિયા પર નજર કરીએ તો છેલ્લાં 9 વર્ષમાં પેપર ફૂટવાની 10 જેટલી ઘટના બની ચૂકી છે. એમાં પણ 2021માં ત્રણ વખત, જ્યારે 2018માં 4 સરકારી ભરતી પરીક્ષામાં પેપર ફૂટ્યાં છે. એવામાં ભરતીની તૈયારી કરતા લાખો ઉમેદવારો પરીક્ષામાં પારદર્શિતા ન જળવાતાં અંતે ભરતીપ્રક્રિયા રદ થવાને કારણે નિરાશામાં સપડાય જાય છે. બીજી વખત ભરતી શરૂ થાય ત્યારે વય મર્યાદા નીકળી જવાને કારણે આવા હજારો વિદ્યાર્થીઓનું સપનું રોળાઈ જવાનો વારો આવ્યો છે.

વર્ષમાં 9 વર્ષમાં દસ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં

 • GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
 • રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
 • મુખ્ય સેવિકા: 2018
 • નાયબ ચિટનીસ: 2018
 • પોલીસ લોકરક્ષક દળ: 2018
 • શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
 • બિનસચિવાલય ક્લાર્ક: 2019
 • DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: 2021
 • સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
 • હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021