અમદાવાદના ખોખરા વોર્ડમાં બાલભવન ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં અગાઉ ફરજ બજાવતા ઈન્ચાર્જ હેલ્થ સુપરવાઈઝર બપોરે ખોખરા અર્બન હેલ્થ સેન્ટરમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ચૂંટણીમાં ખોખરા વોર્ડમાં કોંગ્રેસ તરફથી ઉભા રહેલા અને હારેલા ઉમેદવાર અપૂર્વ પટેલ સામે અરજી કરી તેમના પર આક્ષેપ કર્યો છે કે અપૂર્વ પટેલે તેમના ફેસબુક આઈડી પર જાણી જોઈ તેઓ અનુસૂચિત જાતિની મહિલા હોય અને અમારા વિરુદ્ધ ખરાબ અને અપમાનજનક લખાણ લખી ફોટો, વીડિયો તેમજ ઓફિસ ઓર્ડર વાઇરલ કર્યા હતા.
ડો.ભાવિન સોલંકી પર દબાણ કરી મારી બદલીનો ઓર્ડર કરાવ્યો
તેમણે અરજીમાં આગળ આક્ષેપ કર્યા છે કે, ડો.ભાવિન સોલંકી પર દબાણ કરી અને મારી બદલીનો ઓર્ડર તેમની પાસે કરાવ્યો હતો. સ્થાનિક મુકાદમ જગદીશ સોઢા પર પણ આક્ષેપ કરી અને 80-90 માણસોને મોકલી અને હુમલો કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક આગેવાનોની સમજાવટથી કોઈ ફરિયાદ કરી ન હતી. પોલીસે આ મામલે કોઇ ફરિયાદ નોંધી નથી માત્ર અરજી લીધી હતી. ઝેરી દવા પીનાર ઈન્ચાર્જ હેલ્થ ઓફિસરની હાલત નાજુક છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અરજી આપ્યા બાદ અર્બન હેલ્થ સેન્ટરમાં ઝેરી દવા પીધી: પોલીસ
આ મામલે ખોખરા પીઆઇ વાય. એસ. ગામીતે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મહિલાએ ઝેરી દવા પીધી છે તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અરજી આપ્યા બાદ તેઓએ અર્બન હેલ્થ સેન્ટરમાં ઝેરી દવા પીધી હતી.
હેલ્થ વર્કર યુવતીને જબરજસ્તી દવા પીવડાવાતી હોવાનો વીડિયો પોસ્ટ કર્યો
અપૂર્વ પટેલે તેમના ફેસબુક આઈડી પર ત્રણ વીડિયો પોસ્ટ કર્યા છે અને જેમાં એક હેમલતા નામની હેલ્થ વર્કર દવા લેવા માટે ના પાડી રહી છે છતાં તેને સ્ટાફની જ કોઈ મહિલા જબરજસ્તી દવા પીવડાવતી હોય તેમ જણાય છે.
હેલ્થ વર્કર યુવતી રડતાં રડતાં દવા લેવાની ના પાડે છે છતાં મહિલાઓ ખડખડાટ હસી અને મજાક ઉડાવે છે. જેમાં બોલે પણ છે કે "હેમલતા મને ગુસ્સો ન અપાવ, કાલથી તું ફિલ્ડમાં ના જતી નોકરી છોડી દેજે આવી ધમકી આપી અને ફરજિયાત દવા પીવડાવતા હોય તેવું વીડિયોમાં જણાય છે. યુવતીને જબરદસ્તી શેની દવા પીવડાવવામાં આવતી હતી ?. વીડિયો કેટલો જૂનો અને સાચો છે કે ખોટો તેની પોલીસ અને કોર્પોરેશન દ્વારા ખરેખર તપાસ થવી જરૂરી છે. શેના માટે આ રીતે યુવતી સાથે જબરદસ્તી કરી અત્યાચાર કરવામાં આવ્યો છે.
અપૂર્વ પટેલે ફેસબુક પોસ્ટ પર શું લખ્યું છે?
ખોખરા બાલભવન ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર માં ANM સુપરવાઇઝર દ્વારા સ્ટાફને જબરજસ્તી કોઈ હેવી ડોઝની દવા આપતો વીડિયો બહાર આવ્યો છે. જે એકાદ મહિના જૂનો છે પણ એ સાબિતી આપે છે કે તેઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય મહિલા સ્ટાફ જેઓ નોકરીએ આવે છે. તેમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે અને આ રીતની દવા આપી તેમના જીવને જોખમ ઊભું કરતા હોય છે અને તેઓ દવા ના લે તો નોકરીમાંથી નિકાળી દઇશ એવી ધમકી આપતા હોવાનું બહાર આવ્યું છે.
જે દવા લીધા બાદ સ્ટાફની અનેક છોકરીઓ બીમાર પડી હતી અને અમુક છોકરીઓની શરીર સ્થિતિ વધુ બગડતાં તેઓ ને એલ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ. પરંતુ ઉપરી અધિકારીઓની મીલીભગત અને ગરીબ દીકરીઓને ધાક ધમકીઓ આપી આખા સ્ટાફને ધમકીઓ આપવામાં આવે છે, જેથી તેમની સામે કોઈ બોલવા તૈયાર ના થાય. આમ મજબુરીનો લાભ લઇ આખી વાતને દબાવી દેવામાં આવી છે, જેઓનો હું વિરોધ કરું છું સુપરવાઇઝર બેન અનેકવાર સ્ટાફને હેરાન ગતિ કરતા હોય આમ જનતાને પણ હેરાન પરેશાન કરતાં હોય એમની વિરુદ્ધ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો હેલ્થ ઓફિસર શ્રીને કરવામાં આવેલ છે તેમ છતાં કોઈ પગલાં તેમની સામે લેવામાં આવતા નથી.
મારી દક્ષિણ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર સાહેબ મણિનગર, ડેપ્યુટી મ્યુસિપલ કમિશનર સાહેબ દક્ષિણ ઝોન મણિનગર તથા એમ.ઓ.એચ સાહેબ શ્રી ( આરોગ્ય ભવન )ગીતા મંદિર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અધિકારીઓને મારી નમ્ર અરજ છે કે ન્યાયિક તપાસ કરી ANM સુપરવાઇઝરની ખોખરા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી તાત્કાલિક બદલી કરવામાં આવે તથા તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવે. આપ સાહેબ શ્રી સામે સત્ય બહાર આવે ને પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી મારી આપ સાહેબ શ્રીને બે હાથ જોડીને વિનંતિ છે.
ખોખરા વિસ્તારના રહીશો અને અર્બન હેલ્થ સેન્ટરનો પૂરો સ્ટાફ પણ તેઓથી કંટાળી ગયેલ હોય તાત્કાલિક પગલા ભરવા વિનંતી છે, ખોખરા બધા રહીશો પણ એમના થી માહિત ગાર છે જો ચોક્કસ પગલાં લેવામાં નહીં આવે તો ખોખરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે તથા મણીનગર દક્ષિણ ઝોન ખાતે આંદોલન કરવામાં આવશે
( નોંધ- ખોખરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે હેલ્થ સેન્ટરની તમામ સામગ્રી સાધનો સહિત મોડી રાત સુધી અર્બન હેલ્થ સેન્ટર બંધ થયા પછી એને ખુલ્લું રાખીને દુરુપયોગ થતો હોય કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરાવવા મારી વિનંતિ છે )
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.