અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના જ 10 જેટલા કોર્પોરેટરોના વિરોધ વચ્ચે બનાવાયેલા વિપક્ષના નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણે આજે બપોરે 3.50 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે પોતાનું પદ સાંભળ્યું હતું. શહેજાદ ખાન બપોરે દાણાપીઠ ખાતે મુખ્ય ઓફિસમાં આવેલા પ્રાંગણમાં મહાબળેશ્વર મંદિરમાં મહાદેવનાં દર્શન અને ભગવાનને હાર પહેરાવી પૂજા કરી હતી. બાદમાં ઓફિસના ગ્રાઉન્ડફ્લોર પર આવેલી સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી.
આજે યોજાયેલા આ પદગ્રહણ સમારોહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા. શહેજાદ ખાનને ટોળામાં ઉપર લઈ જવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આવતાં કોર્પોરેશનમાં મુખ્ય ઓફિસના ગેટ બંધ કરવા પડ્યા હતા.
ઓફિસમાં ગણપતિની સ્થાપના કરી
કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે આજે શહેજાદ ખાન પઠાણે ચાર્જ લીધો છે ત્યારે સૌથી પહેલા મહાદેવની પૂજા કર્યા બાદ તેમણે ચાર્જ સંભાળ્યો હતો. વિપક્ષના નેતાની ઓફિસ પર ખુરસીમાં બેસતાં પહેલાં તેમણે ગણપતિની સ્થાપના અને પૂજન કર્યું હતું. મહારાજ દ્વારા શહેજાદ ખાન પઠાણની ઓફિસમાં પણ ગણપતિનું સ્થાપન અને પૂજા કરાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેમણે પદભાર સંભાળ્યો હતો.
માસ્ક વિના વિપક્ષ નેતાની ઓફિસ બહાર ઊમટ્યા લોકો
વિપક્ષના નેતાના પદગ્રહણ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ-પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર વગેરે સહિતના નેતાઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજે માત્ર ગણ્યાગાંઠયા કોંગ્રેસના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આજે આ પદગ્રહણ સમારોહમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઊડ્યા હતા. ચોથા માળે આવેલી વિપક્ષના નેતાની ઓફિસની બહાર મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું.
સન્ની બાબા તરીખે ઓળખાય છે શહેજાદ, સૌથી નાની વયે પહેલી ચૂંટણી લડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે દાણીલીમડાના યુવા કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મ છે. વર્ષ 2010- 2015, 2015- 2020 અને 2021થી ચાલુ ટર્મમાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર છે. શહેજાદ ખાન દાણીલીમડા વિસ્તારમાં સન્ની બાબા તરીકે ઓળખાય છે. લઘુમતી સમાજના યુવા નેતા તરીકે જાણીતો ચહેરો છે. શહેજાદ ખાન પઠાણે ઓસ્ટ્રેલિયામાં MBA કર્યું હતું તેમજ કોંગ્રેસે 2010માં સૌથી નાની ઉંમરે ચૂંટણી લડાવી હતી. અમદાવાદમાં નવાબ બિલ્ડર ગ્રુપ સાથે શહેજાદ ખાન જોડાયેલો છે.
શહેજાદ સામે અભદ્ર વ્યવહારનો આક્ષેપ કર્યો હતો
કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ‘લડકી હૂં લડ સકતી હૂં’ ના નામે એક વીડિયો પ્રિયંકા ગાંધીને મોકલીને શહેજાદ ખાન પઠાણ સામે અભદ્ર વ્યવહારનો આક્ષેપ કર્યો છે, આ સાથે પ્રિયંકા ગાંધી સમક્ષ ન્યાયની માગ કરી છે. નિરીક્ષકોએ 10 કોર્પોરેટર વિરુદ્ધ ગેરશિસ્તના પુરાવા પણ રજૂ કર્યા હતા. જે 4 કોર્પોરેટરને નોટિસ અપાઈ છે તેમની પાસે 7 દિવસમાં લેખિત ખુલાસો માગવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.