વાતાવરણમાં પલટો:કમોસમી વરસાદ બાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, ગાઢ ધુમ્મસ છવાઈ જતાં અમદાવાદમાં વહેલી સવારથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડીગ્રીથી નીચે જવાની સંભાવના
  • કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાંની શક્યતા છે, પરંતુ 23 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે, જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. એમાંય અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડીગ્રી નીચે જવાની શક્યતા છે. વાતાવરણમાં પલટો આવવાને કારણે પરોઢિયેથી જ અમદાવાદમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. રસ્તા પર વાહનચાલકોને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચલાવવમાં તકલીફનો સામનો કરવો પડ્યો છે. વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી.

23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ 23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે તેમજ અમદાવાદનું લઘુતમ તાપમાન 9.0 ડીગ્રીથી નીચે ગગડવાની શક્યતા છે તેમજ બેથી ત્રણ દિવસો ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બે દિવસ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ગરમી વર્તાશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ વાદળો હટતાં આકાશ સ્વચ્છ થતાં ઠંડા પવનો સીધા જમીન પર આવશે, જેને કારણે અચાનક તાપમાનમાં ઘટાડો થતાં કાતિલ ઠંડી પડશે.

વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી.
વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી.

આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડી વધશે
હવામાન વિભાગ દ્વાર કરવામાં આવેલી આગાહી અનુસાર, શુક્રવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર-શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૃચ, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. માવઠાની અસર ઓછી થતાં જ રાજ્યમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય એવી સંભાવના છે. ગુજરાતમાં આગામી 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં 3થી 5 ડીગ્રીનો 3 દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડીગ્રીથી નીચે જવાની સંભાવના છે.

વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફનો સામનો કરવો પડ્યો.
વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફનો સામનો કરવો પડ્યો.

ઉત્તર ગુજરાતમાં માવઠાંની આગાહી
ઉત્તર ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું બન્યું હતું, જેને કારણે 5 પૈકી 4 શહેરમાં ઠંડીનું પ્રમાણ પોણા 2 ડીગ્રી સુધી ઘટ્યું હતું. જોકે બપોરના સમયે વાતાવરણ ફરી એકવાર સામાન્ય થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહી શકે છે. આ દરમિયાન શુક્રવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની શક્યતા છે. જોકે વરસાદનું જોર ના બરાબર રહેશે. શનિવાર વાતાવરણ વાદળછાયું રહી શકે છે, પરંતુ માવઠાંની શક્યતા ના બરાબર રહેશે. જ્યારે રવિવારથી વાતાવરણ ફરી સામાન્ય થઇ જશે. બીજી બાજુ આગામી 48 કલાક બાદ વાતાવરણ સામાન્ય થતાં ઠંડીનું પ્રમાણ 3થી 5 ડીગ્રી સુધી વધી શકે છે.

માછીમારોને હવામાન વિભાગે ચેતવણી આપી
આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે, જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે, જ્યારે બેટદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકિનારા માટે હવામાન વિભાગે માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...