• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After The Summer Vacation, The Educational Work Started In The State Schools From Today, The Students Were Given Admission In The School By Tilak.

ચલો સ્કૂલ ચલે હમ:ઉનાળું વેકેશન બાદ આજથી રાજ્યની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ, વિદ્યાર્થીઓને તિલક કરીને સ્કૂલમાં પ્રવેશ અપાયો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં ચિંતા
  • સુરતમાં પ્રથમ દિવસે જ 90 ટકા હાજરી નોંધાઈ

ઉનાળું વેકેશન પૂર્ણ થતાં જ આજથી ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. આજથી વર્ષ 2022-23ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. તમામ સ્કૂલો નાનાં ભૂલકાં અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં વિશેષ તૈયારી કરાઈ છે. વિદ્યાર્થીઓને કંકુ ચોખાનું તિલક કરીને સ્કૂલમાં તેમનું સ્વાગત કરાયું છે. કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન સાથે થતાં વાલીઓ માટે પણ રાહતના સમાચાર છે. બીજી તરફ, કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં પણ સંક્રમણને લઈને ચિંતાઓ છે.

અમદાવાદમાં બાળકોને તિલક કરીને પ્રવેશ અપાયો
આજથી ગુજરાત બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. 2 વર્ષ બાદ સત્ર શરૂ થતાં જ પહેલા દિવસથી જ સ્કૂલો ઓફલાઇન શરૂ થઈ છે. સ્કૂલે આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તો કેટલાંક બાળકો રડતાં રડતાં પણ સ્કૂલે આવ્યાં હતાં. જોકે સ્કૂલ તરફથી પણ પ્રથમ દિવસ હોવાથી બાળકોને ખૂબ પ્રેમથી આવકારવામાં આવ્યા હતા. મેમનગર એચબી કાપડિયા સ્કૂલ પણ આજથી શરૂ થતાં પહેલા જ દિવસે સ્કૂલમાં બાળકો સ્કૂલવાન- રિક્ષા, વાલી સાથે અથવા પોતાની જાતે સાઇકલ લઈને સ્કૂલે આવ્યાં હતાં. સ્કૂલમાં પહોંચતાં બાળકોને સ્કૂલની બહાર ગ્રાઉન્ડ પર ઊભા રાખવામાં આવ્યાં હતાં. તેમને સ્કૂલમાં તિલક કરીને તથા એક માર્ગદર્શિકા આપીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

અમદાવાદમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા.
અમદાવાદમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા.

સ્કૂલમાં ટીચર અને ફ્રેન્ડ્સ મળતાં વધુ ખુશી મળશે
અમદાવાદમાં મેમનગર એચબી કાપડિયા સ્કૂલનાં પ્રિન્સિપાલ રૂપલ દલાલે જણાવ્યું હતું કે કોરોનાનાં 2 વર્ષ દરમિયાન શિક્ષકોએ ઓનલાઇન ભણાવ્યું છે, પરંતુ એને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે બોન્ડિંગ તૂટી ગયું હતું, જે આજે સ્કૂલ શરૂ થતાં બંને વચ્ચે ફરીથી જોડાશે. જિયા નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે ઓનલાઇન અભ્યાસના કારણે નેટવર્ક ઇસ્યુ થતો હતો અને ફ્રેન્ડ મળતા નહોતા. હવે ઓફલાઇન સ્કૂલ શરૂ થઈ છે તો ટીચર મળ્યા છે, ફ્રેન્ડ મળ્યા છે. હવે સારું ભણીને સારો સ્કોર કરવાનો અમને મોકો મળશે. સુહાની ચૌહાણ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે જ્યારથી વેકેશન પડ્યું ત્યારથી વેકેશન પૂરું થવાની રાહ જોઈ રહ્યા હતા. આજે સ્કૂલે આવીને ખૂબ મજા આવી છે. એસ. દવે નામના વાલીએ જણાવ્યું હતું કે 2 વર્ષ બાદ સ્કૂલો ફરીથી શરૂ થઈ છે, એટલે તેમને સ્કૂલે મોકલવામાં ઉત્સાહ છે. બાળકો પણ સ્કૂલે આવવા ઉત્સુક હતાં. તેઓ હવે વધુ આત્મવિશ્વાસ સાથે સ્કૂલમાં ભણશે.

વડોદરામાં નાનાં ભૂલકાં વહેલી સવારથી જ સ્કૂલમાં પહોંચ્યાં હતાં.
વડોદરામાં નાનાં ભૂલકાં વહેલી સવારથી જ સ્કૂલમાં પહોંચ્યાં હતાં.

વડોદરામાં વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટો આપી સ્વાગત કરાયું
વડોદરામાં પણ કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે શરૂ થયેલી સ્કૂલો વાલીઓને મૂંઝવણમાં મૂકી રહી છે. જોકે કેટલીક સ્કૂલો દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરીને આવવા માટે જણાવાયું છે, પરંતુ સ્કૂલ શરૂ થવાના આજે પ્રથમ દિવસે જ ફરજિયાત માસ્કનું પાલન થતું જોવા મળ્યું ન હતું. આજે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષકોમાં પણ અનેરો ઉમંગ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટો આપીને આવકારવામાં આવ્યા હતા. આજે સ્કૂલો શરૂ થવાનો પ્રથમ દિવસ હોવાથી વાલીઓ પણ પોતાનાં બાળકોને વહેલી સવારે સ્કૂલ પર મૂકવા આવ્યા હતા. બીજી બાજુ સ્કૂલ-વાન અને સ્કૂલ ઓટોરિક્ષાઓનો પણ ધમધમાટ જોવા મળ્યો હતો.

સુરતમાં પ્રથમ દિવસે જ સ્કૂલમાં 90 ટકા હાજરી નોંધાઈ.
સુરતમાં પ્રથમ દિવસે જ સ્કૂલમાં 90 ટકા હાજરી નોંધાઈ.

સુરતમાં પ્રથમ દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 90 ટકા હાજરી જોવા મળી
સુરતમાં પણ આજથી શરૂ થયેલી સ્કૂલોમાં વાલીઓમાં શિક્ષકોમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાયો છે. સુરતમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની 90 ટકા જેટલી હાજરી જોવા મળી છે. આજે ભૂલકાં વહેલી સવારે શાળામાં પહોંચ્યાં હતાં. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે શાળા-સંચાલકો અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બાળકોને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. બાળકોના ચહેરા પર પણ સ્મિત સ્પષ્ટ દેખાતું હતું. ઘણા સમયથી ઘરે રહ્યા બાદ આજે ઉનાળુ સત્ર પૂર્ણ થતાંની સાથે જ બાળકો પોતાનાં પુસ્તકો સાથે શાળાએ પહોંચી ગયાં હતાં.

રાજકોટમાં ત્રણથી ચાર દિવસમાં શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે.
રાજકોટમાં ત્રણથી ચાર દિવસમાં શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે.

રાજકોટમાં પ્રથમ દિવસે 80 ટકા હાજરી
35 દિવસના ઉનાળું વેકેશન બાદ આજથી ફરી શાળાઓ શરૂ થઈ છે. રાજકોટમાં શાળા શરૂ થતાં આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી જોવા મળી રહી છે. શાળા-સંચાલકોનું માનવું છે કે છેલ્લાં બે વર્ષ સુધી ઓનલાઇન-ઓફલાઈન શિક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓએ ઘણી અગવડતા અનુભવી, જેની સામે હવે સંપૂર્ણ ઓફલાઈન શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસમાં શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે.