નારાજગી:રાજીનામા બાદ વિજય રૂપાણી નારાજ થતાં પાટીલ સાથેની પ્રેસ કોન્ફરન્સ રદ કરવી પડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે સાંજે 4.30એ બોલાવેલી પ્રેસ કોન્ફરન્સ, રૂપાણીની 6.30 સુધી રાહ જોયા પછી અંતે રદ કરી
  • રદ પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે સંબોધી, કેન્દ્રીય નેતાઓની સાંજે કમલમમાંથી વિદાય

મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી એકાએક વિજય રૂપાણી રીસાય ગયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સાંજે 4.30 વાગ્યે તેમની અને વિજય રૂપાણી એમ બંનેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ અગાઉથી જ નક્કી હતી અને તેમાં હાજર રહેવાની મુખ્યમંત્રી રૂપાણીને સૂચના પણ અગાઉથી અપાય હતી. આમ છતાં વિજય રૂપાણી કમલમ્ પર યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં છેલ્લી ઘડીએ ન આવતા તેઓ રીસાયા છે તેવું બહાર આવતા તેમનું રાજીનામું ના-રાજીનામું હોવાનું બહાર આવ્યું હતું.

વિજય રૂપાણીના રાજીનામા પછી એકાએક કેન્દ્રીય નેતાઓ કમલમ પર પહોંચી રહ્યા હતા.રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા તેમ જ પ્રદેશ ભાજપના નેતાઓ કમલમ્ પર પહોંચ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પૈકી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા કમલમ્ આવ્યા હતા અને તમામ નેતાઓ વચ્ચે એક બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં રવિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવવાનું નક્કી થયું હતું. આ પછી સાંજે 4.30 કલાકે પાટીલ અને રૂપાણી પ્રેસ કોન્ફરન્સ સંબોધશે તેની રાહ જોવાઈ રહી હતી. કમલમ્ પર ભાજપના કેેન્દ્રીય અને પ્રદેશના નેતાઓ રૂપાણીની રાહ જોઈ રહ્યા હતા. જોતજોતામાં સાંજના 4.30 કલાકે ઘડિયાળનો કાંટો પહોંચ્યો, પણ રૂપાણી આવ્યા નહીં, નેતાઓના ચહેરા પર રૂપાણીની રાહ અને હજુ આવ્યા નહીં તેની ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી. નેતાઓમાં મૂંઝવણ પણ એ‌વી હતી કે, નહીં આ‌વે તો કારણ શું આપીશું અને બોલાવેલી પ્રેસ કોન્ફરન્સ રદ કરવી કે પછી એકલા પાટીલ સંબોધે તેવો નિર્ણય લેવાયો.

રૂપાણી આવશે તેની રાહમાં સાંજના 6.30 કલાક વાગ્યા. આમ છતાં રૂપાણી આવ્યા નહીં. છેવટે ભાજપે પાટીલ-રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ રદ કરવાની જાહેરાત કરી અને રૂપાણી-પાટીલના બદલે પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ રદ કરવા પાછળનું કારણ રૂપાણી પર્યુષણમાં વ્યસ્ત હોવાનું જાહેર કરાયું હતું. અંતે મોડી સાંજે 6-30 સુધી રાહ જોયા પછી સંગઠનના કેન્દ્રીય નેતાઓ કમલમથી રવાના થઈ ગયા હતા અને તેઓ રૂપાણીને મનાવવા ગયા હોવાનું મનાય છે.

બીજી બાજુ પ્રદેશના નેતાઓ નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ કમલમમાંથી રવાના થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...