દિલ્હીના નેતાઓ ગુજરાત દોડી આવ્યા:દિગ્ગજોના રાજીનામા બાદ આજે અમદાવાદમાં ટી.એસ.સિંહ દેવ અને મિલિંદ દેવરાની બેઠક

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસના નેતાઓની મીટિંગ યોજાઈ હતી - Divya Bhaskar
તાજેતરમાં કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસના નેતાઓની મીટિંગ યોજાઈ હતી
  • આખરે 60 દિવસના વનવાસ બાદ ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચારેક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસો વધી રહ્યાં છે.ત્યારે કોંગ્રેસની હાલત ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ એના કરતાં પણ બદતર થઈ ગઈ છે. ગઈકાલે કોંગ્રેસ સાથે સતત 40 વર્ષથી સંકળાયેલા દિગ્ગજ નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે પક્ષને અલવિદા કહીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ સ્થિતિમાં પણ ટકી રહેવા માટે કોંગ્રેસ દ્વારા મથામણ શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ તેમજ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની હાજરીમાં એક બેઠક મળવાની છે.

કોંગ્રેસના લોકસભા પ્રભારીઓની આજે બેઠક યોજાશે
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના કહેવા પ્રમાણે હવે કોંગ્રેસનું તળિયું દેખાઈ રહ્યું છે. ત્યારે આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 125 ના લક્ષ્યાંકને પાર પાડવા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાગ લેવા છત્તીસગઢ સરકારના પ્રધાન અને ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા ખાસ ઉપસ્થિત રહેશે. આજની બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે કામગીરીની સમીક્ષા સાથે સંકલન મામલે ચર્ચા થશે. ગુજરાત પહોંચેલા ટી.એસ. સિંહદેવે મીડિયા સાથે વાત કરતા કરતા કહ્યું કે પીએમ અને કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના હોવા છતાં હ્યુમન ડેવલપ ઇન્ડેક્સમાં ગુજરાત 20માં ક્રમે હોવું તે ગંભીર બબાત છે.

વિધાનસભાની 182 બેઠક પરની રણનીતિ નક્કી થશે
આજે મળનારી કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખત જગદીશ ઠાકોર હાજર રહેશે.સાથે જ લોકસભા બેઠક દીઠ AICC ઓબ્ઝર્વર અને સ્થાનિક કક્ષાએ PCCના બે નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે.ગુજરાતના સિનિયર નેતાઓ જેમને 26 લોકસભાના નિરીક્ષકો તરીકે જવાબદારી સોંપાઈ છે તેઓ પણ હાજરી આપશે AICCએ નિમેલા 26 નિરીક્ષકો રાજસ્થાન અને છત્તીસગઢ સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.જેમાં વિધાનસભાની 182 બેઠક પર શું સ્થિતિ છે તેનો અહેવાલ અને આગામી રણનીતિ નક્કી કરાશે.

વનવાસ પછી ભરતસિંહ ફરી સક્રિય થયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ 3 જૂને રાજકીય વનવાસની જાહેરાત કર્યા બાદ ફરી સક્રિય થયા છે. તેમની સક્રિય કરવા પાછળ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપવામાં ઉતાવળ કરતા અને કોંગ્રેસને કયાંક કાચું કપાશે તેવું જણાતા છેવટે ભરતસિંહ મેદાનમાં આવ્યા છે. પ્રથમ દિવસે આણંદમાં કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ સાથે વાટાઘાટો કર્યા બાદ તેમણે અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે પણ હાજરી આપી આગામી ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...