અમદાવાદ શહેરમાં હાલમાં મહાનગર પાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. ઉમેદવારો હવે ખાનગી મીટિંગો દ્વારા મત મેળવવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે શહેરમાં આખે આખી પેનલ તૂટવાના વીડિયો વાયરલ થઈ ગયાં છે. શહેરના ખાડિયા વિસ્તારમાં એક વોટ કોંગ્રેસના શાહનવાઝને અને બાકીના ત્રણ ઓવૈસીની પાર્ટીના ઉમેદવારને આપવા એવો વીડિયો ફરતા થયાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ ખાડિયામાં ચૂંટણીનો માહોલ વધુ ગરમ થયો છે.
ત્રણ દિવસથી તિરંગો ખેસ પહેરેલા લોકોનો વીડિયો વાયરલ થયો
જમાલપુર વોર્ડના કોર્પોરેટર રહેલા શાહનવાઝ શેખને આ વખતે જમાલપુરથી ટિકિટ નથી મળી જેથી તેઓ હવે ખાડિયામાંથી કોંગ્રેસની સીટ પર ચૂંટણી લડી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી શહેરમાં એક ઓફિસની અંદર તિરંગો ખેસ પહેરેલા લોકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે શખ્સો વાતો કરી રહ્યા છે કે એક વોટ શાહનવાઝને અને બાકીના ત્રણ એમઆઈએમને આપવા. આ વીડિયો વાયરલ થયા હોવા અંગે શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે ચૂંટણીના સમયમાં આવા ગતકડાં વાપરવામાં આવતાં હોય છે. જેથી આવા વીડિયો અંગે તેને કોઈ જાણ નથી.
બંને મુખ્ય પક્ષોને અસંતુષ્ટોના લીધે આખી પેનલ તૂટવાનો ભય
ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને AMCમાં 142 પૈકી 100 થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી બીજી તરફ 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે.કોંગ્રેસને મક્તમપુરા, જમાલપુર, બહેરામપુરા જેવા વોર્ડમાં પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. અહીં ઓવેસીની પાર્ટી પેનલ તોડે તેવા અણસાર છે.
કોંગ્રેસના ગઢ દરિયાપુરમાં પણ પેનલ તૂટવાનો ભય
દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે આ વખતે કોંગ્રેસના સિનિયર નેતા અને કોર્પોરેટર એવા સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષીને પક્ષે ટિકિટ આપી છે કોંગ્રેસનો ગઢ એવા આ વોર્ડમાં લઘુમતી સમાજના મોટા મત રહેલા છે. કોંગ્રેસ પક્ષને દરિયાપુરમાં આ વખતે સામે AIMIMના ઉમેદવાર હોવાથી કોંગ્રેસને કપરાં ચઢાણ લાગી રહ્યા છે. દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસનું પ્રભુતવ વધુ હોવાથી આસાનીથી જીતી શકે તેમ છે. તેમ છતાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને આ વખતે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે મેદાનમાં આવવું પડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.