ક્યાં જશે આ કોંગ્રેસ?:અહેમદ પટેલના નિધન બાદ નોધારી બની ગઈ છે ગુજરાત કોંગ્રેસ, લાંબા સમયથી નથી પ્રભારી કે નથી મળતા પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અહેમદ પટેલ ફાઈલ ફોટો. - Divya Bhaskar
અહેમદ પટેલ ફાઈલ ફોટો.
  • ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી મળતાં નથી, સંગઠન પણ અટવાઈ ગયું
  • ભાજપ અને આમ આદમી પાર્ટીએ તો 2022ની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી, પણ કોંગ્રેસ હજુ ચહેરો શોધી રહી છે

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારી ભાજપ અને આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે. ત્યારે કૉંગ્રેસ હજુ ગુજરાતના પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના મામલે ગૂંચવાઈ ગઈ છે, જેમાં પ્રમુખપદ માટે અર્જુન મોઢવાડિયા અને વિધાનસભા વિપક્ષના નેતાપદે શૈલેષ પરમારના નામ મોખરે છે, જયારે પ્રભારી તરીકે મુકુલ વાસનિક અને અવિનાશ પાંડેની શક્યતા છે.

કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે
છેલ્લા એક મહિનાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી મળવાનો પણ સમય આપતાં ના હોવાથી તેઓ ધક્કો ખાઈને ગુજરાત પરત ફરી રહ્યા છે. ગુજરાતમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ નેતા વિનાની કોંગ્રેસ થઈ ગઈ હોવાનું ખુદ કોંગ્રેસના કેટલાક નેતાઓ માની રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં કેન્દ્રીય પ્રભારીની નિયુકિત અટકી જતાં પ્રદેશ પ્રમુખથી લઈને સંગઠનમાં બદલાવ થઈ શકતો નથી, ત્યારે આવતા મહિનામાં ઈન્ચાર્જ પ્રભારીની નિમણૂંક કરીને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવા હાઈકમાન્ડ સક્રિય થઈ રહ્યું છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું.

કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ કોઈ નેતાને નિમણૂંક આપી નથી
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ પ્રભારીની જગ્યા ખાલી પડી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ કોઈ નેતાને નિમણૂક આપી નથી. દેશનાં વિવિધ રાજયોમાં કોંગ્રેસમાં આંતરિક ધમસાણ હોવાથી ગુજરાતમાં પ્રભારીનું નામ નક્કી થતું નથી. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુકત કરી દેવાશે. કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પંચાયત ચૂંટણીમાં હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાં ધરી દીધાં હતાં.

પ્રભારીપદ માટે મુકુલ વાસનિક તથા અવિનાશ પાંડેનાં નામ આગળ
નવી નિમણૂક ના થાય ત્યાં સુધી તેમને કાર્યભાર સંભાળવાનું કહેવાયું હતું. કોંગ્રેસનાં સૂત્રોએ કહ્યું હતું કે પ્રભારીપદ માટે મુકુલ વાસનિક તથા અવિનાશ પાંડેનાં નામ આગળ છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ પ્રભારી રહી ચૂકેલા બી.કે.હરિપ્રસાદનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. અહેમદ પટેલના નિધન બાદ ગુજરાતનો મામલો સંભાળવાનું હાઈ કમાન્ડ માટે મુશ્કેલ છે. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી હતી. એ સમયે સત્તા ન મળવા છતાં કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં સારો હતો. નવા પ્રભારીપદે પણ એવા નેતાની નિમણૂક કરાશે, જે મહત્ત્વની બાબતોમાં અશોક ગેહલોત સાથે પરામર્શ કરી શકે.

પ્રભારીપદ માટે મુકુલ વાસનિક તથા અવિનાશ પાંડેનાં નામ આગળ.
પ્રભારીપદ માટે મુકુલ વાસનિક તથા અવિનાશ પાંડેનાં નામ આગળ.

પ્રદેશ પ્રમુખ માટે કોંગ્રેસ સિનિયર નહીં, પણ યુવા ચહેરાની શોધમાં
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ હાથ ધરાઇ ગઇ છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓને કોરાણે મૂકીને યુવા ચહેરાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નીમવાની કવાયત હાથ ધરાઇ છે. જોકે કોંગ્રેસ આમાં કેટલી સફળ થશે તો એ સમય કહેશે, પણ સિનિયરોની છેલ્લી ઘડીની ટાંટિયાખેંચને કારણે કોંગ્રેસને નુકસાન થતું હોવાથી મોવડી મંડળ યુવા ચહેરાને પ્રદેશ પ્રમુખ નીમવા તરફ મીટ માંડી રહ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...