તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

​​​​​​​વેક્સિનનો ઉત્સાહ:પશ્ચિમ બાદ હવે પૂર્વમાં પણ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ, નિકોલ AMC ગ્રાઉન્ડમાં ગાડીઓની બે કિમી લાંબી લાઇન લાગી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પહેલાં બંધ હતું, દિવ્ય ભાસ્કરે સવાલ ઉઠાવતાં અંતે શરૂ કર્યું
  • વેક્સિનનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યાનો રહેશે

કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન જરૂરી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ વેક્સિનેશન માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં સૌ પહેલા પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા સ્ટેડિયમ તેમજ ડ્રાઈવ ઈન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. બંને જગ્યાએ સારો પ્રતિસાદ મળ્યા બાદ નિકોલ AMC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડની અંદર અને બહાર બંને જગ્યાએ ગાડીઓની લાઈન લાગી હતી. સવારથી બપોરે 1 વાગ્યા સુધીમાં 600થી વધુ લોકોએ વેક્સિન લઈ લીધી હતી. પૂર્વ વિસ્તારમાં લોકોનો પ્રતિસાદ પશ્ચિમ કરતાં વધુ જોવા મળ્યો છે.

પૂર્વના લોકોએ વેક્સિનેશન માટે ઉત્સાહ બતાવ્યો
સવારથી પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોએ ગાડીમાં વેક્સિનેશન માટે લાઈન લાગી હતી. બે કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. સવારથી જ પૂર્વ વિસ્તારના લોકોએ વેક્સિનેશન માટે ઉત્સાહ બતાવ્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે શહેરના પૂર્વ વિસ્તારમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું ન હતું.

પૂર્વ વિસ્તારમાં લોકોનો પ્રતિસાદ પશ્ચિમ કરતાં વધુ જોવા મળ્યો.
પૂર્વ વિસ્તારમાં લોકોનો પ્રતિસાદ પશ્ચિમ કરતાં વધુ જોવા મળ્યો.

45+ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન લઈ શકશે
DivyaBhaskarએ આ મામલે સવાલ ઉઠાવતાં કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો જાગ્યા હતા અને ગણતરીના કલાકોમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ડી-માર્ટ પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવાનો નિર્ણય લઈ જાહેરાત કરી હતી. વેક્સિનેશન માટે 45 વર્ષથી વધુ ઉંમર નાગરિકો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિનનો ડોઝ લઈ શકશે. નાગરિકોએ પોતાનું આધાર કાર્ડ લઈને જવાનું રહેશે. વેક્સિનનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યાનો રહેશે.

ગ્રાઉન્ડની અંદર અને બહાર બંને જગ્યાએ ગાડીઓની લાઈન લાગી હતી.
ગ્રાઉન્ડની અંદર અને બહાર બંને જગ્યાએ ગાડીઓની લાઈન લાગી હતી.

મણિનગરમાં વેક્સિને લેવા આવતા લોકોને ધક્કા
શહેરના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન સેન્ટર કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં લોકો રોજ વેક્સિન લેવા માટે આવતા હોય છે. જોકે આજે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે તેઓ 3 દિવસથી વેક્સિન લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે અને સવારે 5.30 વાગ્યાથી લાઈનમાં હોવા છતાં તેમને વેક્સિન મળી નથી. પરિણામે, કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને નિરાશ થઈને પાછા ઘરે જવું પડ્યું છે.