પહેલા સ્ટિંગ, પછી રેડ:મહેસૂલ મંત્રીએ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીએ પહોંચ્યા, કર્મચારીને કહ્યું-તમે તમારી જાતને ચાર્જીસ માટે ઈન્વાઇટ કરી રહ્યાં છો, તપાસના આદેશ

અમદાવાદ2 મહિનો પહેલા
કર્મચારીની ઉલટ તપાસ કરી રહેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
  • રાજુ પારેખ, પંકજ શાહ કર્મચારી ન હોવાછતાં સ્ટેમ્પ મૂલ્યાંકન ઓફિસમાં બેસતા હતા
  • બદલી નહીં તેમની સામે કડક પગલા લેવાશે, અમે કોઈને છોડીશું નહીંઃ રાજેન્દ્ર ત્રિવેદી

પટેલ સરકારે હવે મહેસૂલમાં થતો ભ્રષ્ટાચાર ડામવા માટે નવી જ રીત અપનાવી છે. ગુજરાત સરકારે હવે એક પેરેલલ ACB ઉભી કરી છે એટલે કે, જો કોઈ તમારી પાસે લાંચ માગે તો સ્ટિંગ ઓપરેશન કરીને મહેસૂલ વિભાગ કે મહેસૂલ મંત્રીને મોકલનામી છૂટ આપી છે. ગત ઓક્ટોબરમાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે મહેસૂલ વિભાગનો કોઈપણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો. આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવાશે. મહેસૂલમંત્રીની સૂચના બાદ ગુજરાત હાઈકોર્ટના વકીલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દીપેન દવેએ અમદાવાદની ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ઓફિસનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે.

ફરિયાદ ગંભીર જણાતા મહેસુલ મંત્રીએ તપાસના આદેશ આપ્યા
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે અમદાવાદ પોલીટેકનિક કેમ્પસમાં આવેલી મહેસૂલ વિભાગની સ્ટેમ્પ ડ્યુટી કચેરી શહેર વિભાગ-1 માં ભ્રષ્ટાચાર અંગે મળેલી ફરિયાદના પગલે આકસ્મિક તપાસ કરી હતી. હાઈકોર્ટના વકીલ દ્વારા મળેલી લેખિત ફરિયાદના પગલે મહેસૂલ દ્વારા ત્વરિત એકશનના ભાગરૂપે કચેરીના અધિકારી-કર્મચારીઓની પૃચ્છા કરી હતી. ગંભીર ફરિયાદ જણાતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા.

લાંચની માંગણીની ઓડિયો ક્લિપ મંત્રીને સોંપવામા આવી
ક્યાંય પણ આ પ્રકારની ગેરરિતી અંગેના પુરાવા રજૂ કરવા કરાયેલી અપીલને પગલે અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં હાઈકોર્ટના વકીલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં કચેરીમાં બહારના માણસો દ્વારા કરાતી લાંચની માંગણીની ઓડિયો ક્લિપ મંત્રીને સોંપવામા આવી હતી. અનધિકૃત રીતે બહારના માણસો અહી આવીને બેસીને કામગીરીમા સામેલ થઈને ભ્રષ્ટાચાર આચરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ભ્રષ્ટાચારના પુરાવા સાથે મળેલી ફરિયાદ માટે જાત તપાસ અર્થે આવેલા મહેસુલ મંત્રીએ તાત્કાલિક અસરથી અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલાઓ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ફરિયાદી વકીલને સાથે રાખી આખી ઘટનાનો ચિતાર મેળવ્યો
તેમણે ફરિયાદી વકીલને સાથે રાખી આખી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો.અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પુછપરછમાં પંકજ શાહ અને રાજુ પરીખ અનઅધિકૃત રીતે અહી આવીને બેસતા હોવાની જાણકારી મળી હતી. મંત્રીએ કચેરીના અધિકારી અને કર્મચારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યા હતા.
મંત્રીએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર કોઇપણ વિભાગમા ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહિ તથા નાગરિકોને પણ આહવાન કર્યુ હતુ કે કોઇપણ સરકારી કચેરીઓમા ભ્રષ્ટાચાર થતો હોય તો તેની માહિતી નિર્ભયપણે આપે. તેની સામે ચોક્કસપણે તપાસ કરાશે.

આ પણ વાંચોઃ મહેસૂલમંત્રીની સૂચનાથી હાઇકોર્ટના વકીલે કર્યું સ્ટિંગ ઓપરેશન, 1800 સોસાયટીના દસ્તાવેજોની જૂની સ્ટેમ્પ ભરવા દસ્તાવેજદીઠ રૂ.4000 માગ્યા

આ સ્ટિંગ ઓપરેશન બાદ મહેસૂલ મંત્રીએ રાજેન્દ્ર ત્રિવેદીએ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ઓફિસમાં રેડ કરી હતી. જ્યાં એક કર્મચારીએ કહ્યું કે જાહેર સેવક ન હોવાછતાં 4 લોકો અહીં બેસતા હતા. રાજુ પારેખ, પંકજ શાહ કર્મચારી ન હોવા છતાં બેસતા હતા.

એક કર્મચારી ઈશારો કરીને કહે છે અહીં કર્મચારી ન હોય એવા લોકો બેસતા હતા
એક કર્મચારી ઈશારો કરીને કહે છે અહીં કર્મચારી ન હોય એવા લોકો બેસતા હતા

તમામની બદલી કરવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી
ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ઓફિસની મુલાકાત લીધા બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, સાંજ સુધીમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં કામ કરતા તમામની બદલી કરવામાં આવશે. ગુજરાત સરકાર ભ્રષ્ટચાર નહીં ચલાવી નહીં લે.જે અધિકારીઓ લાંચ લેતા હોય તેમના સ્ટિંગ કરી તેની માહિતી મને આપો. બદલી નહીં પણ તેમની સામે કડક પગલા લેવાશે. અમે એક્શન લઈશું કોઈને છોડીશું નહીં.

ગુજરાત સરકાર ભ્રષ્ટચાર નહીં ચલાવી નહીં લેઃ રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાત સરકાર ભ્રષ્ટચાર નહીં ચલાવી નહીં લેઃ રાજેન્દ્ર ત્રિવેદી

રાજેન્દ્ર ત્રિવેદીઃ મહેરબાની કરીને ખોટું બોલવાની જરૂર નથી. બીજાને બચાવવા જતા તમે મુશ્કેલીમાં ના મુકાવ. બાજુની ખુરશી પર ઈશારો કરીને કહ્યું કે, આમને કોણ બેસાડતું હતું?
કર્મચારીઃ ખ્યાલ નથી.

રાજેન્દ્ર ત્રિવેદીઃ તમે તમારી જાતને ચાર્જીસ માટે ઈન્વાઇટ કરી રહ્યાં છો. તમારી બાજુમાં એક ભાઈ ત્રિવેદી કરીને આવીને બેસે, કેટલા વખતથી બેસે?

રાજેન્દ્ર ત્રિવેદીઃ કેટલા વખતથી?(ભાર દઈને)

કર્મચારીઃ હમણાંથી જ આવે છે. મહિનો થયો હશે.

રાજેન્દ્ર ત્રિવેદીઃ રિટાયર્ડ થઈને બેસતા?

રાજેન્દ્ર ત્રિવેદીઃ કોના કહેવાથી અહીં બેસતા હતા? કોના કહેવાથી બેસતા હતા?(ભાર દઈને)

રાજેન્દ્ર ત્રિવેદીઃ આપની બાજુમાં કોણ બેસતું

કર્મચારીઃ ત્રિવેદીભાઈ છે.

રાજેન્દ્ર ત્રિવેદીઃ શું હોદ્દો?

કર્મચારીઃ રિટાયર્ડ થયા પછી, વોલેન્ટરી તરીકે બેસતા

રાજેન્દ્ર ત્રિવેદીઃ વોલેન્ટરી એટલે?

કર્મચારીઃ માનદ સેવા આપવા આવે છે.

રાજેન્દ્ર ત્રિવેદીઃ માનદ સેવા એટલે સમજ્યો નહીં.

કર્મચારીઃ રિટાયર્ડ થયા પછી અહીં આવે છે.

રાજેન્દ્ર ત્રિવેદીઃ કેટલા સમયથી રિટાયર્ડ થયા છે?

કર્મચારીઃ હાઉસિંગ બોર્ડમાંથી રિટાયર્ડ થયાને એટલે હમણાંથી આવે છે.

રાજેન્દ્ર ત્રિવેદીઃ અહીં શું કરવા આવે?માનદ સેવા, અહીં નહોતાને નોકરીમાં? એમને કોણે બેસાડ્યા? કોના હુકમથી?જો તમે સમજી લો.

કચેરીમાં બેસતી 2 અનઅધિકૃત વ્યક્તિ વહીવટ કરતી હતી
કચેરીના સ્ટાફની પૂછપરછમાં મંત્રીને જાણવા મળ્યું હતું કે, કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિ પંકજ શાહ અને રાજુ પરીખ બેસતા હતા અને સમગ્ર દસ્તાવેજની લાંચની રકમનો વહીવટ કરતા હતા. આ બે માણસો સામે કાર્યવાહી કરવા પણ મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

તમામ કચેરીઓમાં તપાસ થાય તો મોટી ગેરરીતિ પકડાય
ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચેરીમાં ગેરરીતિ થતી હતી. મૂલ્યાંકન બાદ દસ્તાવેજ મેળવવા મિલકતમાલિકોએ વધારાનાં નાણાં આપવાં પડતાં હતાં. અધિકારીઓ અને કર્મચારીઓ સિસ્ટમનો ભાગ સમજાવી લાંચ લેતા હતા. તમામ સબરજિસ્ટ્રાર કચેરીમાં પણ તપાસ થાય તો મોટા પાયે ગેરરીતિ બહાર આવી શકે છે.