હાર્દિકનો 'ભાજપ’ રાગ:2050 સુધી ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી, મેં મારા જીવનનાં 3 વર્ષ બગાડ્યા, વારંવાર ધર્મની વાત અવગણે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છેઃ હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસનું 2050 સુધી કોઈ ભવિષ્ય નથી તેમજ રામમંદિર માટે ઈંટો મોકલવી, NRC-CAAને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નીકળવા જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે.

બે વર્ષ સુધી મને કાર્યકારી તરીકેની કોઈ જવાબદારી નથી સોંપાઈ
હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસમાં મને બે વર્ષ સુધી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી નથી સોંપાઈ. ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. લોકો માટે નિષ્ઠાપૂર્વક આંદોલન કર્યું છે. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.

કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે છે
ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના હોય, તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે. ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે, જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે. સત્તામાં બેસીને પાર્ટીના વખાણ કરો એનો મતલબ એ નથી એ પાર્ટીમાં બે ટકા વસતિ ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે છે.7થી 8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ ચલાવે છે. મારા જેવા કાર્યકરો રોજના 500-600 કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમનાં સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાખવા પ્રયાસ કરે છે.

કોંગ્રેસ છોડવાનો નિર્ણય હિંમત સાથે લીધો
જ્યારે ગુજરાતમાં રાહુલ આવે ત્યારે આજ સુધી તેમના વિરુદ્ધ બોલ્યો નથી. તેઓ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને ગુજરાતની સમસ્યા વિશે વાત કરી નથી. પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી માટે ચિકન સેન્ડવિચ અને ડાયટ કોકની વ્યવસ્થા કરે છે. પક્ષમાં એવી ચર્ચાઓ કરવામાં આવે છે કે જ્યારે લોકો કંટાળી જશે ત્યારે કોંગ્રેસને વોટ આપશે. નરેશ પટેલને પાર્ટીમાં લેવાની વાતો કરે છે, પણ હજી કોઈ નિર્ણય લીધો નથી. મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને ગુજરાતની સમસ્યા જણાવી છે. તેમણે મને શું સમસ્યાઓ છે એવું પૂછ્યું અને મેં જણાવી છે. ત્યારે મને ઈગ્નોર કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ મૂર્ખ કહેવાય, જેણે મારા કહેવાથી ટિકિટ આપી
યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસ મૂર્ખ કહેવાય, જેણે મારા કહેવાથી ટિકિટ આપી. મેં કોંગ્રેસને માત્ર આપ્યું છે, કશું લીધું નથી. કોંગ્રેસને પાટીદાર આંદોલનનો ફાયદો થયો છે. જ્યારે તમને અનુભવ થશે ત્યારે બીજા લોકોને પણ ખબર પડશે. હજી ભાજપમાં જવાનો મારો નિર્ણય પણ નથી. હું કોંગ્રેસમાં રહું એવું કોઈ નેતા ઈચ્છતા નથી. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.

મેં મારા જીવનનાં 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા
કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કઈ રીતે કરી શકાય એ જ કામ કરે છે. મેં મારા જીવનનાં 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. હાલમાં ભાજપમાં કે આપમાં જવાનો કોઈ નિર્ણય કર્યો નથી. જ્યારે પણ કરીશ ત્યારે ગર્વથી કરીશ. જે નિર્ણય લઈશ એ ઈમાનદારીથી કરીશ. મારા ગુજરાતને સર્વશ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો કરીશ.

હાર્દિકનો રાજીનામાનો પત્ર કમલમમાંથી લખાયો
હાર્દિક પટેલની પ્રેસ-કોન્ફરન્સ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલને જવાબ અપાશે. હાર્દિક પટેલ સમાજનો સારો ચહેરો બન્યો હતો. હાર્દિકનો રાજીનામાનો પત્ર કમલમમાંથી લખાયો હતો. મૂળ મુદ્દો એ હતો કે હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસ ચાલતા હતા. તે જેલમાં ના જાય એ માટે પ્રયાસો હતા. નરેશભાઈ સાથે માત્ર ચા-પાણી કરવાનો કાર્યક્રમ હતો. નરેશભાઈને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હાર્દિક બધાને ફોન કરીને કહે છે કે મારી સાથે આવો, કોઈ આવ્યા નહીં. હાર્દિક પટેલ અને તમામ ભાષા કમલમમાંથી આવી રહી છે.

હાર્દિક જે નેતાઓને ગાળો આપતો એમના જ ખોળામાં બેઠોઃ ધારાસભ્ય જશુ પટેલ
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસની નેતાગીરી સામે ગંભીર પ્રકારના આરોપ લગાવતા સવાલો ઉઠાવ્યા છે. આ મામલે બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે હાર્દિકને કોંગ્રેસ પક્ષે મોટી જવાબદારી સોંપી, આજે એવું તો શું થયું કે જે પક્ષ અને નેતાઓને ગાળો આપતો તેના ખોળામાં બેસી ગયો હોય એ પ્રકારે વાત કરી રહ્યો છે. આ સ્પષ્ટ રીતે તેનો અંગત સ્વાર્થ જણાઈ રહ્યો છે. શા માટે હાર્દિકના વિચાર રાતોરાત બદલાઈ ગયા. એટલું જ નહીં પરંતુ હાર્દિકે દાવો કર્યો છે કે અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસથી છેડો ફાડવાની તૈયારીમાં છે, તે અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું તો કોંગ્રેસમાં જ છું ને રહેવાનો છું. જેમને કામ કરવું હોય તેમને હોદ્દાની જરૂર નથી હોતી.

અન્ય સમાચારો પણ છે...