મેમનગરમાં રહેતા વેપારીને કાર આપવાનું જણાવીને એડવાન્સ પેટે રૂ.1.49 લાખ મેળવી લીધા બાદ કાર બ્રોકરે કારનો સોદો કેન્સલ થાયો છે તેમ કહીને વેપારી પાસેથી લીધેલા પૈસા પરત ચૂકવ્યા ન હતા. જેથી આ મામલે વેપારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મેમનગરના નીલ દિપ એપાર્ટમેન્ટમાં રહેતા ગોપાલભાઈ પ્રજાપતિ ગુરુકુળ રોડ ખાતે અર્બુદા નોવેલ્ટી નામની દુકાન ધરાવી કટલરીને લગતો વેપાર કરે છે. ગોપાલભાઈને સેકેન્ડમાં કાર ખરીદી કરવી હતી, જેથી કારની લે-વેચ કરનાર પીયૂષ પટેલનો સંપર્ક કર્યો હતો.
જેથી પીયૂષભાઈએ મોબાઈલ પર અલગ અલગ કારના ફોટા મોકલ્યા હતા. જેમાંથી એક કાર ગોપાલભાઈને પસંદ આવતા તેમણે કાર જોવા પણ ગયા હતા. બાદમાં કાર 3.25 લાખ રૂપિયામાં વેચવાની હોવાનું ગોપાલભાઈને જણાવ્યું હતંુ. જેથી ગોપાલભાઈએ એક લાખ રૂપિયા આંગડિયા મારફતે અને 49 હજાર રૂપિયા ઓનલાઈન પેટીએમ મારફતે કારના એડવાન્સ પેટે પીયૂષ પટેલને મોકલી આપ્યા હતા.
જોકે થોડા દિવસ પછી પીયૂષે ગોપાલભાઈને ફોન કરીને કારનો સોદો કેન્સલ થઈ ગયો હોવાનું જણાવ્યું અને કહ્યું કે હું તમને કારની ડિલીવરી આપીશ નહીં તેમ જણાવીને ફોન કાપી નાખ્યો હતો. જેથી પૈસા માટે ગોપાલભાઈ ફોન કરતા તો પીયૂષ વાયદા જ આપતો હતો. જેથી પોતાની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતા ગોપાલભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પીયૂષના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.