આમંત્રણપત્રિકાનો વિવાદ:રાજકોટ બાદ અમદાવાદમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મેયર સહિત સિનિયર નેતાઓનાં નામ ગાયબ, વિવાદ થતાં નવી પત્રિકા છપાવી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટરની ફાઈલ તસવીર - Divya Bhaskar
સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટરની ફાઈલ તસવીર
  • શહેર ભાજપ અને પ્રદેશ ભાજપના નેતાઓ, મેયર સહિત કેટલાક નેતાઓની અવગણના કરતા હોવાની ચર્ચાને વેગ મળતાં વિવાદ
  • નવી આમંત્રણપત્રિકામાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ મુખ્ય મહેમાન, મેયર અને સાંસદોનાં નામ ઉમેરી દેવાયાં

રાજકોટમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં આગેવાનોનાં નામો લખવાના વિવાદ બાદ હવે અમદાવાદમાં પણ આવો જ વિવાદ ઊભો થયો હતો. અમદાવાદ શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે, જેની આમંત્રણપત્રિકામાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર સહિતના સાંસદો અને સિનિયર આગેવાનોનાં નામની જ બાદબાકી કરાઈ હતી. એને લઇ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં મેયર તેમજ સિનિયર નેતાઓની કોઈ ગણના ન થતી હોવાની ચર્ચા થતી જણાતી હતી. કેટલાક નેતા અને કાર્યકરોએ ઉચ્ચ નેતાઓનું ધ્યાન દોરતાં આખરે મેયર સહિતના નામવાળી નવી આમંત્રણપત્રિકા તાત્કાલિક છાપી દેવાઈ છે.

મેયરનું નામ આમંત્રણપત્રિકામાં ન હોવાથી અનેક ચર્ચાઓ ઊઠી
શહેર ભાજપના નેતાઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા ભાજપના જ દલિત કોર્પોરેટર અને શહેરના પ્રથમ નાગરિક મેયરની અવગણના કરવામાં આવે છે. કોર્પોરેશનમાં પણ ભાજપના પ્રભારી તેમજ બે નેતા ભેગા મળીને નિર્ણય લે છે અને મેયર તથા ડેપ્યુટી મેયરની અવગણના કરાતી હોવાનો વિવાદ પણ થોડા દિવસ પહેલાં સામે આવ્યો હતો. આ અગાઉ અનેક વખત ભાજપ સમર્થિત દલિત નેતાઓ તેમજ પદાધિકારીઓનાં નામ ભૂલી જવાયાં હતાં. આ ઘટનાને પગલે ભાજપના જ કેટલાક નેતાઓ ચર્ચા કરી રહ્યા છે કે આપણા જ નેતાઓ વારંવાર આપણી અવગણના કરી રહ્યા છે. સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના જ સાંસદોનાં નામ પણ ન લખવામાં આવતાં ચર્ચા થઈ હતી.

જૂની નિમંત્રણપત્રિકાની તસવીર.
જૂની નિમંત્રણપત્રિકાની તસવીર.

જૂની પત્રિકામાં કોનાં કોનાં નામ?
આમંત્રણપત્રિકામાં મેયર સહિતના કેટલાક નેતાઓનાં નામનો વિવાદ ઊભો થતાં તાત્કાલિક નવી આમંત્રણપત્રિકા છપાવી દેવાઈ છે. વિવાદ પહેલાંની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અતિથિ તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અતિથિ વિશેષ તરીકે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ સહ-કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર અને રાજયકક્ષાના મંત્રી જગદીશ પંચાલનાં જ નામ હતાં.

નવી નિમંત્રણપત્રિકાની તસવીર.
નવી નિમંત્રણપત્રિકાની તસવીર.

નવી પત્રિકામાં મેયરના નામનો ઉલ્લેખ કરાયો
નવી આમંત્રણપત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલનાં નામ લખી દેવાયાં છે અને અતિથિ તરીકે પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર (કાકા) પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ મહામંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ મેયર કિરીટ પરમાર, અમદાવાદ પશ્ચિમ લોકસભા સાંસદ ડો. કિરીટ સોલંકી અને અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ હસમુખ પટેલનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં.